અલીગઢ : સ્થાન, સીમા, વિસ્તાર : ઉત્તરપ્રદેશ રાજ્યનો જિલ્લો, જિલ્લામથક અને શહેર. આ જિલ્લો 27.88° ઉ.અ. અને 88° – 08 મિનિટ પૂર્વ રેખાંશની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 3,650 ચોકિમી. છે. આ જિલ્લાની ઉત્તરે ગૌતમ બુદ્ધ નગર જિલ્લો, બુલંદશહેર જિલ્લો, ઈશાને બદાયું જિલ્લો, પૂર્વે કાસગંજ જિલ્લો, દક્ષિણે અને અગ્નિએ હાથરસ, નૈેઋત્યે મથુરા જિલ્લો અને પશ્ચિમે હરિયાણા રાજ્યની સીમા આવેલી છે. ભૌગોલિક સ્થાન : તે 27° 28´થી 28° 10´ ઉ. અ. અને 77° 29´થી 78° 36´ પૂ. રે. વચ્ચેનો 5,019 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બુલંદશહેર જિલ્લો, ઈશાનમાં બુદૌન જિલ્લો, પૂર્વ અને અગ્નિ તરફ ઇટાહ જિલ્લો, દક્ષિણ અને પશ્ચિમ તરફ મથુરા જિલ્લો તથા પશ્ચિમે ગુરગાંવ જિલ્લો આવેલા છે. તે ગંગા-યમુનાના દોઆબમાં આવેલો છે. ગંગા તેને બુદૌનથી અને યમુના તેને હરિયાણાના ગુરગાંવ જિલ્લાથી અલગ પાડે છે.

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ મેદાની છે. તેને ત્રણ ત્રણ વિભાગોમાં વહેંચી શકાય છે : (i) ગંગાના કિનારા નજીકનો ઓછી ઊંચાઈનો ખદર વિભાગ, (ii) ગંગા-યમુના વચ્ચેનો દોઆબ પ્રદેશ અને (iii) ગંગાકાલી વચ્ચેનો પ્રદેશ. ગંગા અને યમુના તેની કાયમી મુખ્ય નદીઓ છે, જ્યારે કાલી મુદતી નદી છે. અહીં માટીવાળી, રેતાળ આલ્કલ તથા ગોરાડુ જમીનો આવેલી છે. જિલ્લાનો વિસ્તાર ઉપઅયનવૃત્તીય આબોહવાના પ્રદેશમાં આવેલો હોવાથી અહીં પર્ણપાતી વનસ્પતિનો વિકાસ થયેલો છે. વન્યપ્રદેશ ઓછો છે. પૂર્વ ભાગમાં આંબાનાં વૃક્ષોનું પ્રમાણ વધુ છે; આ ઉપરાંત બાવળ, લીમડો, પીપળો, બોર, સીસમ, જાંબુ વગેરે વૃક્ષો પણ જોવા મળે છે.

Aligarh Fort

અલીગઢનો કિલ્લો

સૌ. "Aligarh Fort" | CC BY-SA 3.0

ખેતી-પશુપાલન : ખેતી અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે. વર્ષમાં રવી, ખરીફ અને જૈદ – એમ ત્રણ પાકો લેવાય છે. ઘઉં, બાજરો, મકાઈ, મગ, સરસવ, કઠોળ, ડાંગર મુખ્ય કૃષિપાકો છે. ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ઘોડા વગેરે અહીંના મુખ્ય પાલતુ પશુઓ છે.

ઉદ્યોગ-વેપાર : અહીં કોઈ ખાણઉદ્યોગ નથી, પરંતુ રેતી અને કંકર મળી રહે છે. જિલ્લામાં આઝાદી પછી ઔદ્યોગિક વિકાસ થતો ગયો છે. અલીગઢ તાળાઉદ્યોગ માટે જાણીતું બનેલું છે. અહીં ઉત્પાદન કરવામાં આવતી હાથસાળ તથા ખાદીના કાપડની શેતરંજીઓ, કાચની શીશીઓ, મણકા, વીજળીના સામાન, ગુલાબજળ, પૌંઆ તથા આયુર્વેદિક ઔષધો જેવી ચીજોની અને ઇમારતી બાંધકામ માટેના સામાનની જિલ્લા બહાર નિકાસ થાય છે. આ ઉપરાંત ઘઉં, ચોખા, કેરી, પપૈયાં, દોરડાં, પિત્તળનો સામાન, તાળાં પણ બહાર મોકલાય છે. આયાતી વસ્તુઓમાં ધાતુઓ, ખાદ્યાન્ન, કાપડ, ખાંડ, ખાતરો, કાચ, શાકભાજી, સૂતર અને ઘાસચારાનો સમાવેશ થાય છે. ખાંડની મિલ, સેન્ટ્રલ ડેરી ફાર્મ તથા ગ્લેક્સો ઇન્ડસ્ટ્રી જેવા ઉદ્યોગો ગ્રામીણ વિસ્તારોમાં આવેલા છે.

પરિવહન-પ્રવાસ : સમગ્ર જિલ્લો રેલ તથા સડકમાર્ગોથી સંકળાયેલો છે. રેલમાર્ગો અને સડકમાર્ગોની લંબાઈ અનુક્રમે 168 કિમી. અને 1,257 કિમી. જેટલી છે. ભારતમાં તેમજ આખા જિલ્લામાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું સ્થળ જાણીતું બની રહેલું છે. વારતહેવારે જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ મેળા તથા ઉત્સવોનું આયોજન થાય છે.

