અનામત પ્રથા અને આંદોલનો

January, 2001

અનામત પ્રથા અને આંદોલનો 

વર્ગીકૃત જાતિઓ અને જનજાતિઓ માટે શિક્ષણસંસ્થાઓ તથા સરકારી કે અર્ધસરકારી નોકરીઓમાં અમુક ટકા જગાઓ અનામત રાખવાની પ્રથા સામે ગુજરાતમાં અને અન્યત્ર ચાલેલાં આંદોલનો.

1981ની વસ્તીગણતરી પ્રમાણે ભારતમાં તેની કુલ વસ્તીના 15.75 ટકા અને 7.76 ટકા અનુક્રમે વર્ગીકૃત જાતિઓ અને જનજાતિઓની વસ્તી છે. એટલે કે કુલ વસ્તીનો ચોથો ભાગ તેમનો છે. ગુજરાતમાં તેમની વસ્તી અનુક્રમે 7.15 ટકા અને 14.22 ટકા છે. આ વિભાગો પ્રમાણમાં નબળા કે પછાત છે. તેમને દેશના રાષ્ટ્રીય મહાપ્રવાહમાં લાવવા ને તેમની સ્થિતિ સુધારવા માટે બંધારણમાં જે પ્રબંધો જોગવાયા છે, તેમાં અનામત અંગે મહત્ત્વનો પ્રબંધ છે. તે અંગે રાજ્યોએ (1) સરકાર દ્વારા ચાલતી કે સહાયિત શૈક્ષણિક સંસ્થાઓમાં નિયત ટકાવારી પ્રમાણે જગાઓ આ વિભાગો માટે અનામત રાખવી; (2) સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં નિયત ટકાવારીની નોકરીઓ અનામત રાખવી તથા (3) સંસદ, વિધાનસભાઓ તેમજ સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ જેવી ચૂંટણી દ્વારા રચાતી વૈધાનિક રાજકીય સંસ્થાઓમાં પણ કેટલીક બેઠકો અનામત રાખવી, એવું અમલમાં આવ્યું છે.

ગુજરાતમાં આવો ‘ક્વોટા’ વર્ગીકૃત જાતિ (હરિજન જેવી) માટે 7 ટકા તથા વર્ગીકૃત જનજાતિઓ (આદિવાસીઓ જેવી) માટે 14 ટકા રખાયો છે. તેમને માટે શિષ્યવૃત્તિઓ, છાત્રાલયની સુવિધાઓ, આર્થિક ઉન્નતિ માટે લોન અને સબસિડી જેવી સુવિધાઓ તથા તેમના નાગરિક અધિકારોની રક્ષા માટે કાનૂની પગલાં પણ લેવાયાં છે.

આ પછી સમાજપિરામિડમાં ઉપલી ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ અને ઉપર જણાવેલી વર્ગીકૃત કોમો એમ સૌથી ટોચના અને નીચલા સ્તર વચ્ચે એટલે કે વચલા સ્તર પર આવેલી જ્ઞાતિઓ અને અન્ય પછાત વર્ગો(other backward castes, OBC)નો ખ્યાલ પણ વિકસ્યો. એની વિશાળ સંખ્યાને કારણે ચૂંટણી અને લોકકારણની ભારતીય રાજવ્યવસ્થામાં આ અન્ય પછાત જ્ઞાતિઓનું મહત્ત્વ વધી ગયું. તેમને ‘સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત કોમો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. બિહાર, ગુજરાત, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં તેમને માટે પણ ઉપર જણાવેલ શૈક્ષણિક અને સરકારી સંસ્થાઓમાં નિશ્ચિત ટકાવારીમાં જગાઓ અનામત રખાઈ છે. જે રીતે વર્ગીકૃત કોમો માટે બંધારણમાં અનામતની જોગવાઈ કરવામાં આવી છે તેવી જોગવાઈ અન્ય પછાત વર્ગો માટે નથી. પણ રાજ્ય સરકારોએ તેમને માટે કાયદાઓ દ્વારા આવી અનામત ફાજલ પાડવાની હોય છે.

