અલીગઢ આંદોલન

January, 2001

અલીગઢ આંદોલન : સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવા માટે  સર સૈયદ અહમદે (1817-1898) ચલાવેલી ઝુંબેશ. તેમની દૃષ્ટિએ હિંદના મુસ્લિમો રૂઢિચુસ્તતા અને બ્રિટિશ શાસન તરફની શંકાને લીધે પાશ્ચાત્ય શિક્ષણથી વિમુખ રહ્યા હતા, તેથી હિંદુઓની તુલનામાં તેમણે રાજકીય, વહીવટી અને આર્થિક વગ ગુમાવીને પોતાનું ભવિષ્ય ધૂંધળું બનાવ્યું હતું.

સૌ પહેલાં તો સર સૈયદે મુસ્લિમોને કૂપમંડૂકતા તજી દઈને અંગ્રેજી કેળવણી લેવાનો અનુરોધ કર્યો. મુસ્લિમોને અંગ્રેજી ગ્રંથોનો પરિચય થાય તે માટે તેમણે પોતે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનને લગતા ગ્રંથોનો ઉર્દૂમાં અનુવાદ કર્યો. સર સૈયદે ઈ. સ. 1869માં ઇંગ્લૅન્ડની મુલાકાત લીધી. દોઢેક વર્ષના ત્યાંના તેમના વસવાટથી તેઓ પાશ્ર્ચાત્ય સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત થયા. ઑક્સફર્ડ અને કૅમ્બ્રિજને ખ્યાલમાં રાખીને તેમણે હિંદમાં મુસ્લિમો માટે શિક્ષણસંસ્થા સ્થાપવાનો નિર્ધાર કર્યો. ઈ. સ. 1874-75માં તેમણે અલીગઢમાં મોહમેડન ઍંગ્લો ઓરિયેન્ટલ સ્કૂલ, અને 1878માં કૉલેજની સ્થાપના કરી. અંગ્રેજ આચાર્યોના માર્ગદર્શન હેઠળ આ શિક્ષણસંસ્થા મધ્યમ વર્ગના મુસ્લિમોમાં બ્રિટિશ હકૂમત પ્રત્યે વફાદારી દર્શાવવા અને નવા સાંસ્કૃતિક પ્રવાહો દ્વારા મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવા માટેના આંદોલનનું કેન્દ્ર બની. પાછળથી આ આંદોલન સાથે મુસ્લિમોના રાજકીય તેમજ આર્થિક પ્રશ્નોને પણ જોડવામાં આવ્યા.

સાંસ્કૃતિક ક્ષેત્રે આ આંદોલનનું સ્વરૂપ સવિશેષ બૌદ્ધિક રહ્યું હતું. મુસ્લિમ સમાજમાં પ્રવેશેલી સંકુચિતતાને દૂર કરવાના ભાગરૂપ સ્ત્રી-કેળવણીને ઉત્તેજન આપવામાં આવ્યું અને પરદાનો રિવાજ નાબૂદ કરવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા. સર સૈયદે કુરાને શરીફનું અર્થઘટન પાશ્ચાત્ય દૃષ્ટિકોણથી કર્યું. ઇસ્લામને શાંતિપ્રિય ધર્મ તરીકે પ્રસ્થાપિત કરવા જેહાદના ખ્યાલને આત્મરક્ષા માટેના યુદ્ધ તરીકે ઘટાવ્યો. તેમણે વૈજ્ઞાનિક અને માનવતાવાદી દૃષ્ટિકોણ અપનાવવા પર ભાર મૂક્યો, આ સાંસ્કૃતિક આંદોલનના તેમના સહયોગીઓમાં ચિરાગઅલી, સલાહ અલદીન ખુદાબખ્શ, મૌલાના કરામત અલી, મૌલાના અલતાફ હુસેન હાલી, મૌલાના શિબલી નૌમાની (1898 સુધી) જેવા વિદ્વાનોનો ફાળો મહત્વનો રહ્યો છે.

સર સૈયદ અહમદ હિંદુ-મુસ્લિમ એકતાના હિમાયતી હતા. અલીગઢ કૉલેજ માટે તેમણે હિંદુઓનો સહકાર પ્રાપ્ત કર્યો હતો. દયાનંદ સરસ્વતીના પણ તેઓ પ્રશંસક હતા; પરંતુ ઈ. સ. 1885માં હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પછી તેમણે અલીગઢ આંદોલનમાં નવું આર્થિક અને રાજકીય પરિમાણ ઉમેર્યું. બ્રિટિશ હકૂમત પ્રત્યે વફાદારી દાખવ્યા વગર મુસ્લિમોની રાજકીય અને આર્થિક સુરક્ષા શક્ય નહિ બને તેવું તેમને લાગ્યું. પ્રિન્સિપાલ થિયૉડોર બેક, મોરિસન અલીગઢ આંદોલનના કેન્દ્રમાં રહ્યા. બેક અને મોરિસને મુસ્લિમોને રાજકીય આંદોલનથી દૂર રાખવાના પ્રયાસ કર્યા.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મુસ્લિમ સમાજમાં અલીગઢ આંદોલનથી જે સાંસ્કૃતિક જાગૃતિ આવી તે માટે સર સૈયદ અહમદના પ્રયાસો પ્રશંસનીય હતા. આ ‘અલીગઢ આંદોલન’ને કારણે ભારતમાં મુસ્લિમોમાં શિક્ષણ, સમાજ-સુધારણા તથા આર્થિક ઉન્નતિ માટેનો ઉત્સાહ જાગ્યો અને મુસ્લિમ સમાજમાં ઠેર ઠેર સમાજસેવા તથા સમાજસુધારા માટેની સંસ્થાઓ (અંજુમન) સ્થપાવા લાગી. આમ ‘અલીગઢ આંદોલન’ ઓગણીસમી સદીમાં ભારતના મુસ્લિમ સમાજસુધારણા અને મુસ્લિમ ઉન્નતિ માટેનું પાયાનું આંદોલન બની રહ્યું હતું.

ર. લ. રાવળ

દેવેન્દ્ર ભટ્ટ