વસ્તી : 2011 મુજબ જિલ્લાની વસ્તી 36,72,849 જેટલી છે. સ્ત્રીઓની સંખ્યા 4,12,636ની છે જ્યારે પુરુષોની સંખ્યા 8,74,408 છે. અહીં હિંદી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. શિક્ષિતોની કુલ સંખ્યા 32 % જેટલી છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં શિક્ષણની વ્યવસ્થા સારી છે.  અલીગઢને બાદ કરતાં જિલ્લાના અન્ય ભાગોમાં તબીબી સેવાની સુવિધા મધ્યમ પ્રકારની છે. વહીવટી સરળતાની દૃષ્ટિએ જિલ્લાને 6 તાલુકામાં વહેંચવામાં આવેલ છે. જે કૉલખેર, અત્રાઉલ્લી, ગાભાના અને ઈગ્લાશ છે.

ઇતિહાસ : પ્રાચીન સમયમાં આ પ્રદેશ પર કુષાણ અને ત્યારબાદ ગુપ્તવંશના સમ્રાટ સમુદ્રગુપ્તની સત્તા હતી. ગુર્જર પ્રતિહારોના સામંતો નવમી અને દસમી સદી દરમિયાન ત્યાં રાજ્ય કરતા હતા. બારમી સદીમાં પૃથ્વીરાજ ચૌહાણની સત્તા હેઠળ અને તેના પછી દિલ્હી સલ્તનત હેઠળ આ પ્રદેશ હતો. આ દરમિયાન શમસુદ્દીન અલ્તમશ, અલાઉદ્દીન ખલજી, ફીરોઝશાહ તુઘલુક, સિકંદર લોદી વગેરે સુલતાનોએ ત્યાં રાજ્ય કર્યું હતું. બાબરે ઇબ્રાહીમ લોદીને હરાવ્યા બાદ આ વિસ્તાર મુઘલોની સત્તા હેઠળ આવ્યો હતો. બ્રિટિશ રાજ દરમિયાન સર સૈયદ અહમદે 1873માં ત્યાં અગ્લો-ઓરિયેન્ટલ કૉલેજ સ્થાપી, જે 1920માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બની. 1857માં અલીગઢમાં બળવો થયો હતો. તેમાં ગ્રામજનોએ લૂંટફાટ કરી હતી.

AMU Masjid

મસ્જિદ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી

સૌ. "AMU Masjid" | CC BY 3.0

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાનું વડું વહીવટી મથક, મુસ્લિમ સંસ્કૃતિનું મથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 27° 52´ ઉ. અ. અને 78° 07´ પૂ. રે. પર કલકત્તાથી આશરે 1,302 કિમી. જેટલા અંતરે આવેલું છે. તે ગંગા-યમુનાના દોઆબમાં આવેલું હોઈ તેની આજુબાજુનો વિસ્તાર ફળદ્રૂપ છે. આ જિલ્લાને વહીવટી દ્રષ્ટિેએ પાંચ તાલુકામાં વહેંચવામાં આવેલો છે જે કૉલ, ખૈર, અતરાઉલ્લી, ગાભાના અને ઇગ્લાસ તાલુકા છે આ શહેરની વસ્તી 8,74,428 (2011)છે.

પ્રાચીન શહેર તરીકે તેનું જૂનું નામ કોલ હતું. 1164માં કુતુબુદ્દીને આ નગરનો કબજો લઈ તેને મુહમદગઢ નામ આપ્યું. સત્તરમી સદીની શરૂઆતમાં તેનું નામ સાબિતગઢ થયું. તે સદીના અંતે જાટોએ આ નગર જીતી લેતાં તેનું નામ રામગઢ રાખ્યું. અંતે નઝમખાને આ નગર જીતી લઈ હાલનું નામ અલીગઢ આપ્યું.

આજે પણ પ્રાચીન રામગઢની મધ્યમાં જુમ્મા-મસ્જિદની વિશાળ ઇમારત છે. મુસ્લિમ સંસ્કૃતિનો અહીં વિશેષ પ્રભાવ રહ્યો છે. ઓગણીસમી સદીના અંતમાં આ શહેરમાં મુસ્લિમો માટે કૉલેજના શિક્ષણની શરૂઆત થઈ. 1920માં અલીગઢ યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી. અલીગઢ ઉત્તર રેલમાર્ગનું એક અગત્યનું મથક છે. અલીગઢમાં ઉદ્યોગો સારા પ્રમાણમાં વિકસ્યા છે, ખાસ કરીને તે પિત્તળનાં વાસણો અને તાળાંના ઉદ્યોગ માટે મશહૂર છે. 2011 મુજબ તેની વસ્તી 36,73,899 જેટલી છે. આ શહેરને હરિગઢ નામ આપવાનું વિચારણા હેઠળ છે. નરોરા અણુ વિદ્યુતમથક

અલીગઢથી 50 કિમી. દૂર છે.

ગિરીશભાઈ પંડ્યા

હેમન્તકુમાર શાહ