ગુજરાતમાં રાજ્ય સરકારે 1972માં અન્ય પછાત વર્ગોનાં ઉન્નતિ અને વિકાસ માટે ન્યાયમૂર્તિ એ. આર. બક્ષીના અધ્યક્ષપદે એક પંચ નીમ્યું હતું. બક્ષી પંચે 1976માં સરકારને પેશ કરેલ હેવાલમાં 82 જ્ઞાતિ/કોમોને આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત ગણાવી હતી. બક્ષી પંચે દાક્તરી અને ઇજનેરી શિક્ષણસંસ્થાઓમાં 10 ટકા બેઠક, રાજ્યની સરકારી સેવાઓના પહેલા-બીજા વર્ગમાં 5 ટકા તથા ત્રીજા-ચોથા વર્ગમાં 10 ટકા બેઠકો અનામત તરીકે ફાળવવાની ભલામણ કરી હતી. આમ બક્ષી પંચની જ્ઞાતિઓ માટે તથા વર્ગીકૃત જાતિ-જનજાતિઓ માટે મળીને કુલ અનામત બેઠકો 31 ટકા જેટલી થઈ. 1978માં બાબુભાઈ જશભાઈ પટેલની જનતા પક્ષની સરકારે બક્ષી પંચની આ ભલામણો સ્વીકારીને તેમને તરત અમલમાં મૂકવાનાં પગલાં લીધાં.

અનામત જોગવાઈના અમલ સામે ગુજરાતની મેડિકલ કૉલેજોમાં ભણતા સવર્ણ વિદ્યાર્થીઓમાં અસંતોષ ઊભો થયો. તેમણે ગુજરાત હાઈકૉર્ટમાં બક્ષી પંચની જોગવાઈના અમલ સામે કરેલી રીટ અરજી અદાલતે ફગાવી દીધી. દાક્તરી શિક્ષણસંસ્થાઓના વિદ્યાર્થીઓએ અનામત સામે મુખ્યત્વે ત્રણ દલીલો કરી : (અ) અનામતને કારણે સાધારણ ગુણવત્તાને, સામાન્યતાને તથા અકુશળતાને ઉત્તેજન મળશે; (આ) હરિજન અને આદિવાસી વિદ્યાર્થી કરતાં વધારે યોગ્યતા ધરાવતા બીજી જ્ઞાતિઓના વિદ્યાર્થીઓને વિશેષ પ્રાવીણ્ય માગતા અભ્યાસક્રમોમાં તક મળતી નથી; (ઇ) અનામતનો લાભ લેનાર ઘણા યુવાનોની કામગીરી નબળી રહી છે. બીજી બાજુ આ પ્રમાણે એટલી જ જોરદાર દલીલો પણ રજૂ થઈ : (અ) વર્ગીકૃત જાતિ/જનજાતિના વિદ્યાર્થીઓ સવર્ણ કોમોના વિદ્યાર્થીઓ જે પરીક્ષાઓ પસાર કરે છે તે જ પરીક્ષાઓ પસાર કરીને યોગ્યતા મેળવે છે; (આ) એમનામાં બેદરકાર વિદ્યાર્થીઓ પણ અપવાદ રૂપે જ હોય છે; (ઇ) ઉપલી જ્ઞાતિઓના પણ નબળી ગુણવત્તા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને પણ દાતાઓની બેઠકો પર પ્રવેશ મળે છે; (ઈ) દાક્તરી પરીક્ષામાં સારા ગુણ કે ચન્દ્રક પ્રાપ્ત કરનારા મુખ્યત્વે તે કૉલેજોમાં અધ્યાપનકાર્ય કરતા પ્રોફેસરોનાં દીકરા-દીકરીઓ હોય છે.

