આલ્બેનિયા : અગ્નિ યુરોપમાં આવેલું નાનું પહાડી રાષ્ટ્ર. ભૌગોલિક સ્થાન : તે આશરે 390 40´ થી 420 40´ ઉ. અ. અને 190 20´ થી 210 10´ પૂ. રે. વચ્ચેનો 28,748 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશની ઉત્તર-દક્ષિણ મહત્તમ લંબાઈ 346 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ પહોળાઈ 145 કિમી. જેટલી છે. તેની વાયવ્યમાં અને ઉત્તરમાં યુગોસ્લાવિયા, પૂર્વમાં અગાઉનું યુગોસ્લાવ પ્રજાસત્તાક ઑવ્ મૅસેડોનિયા, દક્ષિણમાં ગ્રીસ તથા નૈર્ઋત્ય અને પશ્ચિમ તરફ એડિયાટ્રિક સમુદ્ર આવેલા છે.

આલ્બેનિયા

આલ્બેનિયા

ભૂપૃષ્ઠજળપરિવાહઆબોહવા : આલ્બેનિયાનું પોણા ભાગનું ભૂપૃષ્ઠ પહાડી છે. તેની સરેરાશ ઊંચાઈ 300 મીટર જેટલી છે. ઉત્તર તરફ આવેલો આલ્બેનિયન આલ્પ્સ 2,590 મીટરની ઊંચાઈ ધરાવે છે. તેનું સૌથી ઊંચું શિખર માઉન્ટ કોરાબ (અથવા કોરાબિટ) 2,751 મીટર ઊંચું છે. ઝાડી-ઝાંખરાંવાળી વનસ્પતિનાં જંગલો દેશનો આશરે 30 % જેટલો ભાગ આવરી લે છે.

અહીંની બધી જ નદીઓ પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે અને એડ્રિયાટિક સમુદ્રમાં ઠલવાય છે. બ્યુની, ડ્રિન, શ્કુમ્બી, સેમોન અને વિજોસ નદીઓ દેશનો મુખ્ય જળપરિવાહ રચે છે. આ પૈકીની એક માત્ર બ્યુની નદી જ જળમાર્ગવ્યવહાર માટે ઉપયોગી છે. ઓહરિડ, સ્કુતારી અને પ્રેસ્પા સરોવરોનાં જળ આલ્બેનિયા, યુગોસ્લાવિયા અને ગ્રીસ ભેગાં મળીને ઉપયોગમાં લે છે. એડ્રિયાટિક સમુદ્રને કિનારે આવેલું દરેસ દેશનું મુખ્ય બંદર છે. સમુદ્રકિનારાની લંબાઈ 282 કિમી. જેટલી છે. ત્યાંની ભૂમિપટ્ટી સાંકડું મેદાન રચે છે.

આલ્બેનિયા ભૂમધ્ય સમુદ્રીય આબોહવા ધરાવે છે. સમુદ્રકિનારાના ભાગોમાં આબોહવા સમધાત રહે છે. ઉનાળા ગરમ અને સૂકા તથા શિયાળા વરસાદવાળા રહે છે. દેશમાં સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 1,000થી 1,500 મિમી. જેટલો પડે છે. આ દેશનું પાટનગર તિરાની છે. જે સમુદ્રસપાટીથી 110 મી. ની ઊંચાઈએ આવેલ છે. જેનો વિસ્તાર 41.8 ચોકિમી. છે. જ્યારે વસ્તી 4,18,000 (2011) છે.

