આલ્મન્ડ, ગેબ્રિયલ અબ્રહામ

January, 2002

આલ્મન્ડ, ગેબ્રિયલ અબ્રહામ (જ. 12 જાન્યુઆરી 1911, રૉક આઇલૅન્ડ, ઇલિનૉઈસ, યુ. એસ.; અ. 25 ડિસેમ્બર 2002) : તુલનાત્મક રાજકારણમાં મહત્વનું અને મૂલગામી પ્રદાન કરનાર અમેરિકાના રાજ્યશાસ્ત્રી. યુદ્ધોત્તર વર્ષોમાં એશિયા-આફ્રિકાનાં નવાં રાજ્યો અસ્તિત્વમાં આવતાં રાજકીય પ્રક્રિયાની સાર્વત્રિકતા પ્રતિબિંબિત કરતી નવી વિભાવનાઓનું સૂચન કરનાર.

બાળપણમાં પિતા પાસે શીખેલા ‘ઓલ્ડ ટેસ્ટામેન્ટ’ આધારિત પદાર્થપાઠો, ત્રીસી દરમિયાન શિકાગો યુનિવર્સિટીમાં ચાર્લ્સ મેરિયમ તથા હૅરોલ્ડ લાસવેલના સંપર્કમાં વિતાવેલ અભ્યાસકાળનાં વર્ષો અને કમિટી ઑન કંપૅરેટિવ પૉલિટિક્સના સભ્યો સાથેનો વર્ષોજૂનો સંપર્ક અને સંબંધ એ ત્રણ મુખ્ય અસરો તેમના ઉપર હતી.

રાજકીય માળખાં, એનાં અંગો, મૂલ્યો, વિચારસરણી, પક્ષો, પ્રજામત, નેતૃત્વ જેવી પ્રક્રિયાઓ તથા સંસ્થાઓનાં વ્યવસ્થિત તુલનાત્મક વર્ણન, સમજૂતી, વર્ગીકરણ અને પૃથક્કરણ દ્વારા રાજ્યશાસ્ત્રક્ષેત્રે જ્ઞાનની જે નવી ક્ષિતિજો ઊપસી છે તે આલ્મન્ડના અરસાનું પ્રદાન છે. એશિયા, આફ્રિકા તથા લૅટિન અમેરિકાનાં નવજાત રાષ્ટ્રોમાં ઉદભવેલાં રાજકીય માળખાં, પ્રથા તથા પ્રક્રિયાના અભ્યાસોથી રાજ્યશાસ્ત્ર સવિશેષ સમૃદ્ધ બન્યું છે. એકંદરે રાજ્યશાસ્ત્રને અભ્યાસક્ષેત્રે સમૃદ્ધ બનાવવામાં આલ્મન્ડનો સહયોગ ઠીક ઠીક મહત્વનો લેખી શકાય. આલ્મન્ડના નેતૃત્વ હેઠળના સહિયારા પ્રયાસોના પરિપાક રૂપે ત્રીજા વિશ્વના નવા દેશોની સમગ્ર રાજકીય પ્રક્રિયા ગ્રંથસ્થ થઈ છે તે અતિમહત્વનું પ્રદાન છે. ‘કમ્પૅરેટિવ પૉલિટિક્સ : એ ડેવલપમેન્ટલ એપ્રોચ’ (1966) આ ગ્રંથ દ્વારા તેમણે તુલનાત્મક રાજ્યશાસ્ત્રની મૂળભૂત વિભાવનાઓની સૈદ્ધાન્તિક રજૂઆત કરી.

આલ્મન્ડે લખેલા ગ્રંથો : (1) ‘ધી અમેરિકન પીપલ ઍન્ડ ફૉરિન પૉલિસી’ (1950), (2) ‘ધી અપીલ્સ ઑવ્ કૉમ્યુનિઝમ’ (1954), (3) ‘ધ સ્ટ્રગલ ફૉર ડેમૉક્રસી ઇન જર્મની’ (1949), (સંપાદન), (4) ‘ધ પૉલિટિક્સ ઑવ્ ધ ડેવલપિંગ એરિયાઝ’ (1960), (સહસંપાદન), (5) ‘ધ સિવિક કલ્ચર : પોલિટિકલ ઍટિટ્યૂડઝ ઇન ફાઇવ નેશન્સ’ (1963), (સહલેખન), (6) ‘પોલિટિકલ ડેવલપમેન્ટ : એસેઝ ઇન હ્યૂરિસ્ટિક થિયરી’ (1970), (7) ‘ક્રાઇસિસ : ચૉઇસ ઍન્ડ ચેન્જ’ (1973), (8) ‘કંપૅરેટિવ પૉલિટિક્સ : સિસ્ટમ, પ્રોગ્રેસ ઍન્ડ પૉલિસી’ (1978), (9) ‘કંપૅરેટિવ પૉલિટિક્સ ટુડે’ (1980), (10) ‘ધ સિવિક કલ્ચર રિવિઝિટેડ’ (1980), (11) ‘પ્રોગ્રેસ ઍન્ડ ઇટ્સ ડિસકન્ટેન્ટ્સ’ (1981).

પ્રિયવદન પટેલ