આવા અનામત વિવાદના સંદર્ભમાં શરૂ થયેલા 1981ના પહેલા અનામતવિરોધી આંદોલનમાં મેડિકલ વિદ્યાર્થીઓની એક માગણી ‘કૅરી ફૉરવર્ડ’ પ્રથાને દૂર કરવાની હતી. ‘કૅરી ફૉરવર્ડ’માં અનામતના લાભાર્થીઓ માટે જે જગા પછાત વર્ગના વિદ્યાર્થીના અભાવને કારણે ભરાઈ નહિ હોય તેને ખાલી રાખીને બીજા વર્ષને માટે પણ અનામત રાખવામાં આવે, જેથી દર વર્ષની નિયત અનામત ટકાવારીની બેઠક ઉપરાંત આવી વધારાની જગાને કારણે પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે પછીનાં વર્ષોમાં પણ બેઠકો વધતી જાય. ગુજરાત સરકારે 1981માં આ પ્રથાને નાબૂદ કરવાની જાહેરાત કરી, પણ સવર્ણ વિદ્યાર્થીઓ તો અનામત પ્રથાની જ વિરુદ્ધ હોવાથી તેમણે આંદોલન ચાલુ રાખ્યું. દાક્તરી વિદ્યાર્થીઓની હડતાળને કારણે સરકારે છ માસ માટે બધી મેડિકલ કૉલેજો બંધ રાખવાની જાહેરાત કરી. આંદોલનને સવર્ણ સમાજનાં ઘણાં સમૂહો અને મંડળોએ ટેકો આપ્યો. જાહેર મિલકતોને નુકસાન થયું. તોફાનોમાં જાનહાનિ પણ થઈ. મધ્યમ વર્ગના વિસ્તારોમાં પોલીસ અને લોકો આમનેસામને આવ્યાં. હરિજન-દલિતોએ અમદાવાદ, મહેસાણા અને ખેડા જિલ્લાનાં શહેરોમાં આંદોલનનો જોરદાર પ્રતિકાર કર્યો. ઘણાંખરાં વર્તમાનપત્રોનો પણ એકંદરે આંદોલનતરફી ઝોક રહ્યો, તેવી છાપ એડિટર્સ ગિલ્ડ સહિત નિરીક્ષકોની રહી. સરકારે પોલીસ દ્વારા આંદોલનતરફી લોકો સામે વધુ પડતું બળ વાપર્યું હતું તેવું પણ નિષ્પક્ષ નાગરિક તપાસમાં જણાવાયું.

અનામતવિરોધી આંદોલન 12-1-81થી 13-4-81થી સુધી ચાલુ રહ્યું. તેમાં 35 માનવીઓ પોલીસ ગોળીબારમાં માર્યા ગયા. હજારો ઘવાયા અને 35 લાખ રૂપિયાની મિલકતને નુકસાન થયું. સરકાર અને આંદોલનકારો વચ્ચે સમાધાન થયું. તે પ્રમાણે ‘કૅરી ફૉરવર્ડ’ પ્રથા નાબૂદ કરાઈ. એકને બદલે બીજા વિષયમાં પ્રવેશ મેળવી લેવાની ‘ઇન્ટરચેન્જેબિલિટી’ની પ્રથા પણ નાબૂદ થઈ તથા જેટલા પ્રમાણમાં અનામત બેઠકો હોય એટલા પ્રમાણમાં બિનઅનામત બેઠકો પણ વધારી અપાઈ, જેથી સવર્ણ વિદ્યાર્થીઓને મેડિકલ બેઠકોથી વંચિત રહેવાનો ભય (sense of deprivation) રહે નહિ. આ આંદોલનને કારણે ગુજરાતમાં સવર્ણ વિરુદ્ધ દલિતોની ગ્રંથિ તેજ બની. દલિતચેતના વિકસી છે, તે ફલિત થયું. ખાસ કરીને ઉત્તર ગુજરાતના નગરવિસ્તારોમાં સંઘર્ષ અને સામાજિક-રાજકીય ઉદ્યુક્તીકરણ(mobilization)ની પ્રક્રિયા બળવત્તર બની.