અર્થતંત્ર : અન્ય યુરોપિયન દેશોની તુલનામાં આલ્બેનિયાનું જીવનધોરણ નીચું છે. અહીંના મોટાભાગના લોકોની આવક પણ ઘણી ઓછી છે. લોકોને આવકવેરો ભરવાનો હોતો નથી. શિક્ષણ નિ:શુલ્ક છે અને લોકોની સ્વાસ્થ્યસંભાળ તથા સેવાઓનું પારિશ્રમિક સરકાર ચૂકવે છે. દેશમાં આવેલાં બધાં જ કારખાનાં, ખેતરો, ઊર્જામથકો, ઉત્પાદન કરતાં મથકો તેમજ વાહનવ્યવહારનાં સાધનો સહિતનું પરિવહનક્ષેત્ર સરકાર હસ્તક છે. અગાઉની સામ્યવાદી સરકારે ભારે ઉદ્યોગોના વિકાસ માટે નીતિવિષયક ભાર મૂકેલો, પરંતુ હજી ઔદ્યોગિક કારખાનાં અને રિફાઇનરીઓનું પ્રમાણ ઓછું છે. આલ્બેનિયા ખનિજોમાં ઘણું સમૃદ્ધ છે. ક્રોમાઇટ, તાંબાનાં અયસ્ક, નિકલ, લિગ્નાઇટ અને ખનિજતેલ – કુદરતી વાયુના ઉત્પાદનમાં તે મોખરાનું સ્થાન ભોગવે છે. દેશમાં ઉત્પન્ન થતી ઔદ્યોગિક પેદાશોમાં સિમેન્ટ, કૃત્રિમ ખાતરો, ખાદ્યપેદાશો અને કાપડનો સમાવેશ થાય છે.

દેશમાંથી નિકાસ થતી ચીજવસ્તુઓમાં ખનિજતેલ, બિટુમિન, ક્રોમિયમ-તાંબા-નિકલનાં અયસ્ક, તાંબાના તાર, તમાકુ, ફળો અને શાકભાજીનો તથા આયાતી ચીજવસ્તુઓમાં કૃષિયંત્રસામગ્રી અને ખાણકાર્ય માટેનાં સાધનોનો સમાવેશ થાય છે. 1945થી 1978 વચ્ચેના ગાળામાં આલ્બેનિયાના આર્થિક વિકાસમાં યુગોસ્લાવિયા, સોવિયેત યુનિયન અને ચીને સહાય કરેલી તથા તેઓ તેનાં વેપારી ભાગીદારો પણ રહેલાં. 1978માં ચીને આ આર્થિક સહાય બંધ કરી; તેથી આલ્બેનિયાએ પોતાનો વેપાર ઑસ્ટ્રિયા, ફ્રાન્સ, ગ્રીસ, ઇટાલી અને ટર્કી જેવા યુરોપિયન દેશો સાથે વિસ્તાર્યો.

તુર્કીની સ્થાપત્યકલાનું પ્રતિબિંબ ઝીલતું પાટનગર તરાના

તુર્કીની સ્થાપત્યકલાનું પ્રતિબિંબ ઝીલતું પાટનગર તરાના

દેશની માત્ર ચોથા ભાગની જમીન જ ખેડાણલાયક છે. અહીંની બધી જ ખેતી સરકાર તરફથી સહકારી ધોરણે થાય છે. દેશના આશરે 60 % લોકો ખેતી પર તેમનો જીવનનિર્વાહ કરે છે. સરકારે યાંત્રિક સાધનો અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને કૃષિપેદાશોનું ઉત્પાદન વધારવા આધુનિકીકરણ કરવાના પ્રયાસો આદર્યા છે. અહીંની મુખ્ય કૃષિપેદાશોમાં દ્રાક્ષ, મકાઈ, ઑલિવ, બટાટા, શુગરબીટ અને ઘઉંનો સમાવેશ થાય છે. ઘણા ખેડૂતો વધારાની આવક મેળવવા ઢોર, ઘેટાં-બકરાં, મરઘાં-બતકાં પણ પાળે છે. એડ્રિયાટિક કિનારા પરના લોકો માછીમારીની પ્રવૃત્તિ કરીને પોતાનો જીવનનિર્વાહ કરે છે.

