અનામી (જ. 26 જૂન 1918, ડભોડા જિ. ગાંધીનગર; અ. 25 મે 2009) : ગુજરાતી ભાષાના શિષ્ટ કવિ અને વિવેચક. મૂળ નામ રણજિતભાઈ મોહનલાલ પટેલ. વતન દહેગામ નજીક ડભોડા. એમ.એ., પીએચ.ડી. સુધીનું શિક્ષણ. શામળકૃત ‘સિંહાસનબત્રીસી’નું સંશોધન-સંપાદન એમણે પીએચ.ડી.ની પદવી નિમિત્તે કરેલું. વર્ષો સુધી નડિયાદની જે. ઍન્ડ જે. કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા પછી મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાવિભાગના અધ્યક્ષસ્થાનેથી 1977માં નિવૃત્ત થયા. ગોવર્ધન સાહિત્ય સભા, નડિયાદના ભૂતપૂર્વ પ્રમુખ હતા.

એમની સર્જનપ્રવૃત્તિનું પ્રધાન ક્ષેત્ર કવિતા. ‘કાવ્યસંહિતા’ (1938), ‘ચક્રવાક’ (1946), ‘સ્નેહશતક’ (1950), ‘પરિમલ’ (1965), ‘રટણા’ (1983) એમના કાવ્યસંગ્રહો છે. ‘શિવમ્’ તેમનો તાજેતરમાં (1999) પ્રગટ થયેલો કાવ્યસંગ્રહ છે.

વ્યક્તિનિષ્ઠ પ્રણય, પ્રકૃતિસૌંદર્ય અને ઈશ્વરભાવ ઉપરાંત કૌટુંબિક સંબંધો પણ એમના કવનવિષયો રહ્યા છે. આ કવિ ગ્રામસંસ્કૃતિ, જીવનની સાદગી અને ભાવનાશીલતાના ચાહક છે.

અન્ય સાહિત્યસર્જનમાં નિબંધો ‘સારસ’ (1957), ‘ત્રિવેણી’ (1957), ‘અનામી-ભક્તિસુધા’ (1990), ‘આપણી વાત’ (1990), ‘અજીત-નાટિકા’ (અપ્રગટ), ‘કવિવર ટાગોરનું જીવન કવન’ (1965), ‘ગુજરાતણોની શરીરસંપત્તિ’ (1945) તથા ‘આપણું રાષ્ટ્રગીત’ (1965). નવલિકામાં ‘ભણેલી ભીખ અને બીજી વાતો’ (1955) વગેરેનો સમાવેશ થાય છે. ‘સંતસૌરભ’ (1975), ‘ત્રણ વૈશાખી પૂર્ણિમા (ત્રિઅંકી નાટક)’ (1991) તથા ‘શામળ’ (1961, સંપાદન), સિંહાસનબત્રીસી (1970, સંપાદન) જેવાં અન્ય પુસ્તકો પણ તેમના તરફથી મળ્યાં છે.

રમણલાલ જોશી