આ પછી બક્ષી પંચની યાદીમાં નહિ સમાવાયેલી હોય એવી કેટલીક જ્ઞાતિઓ પણ પોતાને પછાત ગણાવીને તે રીતે અનામત બેઠકોનો લાભ મેળવવા માટે દબાણ લાવતી રહી. તેથી આ બાબત વિચારણા કરવા માટે 1981માં માધવસિંહ સોલંકીની સરકારે બીજું પંચ નીમ્યું. ન્યાયમૂર્તિ રાણેના અધ્યક્ષપદે નિમાયેલ રાણે પંચે બક્ષી પંચે નહિ સમાવી હોય એવી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓને તારવીને પોતાનો હેવાલ આપવાનો હતો. રાણે પંચે 1983માં આપેલા હેવાલમાં જ્ઞાતિઓના પછાતપણાને નક્કી કરવા માટે એક મહત્ત્વનું, નવું ધોરણ ઉમેર્યું. માત્ર જ્ઞાતિધોરણને છોડી દઈને જ્ઞાતિને ધોરણે 63 ધંધા કે આર્થિક સ્વરૂપનાં કાર્યો કરનાર કોમોને રાણે પંચે ઓળખી બતાવીને તેમને અનામતપાત્ર જ્ઞાતિઓની યાદીમાં મૂકી. વળી આવાં કારીગર વગેરે ધંધાદારી જૂથોને માટે શિક્ષણસંસ્થાઓ અને સરકારી સંસ્થાઓમાં અનામત જગાઓની ટકાવારી વધારીને 28 ટકા કરવાની ભલામણ કરી. 1985ની વિધાનસભાની ચૂંટણીના બે માસ પહેલાં જાન્યુઆરી 1985માં મુખ્ય મંત્રી સોલંકીએ અનામતપાત્રતા માટે જ્ઞાતિને બદલે આર્થિક સ્થિતિનું નવું ધોરણ સ્વીકાર્યું નહિ પણ અન્ય પછાત વર્ગો માટેની અનામતનું પ્રમાણ 10 ટકાથી વધારીને 28 ટકા કર્યું, એટલે કુલ અનામતની ટકાવારી 49 ટકા જેટલી થઈ. ત્યારે કોઈ પણ રાજકીય પક્ષે આવી જાહેરાત સામે વિરોધ વ્યક્ત કર્યો નહોતો.

અનામતની વ્યવસ્થાને કારણે અનામતપાત્ર નહિ એવા ઘણા યુવાનો ઉચ્ચશિક્ષણસંસ્થાઓમાં પ્રવેશ તેમજ સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં નોકરી મેળવવાની મુશ્કેલી અનુભવવા લાગ્યા. ચૂંટણી પછી માર્ચ મહિનામાં અમદાવાદની એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજ-પ્રેરિત ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અનામતની ટકાવારીના વધારાને નિમિત્ત બનાવીને ખુદ અનામત પ્રથાને જ નાબૂદ કરવાના મુદ્દા પર આંદોલન શરૂ કર્યું. તે માટે નવી રચાયેલી ગુજરાત નવરચના સમિતિ અગ્રેસર બની. તેમાં સવર્ણ જ્ઞાતિઓના ને મુખ્યત્વે મધ્યમવર્ગના વાલીઓએ અખિલ ગુજરાત વાલી મંડળની રચના દ્વારા તેને ટેકો આપ્યો, ત્યારે આ બીજા અનામતવિરોધી આંદોલનને વેગ મળ્યો. ચૂંટણીમાં ખરેખર તો, ગુજરાતના રાજકારણમાં–1976 પછી ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમોના બનેલા ‘ખામ’ (KHAM) વ્યૂહને (એટલે કે આ ચાર પછાત જ્ઞાતિ-કોમના રાજકીય જોડાણને) ભારે મોટી સફળતા મળી હતી. અને ગુજરાતમાં સત્તામાળખાંઓમાં પ્રભાવક રાજકીય પરિબળ તરીકે પાટીદારોનો પ્રવર્તમાન રાજકીય પ્રભાવ ‘ખામ’ જોડાણ સામે જોઈ શકાય તે રીતે ઘટ્યો હતો. આવા માહોલમાં અનામતવિરોધી આંદોલનોમાં એક બાજુ ક્ષત્રિય સહિત બક્ષી પંચના સમૂહો તથા પાટીદારો જેમાં અગ્રેસર હતા તેવા સવર્ણોના સમૂહો વચ્ચે વ્યાપક અથડામણ થઈ.