લોકો : 2020ના અંદાજ મુજબ આલ્બેનિયાની વસ્તી આશરે 28,45,955 જેટલી છે. તે પૈકી 65 % ગ્રામીણ અને 35 % શહેરી છે. વસ્તીની ગીચતા દર ચોકિમી. દીઠ સરેરાશ 115 વ્યક્તિની છે. 1990ના દાયકામાં દેશનો સરેરાશ વસ્તીવૃદ્ધિદર 1 % જેટલો રહ્યો છે. દેશની વસ્તીનો 90 % ભાગ આલ્બેનિયન છે, 8 % ગ્રીક અને 2 % અન્ય જાતિના છે. ઇન્ડો-યુરોપિયન વંશની આલ્બેનિયન અહીંની સત્તાવાર ભાષા છે. આલ્બેનિયન લોકો તેમની બોલી મુજબ મુખ્ય બે સમૂહોમાં વહેંચાયેલા છે. શ્કુમ્બી નદીની ઉત્તર તરફ ગેગ અને દક્ષિણ તરફ ટોસ્ક સમૂહના લોકો વસે છે. ગ્રીસ નજીકના દક્ષિણના સીમાવર્તી વિસ્તારોમાં કેટલાક ગ્રીક લોકો રહે છે. લોકો રોમન કૅથલિક અને ઇસ્લામ ધર્મ પાળે છે. અહીંના મોટા ભાગના મુસ્લિમ ઑટોમન તુર્કોમાંથી ધર્મ-પરિવર્તન પામેલા છે.

દેશની 80 % વસ્તી અક્ષરજ્ઞાન ધરાવે છે. 1945થી શાળાશિક્ષણ વિસ્તર્યું છે અને નિરક્ષરતાનું પ્રમાણ ઘટ્યું છે. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને નિ:શુલ્ક છે. આશરે 9,000 વિદ્યાર્થીઓ તિરાના ખાતેની કૉલેજોમાં અભ્યાસ કરે છે. દેશમાં ઉચ્ચશિક્ષણની અન્ય સંસ્થાઓ પણ છે. વહીવટી સરળતા માટે દેશને 26 જિલ્લાઓમાં અને જિલ્લાઓને મંડળોમાં વહેંચેલા છે. તેમનો વહીવટ લોકસમિતિઓ દ્વારા થાય છે.

પશ્ચિમ કિનારા પર આવેલું તિરાની (અથવા તિરાના) દેશનું પાટનગર અને મોટામાં મોટું શહેર છે. શ્કોદર, એલ્બેસન, વ્લોર અને કોર્સ અહીંનાં મુખ્ય શહેરો છે. દેશમાં આશરે 20,000થી વધુ વસ્તી ધરાવતાં માત્ર 12 શહેરો આવેલાં છે. આલ્બેનિયાનું પાટનગર તિરાની અને બંદર દરેસ રેલમાર્ગો મારફતે એલ્બાસન, ફિયેર, શ્કોદર, વ્લોર અને કોર્સ જેવાં ઔદ્યોગિક મથકો સાથે જોડાયેલાં છે. આયાત-નિકાસના માલસામાનની હેરફેર મુખ્યત્વે રેલમાર્ગો દ્વારા થાય છે. આ દેશ હવાઈ સેવા દ્વારા સ્વિટ્ઝર્લૅન્ડ, જર્મની, ગ્રીસ, હંગેરી, ઇટાલી અને યુગોસ્લાવિયા સાથે પણ સંકળાયેલું છે. અહીંના લોકોનો મુખ્ય ખોરાક બ્રેડ, ચીઝ, દૂધ અને શાકભાજી છે.

