અનાવરક (shutter) : કૅમેરાના લેન્સમાંથી પસાર થતા પ્રકાશને નિયત સમય સુધી ફિલ્મ ઉપર પડવા દે તેવી યાંત્રિક કરામત. આધુનિક કૅમેરામાં બે પ્રકારના અનાવરકો – પાંખડી અનાવરક (leaf shutter) અને પડદા અનાવરક (focal plane shutter) – પૈકી કોઈ પણ એકનો ઉપયોગ કરેલો હોય છે.

પાંખડી અનાવરક (leaf shutter, between lens shutter and diaphragm shutter) : પાંખડી અનાવરકનું સ્થાન લેન્સની આગળ, લેન્સના ઘટકોની અંદર કે લેન્સની પાછળ હોય છે. કાળા રંગે રંગેલી ધાતુની પતરીઓ તેની સામાન્ય સ્થિતિમાં એકબીજી ઉપર એવી રીતે ચઢેલી રહે છે કે તેમાંથી પ્રકાશ પસાર થઈ શકે નહિ. ફોટો પાડવા માટે કૅમેરાની ચાંપ દબાવવાથી આ પતરીઓ એકબીજીથી દૂર ખસી જઈને પ્રકાશને ફિલ્મ ઉપર પડવા દે છે. નિયત સમય પૂરો થતાં, પતરીઓ મૂળ સ્થાને પાછી ફરીને ફિલ્મને ફરી પાછી ઢાંકી દે છે.

આકૃતિ 1 : પાંખડી અનાવરકનું કાર્ય

પડદા અનાવરક (focal plane shutter) : પડદા અનાવરકનું સ્થાન ફિલ્મથી કાગળ-વા આગળ હોય છે. તેની રચનામાં બે પડદા હોય છે. સામાન્ય સ્થિતિમાં એક પડદો ફિલ્મને ઢાંકી રાખે છે. ચાંપ દબાવવાથી આ પડદો ખસી જાય છે. નિયત સમય પૂરો થતાં બીજો પડદો આવીને ફિલ્મને ફરીથી ઢાંકી દે છે. ફિલ્મને આગળ વીંટાળવાથી બંને પડદા એકબીજા સાથે જોડાયેલા રહીને મૂળ સ્થાને પાછા ફરતા હોવાને કારણે તે વખતે ફિલ્મ ઉપર પ્રકાશ પડી શકતો નથી.

આકૃતિ 2 : પડદા અનાવરકનું કાર્ય

અનાવરણકાળ (shutter speed) : ફિલ્મ ઉપર કેટલા સમય સુધી પ્રકાશ પડ્યા કરશે તેનો આધાર અનાવરક કેટલા સમય સુધી ફિલ્મને ખુલ્લી રહેવા દે છે તેની ઉપર રહે છે. આ સમયને ‘અનાવરણકાળ’ (shutter speed) કહે છે. અનાવરણકાળની પસંદગી આ પ્રમાણે કરી શકાય છે. B, 1, 2, 4, 8, 15, 30, 60, 125, 250, 500 અને 1,000. B ઉપર ગોઠવીને ચાંપ દબાવી રાખીએ ત્યાં સુધી અનાવરક ખુલ્લું રહે છે. તે સિવાયના આંકડાઓ સેકંડના કેટલામા ભાગ સુધી અનાવરક ખુલ્લું રહેશે તે સૂચવે છે. દા.ત., 125 ઉપર ગોઠવવાથી ફિલ્મ ઉપર સેકંડ સુધી પ્રકાશ પડશે. આ આંકડાઓ એવી રીતે પસંદ કરવામાં આવ્યા છે કે કોઈ પણ આંકડા પછીનો મોટો આંકડો અનાવરણકાળને અડધો કરી નાખે છે.

સામાન્ય ફોટોગ્રાફી માટે બંને પ્રકારના અનાવરકો વપરાય છે. પરંતુ ફ્લૅશનો ઉપયોગ કરવાનો હોય ત્યારે પડદા અનાવરક કરતાં પાંખડી અનાવરકની કાર્યક્ષમતા વધારે હોય છે.

બંને પ્રકારના અનાવરકનું કાર્ય યાંત્રિક (mechanical) રીતે કે ઇલેક્ટ્રૉનિક્સની મદદથી સધાતું હોય છે. ઇલેક્ટ્રૉનિક અનાવરક કરતાં યાંત્રિક અનાવરકની ચોકસાઈ ઓછી હોય છે. ઘસારાને કારણે તેની ઝડપમાં ફેરફાર થાય છે. તેથી વર્ષે – બે વર્ષે તપાસરાવવું પડે છે, જેથી, જરૂર પડ્યે દુરસ્ત કરાવી શકાય. ઇલેક્ટ્રૉનિક અનાવરકની ચોકસાઈ વધારે હોય છે પરંતુ તેના પરિપથ(circuit)માં બગાડો થાય તો દુરસ્ત કરાવવું મુશ્કેલ અથવા અશક્ય થઈ પડે છે. તેના સંપૂર્ણ ઉપયોગ માટે સેલ વાપરવો જ પડે છે. ઑટોમૅટિક ઇલેક્ટ્રૉનિક અનાવરક હોવું અનિવાર્ય છે.

વિક્રમ દલાલ