બીજું, અનામતવિરોધી આંદોલન તેના સમયગાળા, વ્યાપ અને ઉગ્રતાની દૃષ્ટિએ પહેલા આંદોલન કરતાં સબળ પુરવાર થયું. 11-2-85ને દિને તે શરૂ થયું અને 18 જુલાઈએ પૂરું થયું તે દરમિયાન તેણે અનેક અણધાર્યા વળાંકો લીધા. દરમિયાન હિંસાત્મક ઘટનાઓ, કોમી અથડામણો અને જ્ઞાતિવાદી સંઘર્ષના સંખ્યાબંધ વરવા બનાવો બન્યા. આ આંદોલન દરમિયાન સરકારના કર્મચારી મહામંડળ અને પંચાયત સેવાના કર્મચારીઓથી માંડીને ઉચ્ચશિક્ષણના વિદ્યાર્થીઓ, બૅન્ક અને વીમાક્ષેત્રના કર્મચારીઓએ હડતાળ વગેરે વિરોધ કાર્યક્રમો યોજીને આંદોલનને વેગ આપ્યો. સામે રાજ્ય સરકારની નજીકનાં પરિબળોએ પણ પોલીસતંત્રનો ઉપયોગ કરીને કે કોમી તોફાનો પ્રતિ આંખમીંચામણાં કરીને આંદોલનકારોને મૂંઝવવાનો કે અનામતવિરોધી આંદોલનને કોમી વળાંક આપવાનો પ્રયાસ કર્યો. કેટલાંક વર્તમાનપત્રોએ પણ એમાં નિષ્પક્ષ ભૂમિકા ભજવી હતી એમ નહિ કહી શકાય. આ વખતે બક્ષી પંચની જ્ઞાતિઓના અગ્રણીઓએ આંદોલન સામે અનામત પ્રથાની તરફેણમાં પ્રતિઆંદોલન પણ શરૂ કર્યું. આદિવાસી-હરિજન સમૂહોએ પણ આ પ્રતિઆંદોલનને ટેકો આપ્યો. તેમને રાજ્યસત્તાનું પરોક્ષ ઉત્તેજન કે ઓથ પણ મળ્યાં. આથી આંદોલનને કારણે ગુજરાતના સમાજનું, રાજકીય તેમજ સામાજિક પરિમાણ પર, ધ્રુવીકરણ થયું. 22-4-85ને દિને ‘ગુજરાત સમાચાર’ દૈનિકના મકાન પર પોલીસોએ હુમલો કરીને તેને બાળી મૂક્યું. આંદોલન દરમિયાન બે પોલીસોની હત્યા થઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનું કર્મચારી મહામંડળ 47 દિવસ હડતાળ પર રહ્યું હતું. સચિવાલય વગેરેના સરકારી કર્મચારીઓ 73 દિવસ પર્યન્ત હડતાળ પર રહેલા. ભારતભરની આ સૌથી લાંબી સરકારી કર્મચારીઓની હડતાળ હતી. પેટ્રોલ પંપો સતત 4 દિવસ બંધ રહ્યા, વેપારી મહાજનોએ પાંચ દિવસનો બંધ પાળ્યો. આ પણ અભૂતપૂર્વ હતું. ગુજરાત હાઈકૉર્ટે પોલીસ અફસરને અમુક વિસ્તારમાં નહિ જવાનો આદેશ આપ્યો તે પણ પ્રથમ વાર બન્યું. અમદાવાદ-વડોદરા વગેરે સ્થળોએ લશ્કર બોલાવવું પડ્યું. કેટલીક વાર જ્ઞાતિકોમ અને રાજકારણના વિચિત્ર મિશ્રણને કારણે લશ્કર અને અર્ધલશ્કરી દળો પણ તોફાનોને ડામવામાં અસરકારક બની શક્યાં નહિ. આખરે 6-7-1985ને દિને વિધાનસભાના કુલ 182 ધારાસભ્યોમાંથી 149ની પ્રચંડ બહુમતી ધરાવવા છતાં કૉંગ્રેસના મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીને રાજીનામું આપવું પડ્યું. અમરસિંહ ચૌધરી નવા મુખ્ય મંત્રી બન્યા.