વહીવટ : 1944થી 1990 સુધી આ દેશમાં સરકારી વહીવટ પર સામ્યવાદી પક્ષનું વર્ચસ્ હતું. સામ્યવાદી અંકુશનો અંત આવ્યા બાદ હંગામી સરકાર રચાઈ અને સત્તાનાં સૂત્રો બિનસામ્યવાદી લોકોને હસ્તક આવ્યાં. સરકારી વહીવટના વડા પ્રમુખ ગણાય છે. પ્રમુખની વરણી ચૂંટાયેલી રાષ્ટ્રીય ઍસેમ્બલી કરે છે. પ્રમુખ વડાપ્રધાનની નિમણૂક કરે છે. દેશનો વહીવટ વડાપ્રધાન અને તેમનું પ્રધાનમંડળ સંભાળે છે. 28 નવેમ્બર, 1998ના દિવસે આ દેશે નવું બંધારણ સ્વીકાર્યું. પીપલ્સ ઍસેમ્બલી નામની તેની સંસદ સર્વોચ્ચ ધારાસભા છે જે માત્ર એક જ ગૃહ ધરાવે છે. ગૃહ કુલ 140 પ્રતિનિધિઓનું બનેલું છે જેમાં 100 સભ્યો સીધા પ્રજા દ્વારા ચૂંટાય છે અને 40 સભ્યો પ્રમાણસર પ્રતિનિધિત્વની પ્રથાથી ચૂંટાય છે. ગૃહ ચાર વર્ષની મુદ્દત ધરાવે છે. પ્રત્યેક ઉમેદવાર પૂર્ણ બહુમતી(absolute majority)થી ચૂંટાય છે. આ એકગૃહી સંસદ દેશના પ્રમુખને પાંચ વર્ષની મુદત માટે ચૂંટે છે.

દેશનું નામ આલ્બેનિયા આલ્બેનિયન ભાષાના શબ્દ ‘સ્કવીપેરી’ અર્થાત્ ‘ગરુડની ભૂમિ’ પરથી પડેલું છે. અધિકૃત નામ ‘આલ્બેનિયન પ્રજાસત્તાક’ છે.