18-7-85ને દિને નવી સરકારે વાલીમંડળ વગેરે સાથે સમજૂતી કરી. આંદોલન સંકેલાઈ ગયું. 18-8-85ને દિને અનામતવિરોધી સરકારી કર્મચારીઓ સાથે પણ સમજૂતી થઈ. રાજ્ય સરકારે અન્ય પછાત વર્ગો માટેનો 19 ટકાનો વધારો પાછો ખેંચી લીધો તથા બક્ષી પંચના અમલની 10 વર્ષની મર્યાદાને અંતે અનામતને ચાલુ રાખવા અંગે સમીક્ષા કરવા ન્યાયમૂર્તિ માંકડ પંચની નિમણૂક કરી.

આ આંદોલન ગુજરાતના સૌથી દીર્ઘકાલીન અને વ્યાપક ફેલાવાવાળા આંદોલન તરીકે જાણીતું રહેશે. તેનાથી વેપાર-ઉદ્યોગમાં રૂ. 2,290 કરોડનું નુકસાન થયું. 1,600 કરતાં વધુ દુકાનો-ઉદ્યોગ એકમોને બાળી મૂકવામાં આવ્યાં હતાં કે તેમને નુકસાન પહોંચાડાયું હતું. સરકારોએ પણ કુલ 175 કરોડના કરવેરાની આવક ગુમાવી. ગલ્લાવાળા જેવા સામાન્ય સ્વાશ્રયી અને દનિયું રળતા નાગરિકને સૌથી વધુ સહન કરવું પડ્યું. જાહેર અને ખાનગી મિલકતને અંદાજે રૂ. 1,227 કરોડનું નુકસાન થયું. કુલ રૂ. 1,800 કરોડના ચેકો લાંબા સમય સુધી બૅંકોમાં ક્લિયર થયા વિના અટવાઈ પડ્યા. બૅંકોનું ક્લિયરિંગ કાર્ય માર્ચથી જુલાઈ 1985 દરમિયાન 75 દિવસ સુધી બંધ રહ્યું, તે પણ અભૂતપૂર્વ હતું. અમદાવાદમાં એકસાથે 10 દિવસ કર્ફ્યુ પળાયો. તેની એક ધોરી નસ જેવા વિસ્તારમાં કુલ 1,460 કલાકોનો કર્ફ્યુ નખાયો હતો ! આ આંદોલનમાં સત્તાવાર આંકડા પ્રમાણે 180 કરતાં વધુ માનવીઓની હત્યા થઈ હતી, જેમાંથી કેટલાકની તો ખાનગી ગોળીબારમાં થઈ હતી. 1,500 કરતાં વધુ લોકો ઘવાયા હતા. 230 વ્યક્તિઓ પર કોમી પ્રકારના ખૂની હુમલા થયા હતા. પોલીસે 5,493 માણસોની ધરપકડ કરી હતી.

આ આંદોલન ગુજરાતનું સૌથી હિંસક આંદોલન પુરવાર થયું છે. તેનાથી સમાજનું પોત વીંખાઈ ગયું. તેના તાણાવાણાને કોમી-જ્ઞાતિ ધોરણે ચૂંથી નાખવામાં રાજકારણી, જ્ઞાતિવાદી, પોલીસતંત્ર અને સમાજવિરોધી તત્ત્વોએ ભાગ ભજવ્યો. છેક આદિવાસી કેન્દ્રો અને ગામડાંઓ સુધી તે ફેલાયું હતું. આને કારણે શાંતિપ્રિયતા, સહિષ્ણુતા અને સમાધાનપ્રિયતા માટે જાણીતા અને ગાંધી પરંપરાથી પ્રભાવિત ગણાતા ગુજરાતના રાજકીય સંસ્કારમાં વિકૃતિ પ્રવેશી ચૂકી હતી, તેનો સ્પષ્ટ સંકેત મળે છે.

2015માં ફરીથી ગુજરાતમાં અનામત આંદોલન નવા સ્વરૂપે શરૂ થયું હતું. 6 જુલાઈ, 2015થી 14 જાન્યુઆરી, 2019 સુધી અલગ અલગ તબક્કે અનામતની માગણી સાથે ગુજરાતભરમાં આંદોલન થયું હતું. આંદોલન દરમિયાન ઓછામાં ઓછા 14-15 લોકોનાં મોત થયાં હતાં અને થોડી વ્યક્તિઓ ઘવાઈ હતી. નાગરિકો-પોલીસજવાનો વચ્ચેના ઘર્ષણમાં ઘણા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. ‘પાટીદાર અનામત આંદોલન’ તરીકે દેશભરમાં ચર્ચાયેલા આ આંદોલનમાં ઘણી વખત હિંસાના બનાવો બન્યા હતા, જેના કારણે કરોડોનું નુકસાન થયું હતું.

પોલીસે અલગ અલગ સમયે થોડા લોકોની ધરપકડ કરી હતી. આ આંદોલનને ઘણાં પાટીદાર સંગઠનોએ સમર્થન આપ્યું હતું. ઓબીસીમાં સમાવવાની માગણી ઊઠી એ પછી ઓબીસી સંગઠનોએ પ્રતિઆંદોલન પણ કર્યું હતું. આ આંદોલનના સમયગાળામાં પોલીસ ડિપાર્ટમેન્ટે 200 કરોડની નુકસાનીનો દાવો કર્યો હતો.

ઉગ્ર આંદોલન પછી ગુજરાત સરકારે આર્થિક રીતે પછાત હોય એવા સવર્ણોને 10 ટકા શૈક્ષણિક અનામતની જાહેરાત કરી હતી, જેને પહેલાં ગુજરાત હાઈકોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો.

અનામતની સમસ્યાને કારણે મધ્યપ્રદેશ (1985), આન્ધપ્રદેશ અને કર્ણાટક(1986)માં ઉગ્ર આંદોલનો થયાં છે. આ સંદર્ભમાં વડાપ્રધાન રાજીવ ગાંધીએ રાજ્યોને તેમની અનામત વ્યવસ્થામાં ‘રાષ્ટ્રીય સર્વસંમતિ’ ઊભી કરવાનો કૉલ આપ્યો. જ્યાં સુધી આવી સર્વસંમતિ દેશનાં પ્રમુખ સામાજિક પરિબળો તથા પ્રદેશોમાં નહિ સધાય ત્યાં સુધી ગુજરાત સહિત જે તે રાજ્યોમાં પ્રવર્તમાન અનામત વ્યવસ્થામાં કોઈ ફેરફાર નહિ કરવો, એવી નીતિની વડાપ્રધાને જાહેરાત કરી. એકંદરે આ સંદર્ભને કારણે અનામત નીતિ બાબતમાં અનિશ્ચિતતા પ્રવર્તે છે.