ઇતિહાસ : આશરે ઈ.સ.પૂ. 300માં આલ્બેનિયાનો મોટો ભાગ ઇલિરિયન રાજ્યમાં હતો. તે સમયે ગ્રીસની કેટલીક વસાહતો પણ આલ્બેનિયામાં હતી. ઈ.સ.પૂ. 167માં રોમન લશ્કરે ઇલિરિયનો પર વિજય મેળવીને આલ્બેનિયામાં રોમન સભ્યતા ફેલાવી. ઈ. સ. 300થી 1000 દરમિયાન ગૉથ, બલ્ગેરિયન, સ્લાવ અને નૉર્મન લોકોએ આલ્બેનિયા પર હુમલા કર્યા. ઈ. સ. 1300માં આલ્બેનિયા સર્બિયન સામ્રાજ્યનો ભાગ બન્યું. ઑટોમન તુર્કોએ 15મી સદીમાં હુમલા કર્યા ત્યારે સિકંદરબેગ નામના રાષ્ટ્રીય આગેવાને વીરતાપૂર્વક દેશનું રક્ષણ કર્યું હતું. 1468માં તેના અવસાન બાદ તુર્કોએ આલ્બેનિયા જીતી લીધું. ઑટોમન તુર્કોના 400 વર્ષથી પણ વધુ શાસન દરમિયાન ત્યાંના અનેક લોકો મુસ્લિમ બન્યા અને તે શાસન વિરુદ્ધ બળવા થયા. પ્રથમ બાલ્કન વિગ્રહ દરમિયાન આલ્બેનિયા 1912માં સ્વતંત્ર થયું. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન ઇટાલિયન, સર્બ, ફ્રેન્ચ વગેરે લોકોએ તેના પ્રદેશ કબજે કર્યા. અહમદ બેગ ઝોગુએ 1925માં સત્તા કબજે કરી, આલ્બેનિયાને પ્રજાસત્તાક જાહેર કરી, દેશનો પ્રથમ પ્રમુખ બન્યો. ઝોગુ 1928માં ત્યાંનો રાજા બન્યો અને 1939 પર્યંત સરમુખત્યારની જેમ રાજ્ય કર્યું. એપ્રિલ 1939માં ઇટાલીએ આલ્બેનિયા કબજે કર્યું અને 1943માં જર્મનીએ તે પ્રદેશ જીતી લીધો. 1944માં જર્મન લશ્કરને હાંકી કાઢીને અન્વર હોક્ઝાની સામ્યવાદી સરકારે સત્તા કબજે કરી. તેણે લોકોના સ્વાતંત્ર્ય પર નિયંત્રણો મૂક્યાં. આલ્બેનિયાએ 1948 સુધી યુગોસ્લાવિયા સાથે, તે પછી 1960 સુધી સોવિયેત સંઘ સાથે અને 1961થી 1978 સુધી ચીન સાથે રાજકીય સંબંધો જાળવ્યા. 1971માં ચીનને યુનાઇટેડ નેશન્સમાં પ્રવેશ મળ્યો, તેમાં આલ્બેનિયાના પ્રતિનિધિમંડળે મહત્વનો ભાગ ભજવ્યો હતો. 40 વર્ષ જેટલો સમય આલ્બેનિયા પર શાસન કર્યા બાદ 1985માં હોક્ઝા અવસાન પામ્યો. તેના પછી સામ્યવાદી પક્ષનો રમીઝ આલિયા દેશનો પ્રમુખ બન્યો. તેણે કેટલાક સામાજિક અને આર્થિક સુધારા કર્યા. ધર્મ પાળવાની છૂટ આપવામાં આવી. લોકોએ સામ્યવાદીઓને દૂર કરવા જુદાં જુદાં નગરોમાં દેખાવો યોજ્યા. તેના ફળસ્વરૂપે નવા રાજકીય પક્ષો રચવાની પરવાનગી મળી. 1991માં દેશમાં બહુપક્ષી ચૂંટણીઓ યોજવામાં આવી. તે પછી સામ્યવાદીઓ બહુમતી મેળવીને સત્તા પર ચાલુ રહેવાથી સમગ્ર દેશમાં તેમની સામે વિરોધ થયો. પ્રધાનમંડળે રાજીનામું આપવું પડ્યું. 1992માં થયેલી ચૂંટણીઓમાં ડેમૉક્રૅટિક પાર્ટીને બહુમતી મળવાથી સામ્યવાદીઓએ સત્તા ગુમાવી. નવી સરકારે આર્થિક સુધારા કર્યા. 1993માં સામ્યવાદી નેતા રમીઝ આલિયા અને પૉલિટબ્યૂરોના સભ્યોની ધરપકડ કરી સત્તાના દુરુપયોગ માટે કામ ચલાવવામાં આવ્યું. 1996ની ચૂંટણીમાં સેલી બેરિશાના નેતૃત્વમાં ડેમૉક્રૅટિક પાર્ટીની જીત થઈ. 1997માં આર્થિક કારણોસર મોટા પાયે લોકજુવાળ ફાટી નીકળ્યો અને તેથી કટોકટી લાદવી પડી. સરકારે રાજીનામું આપવું પડ્યું અને સમાજવાદીઓના નેતૃત્વ નીચેના જોડાણ દ્વારા ફેટોસ નાનો વડાપ્રધાન બન્યા. 1999માં લગભગ પાંચ લાખ જેટલા નિર્વાસિતો સાઇબેરિના કોસોવો પ્રાંતમાંથી આલ્બેનિયામાં નાસી ગયા. 2002માં ફેટોસ નાનો ફરીથી ચૂંટાઈ આવ્યા. જુલાઈ 2005માં ડેમૉક્રૅટિક પક્ષનો વિજય થયો. 4 એપ્રિલ, 2009માં આલ્બેનિયાને નાટોમાં પ્રવેશ મળ્યો.

હેમન્તકુમાર શાહ

જયકુમાર ર. શુક્લ