ગરીબો અને અકિંચનોની માંગણીઓને વાચા આપતા એપ્રિલ 1984માં ભૂતપૂર્વ સનદી સેવક કાંશીરામ દ્વારા બહુજનસમાજ પક્ષની રચના કરવામાં આવી. ભારતીય સમાજના દલિતો અને અન્ય લાભથી વંચિત જૂથો વચ્ચે કામ કરવાની તક મળવાથી કાંશીરામે રાજકારણમાં પ્રવેશ કર્યો. ટૂંકા ગાળામાં જ તેમણે આ પક્ષનું નામ ભારતભરમાં ગુંજતું કરી દીધું. દલિતોનું સ્થાન સમાજમાં ઊંચું લાવવાના ડૉ. આંબેડકરના પ્રયાસો પ્રત્યે વફાદારી દર્શાવવાનો પણ આ પક્ષનો હેતુ છે. પ્રારંભે દલિતો અને પછીથી મુસ્લિમો તરફથી પણ આ પક્ષને નોંધપાત્ર ટેકો સાંપડ્યો છે. વીસમી સદીના છેલ્લા દાયકામાં તો આ પક્ષ ઉત્તર પ્રદેશની સંયુક્ત સરકારોમાં જોડાવા જેટલો શક્તિશાળી બન્યો હતો તે ઘટના નોંધપાત્ર ગણાય.

કેન્દ્રની જનતા પક્ષની સરકારે અગાઉ રાષ્ટ્રીય કક્ષાએ સમાજની વચલી હરોળના પછાત વર્ગોને માટે અનામતની વ્યવસ્થાની વિચારણા કરવા બિન્દેશ્વરીપ્રસાદ મંડલના અધ્યક્ષપદે મંડલ પંચ નીમ્યું હતું. આ પંચે તે પછીની ઇન્દિરા ગાંધીના વડપણ હેઠળની કૉંગ્રેસ સરકારને 1980માં પોતાનો અહેવાલ સુપરત કર્યો. ત્યારબાદ વી. પી. સિંઘની સરકારે 13 ઑગસ્ટ 1990ના રોજ આ પંચની ભલામણોનો અચાનક સ્વીકાર કર્યો. પંચે કેન્દ્ર સરકારની અને જાહેર ક્ષેત્રની નોકરીઓ અને શિક્ષણસંસ્થાઓમાં 27 ટકા બેઠકો અનામત રાખવાની ભલામણ કરી હતી. પંચની ભલામણોના સ્વીકારને વડાપ્રધાને ‘પરિવર્તનની રાજનીતિ’ તરીકે ઓળખાવી, પરંતુ પ્રસારણ-માધ્યમો અને સવર્ણ જ્ઞાતિના વિદ્યાર્થીઓએ તેને રાજકીય ગણતરીથી લેવાયેલ નિર્ણય તરીકે ઓળખાવ્યો અને તેની ભારે ટીકા કરી. આ નિર્ણય વિરુદ્ધના પ્રત્યાઘાત રૂપે 267 યુવાનોએ આત્મવિલોપનના પ્રયાસો કર્યા. આવા રાષ્ટ્રવ્યાપી અને ઉગ્ર વિવાદના સંદર્ભમાં 1992માં વડાપ્રધાન રાવની સરકારે મંડલ પંચની ભલામણો અંગે નિર્ણય આપવા સર્વોચ્ચ અદાલતને વિનંતી કરી. સર્વોચ્ચ અદાલતે પોતાનો અહેવાલ આપતા કેટલાક મુદ્દા (જુઓ : અનામત પ્રથા) સ્પષ્ટ કર્યા.

મંડલ પંચે દેશની કુલ વસ્તીના 52 ટકા વસ્તીને પછાત વર્ગ તરીકે ઓળખાવી હતી. ભારત અને વિશ્વના ઇતિહાસમાં કોઈ પણ દેશની વસ્તીની આટલી મોટી સંખ્યા માટે આવી અનામત પ્રથા દાખલ થઈ નથી.

સર્વોચ્ચ અદાલતના સૂચનને અનુસરીને રાજ્યોમાં પણ પછાત જ્ઞાતિઓને અને ‘સાધનસંપન્ન કક્ષા’ના વર્ગોને ઓળખી બતાવવા માટેનાં પંચો નીમવામાં આવ્યાં. સર્વોચ્ચ અદાલતે અનામત પ્રમાણ તરીકે નિયત કરેલ 49 ટકાની મહત્તમ મર્યાદા કેટલાંક રાજ્યોએ ઓળંગી નાંખી અને ખૂબ જ ઊંચા પ્રમાણમાં અનામતની ટકાવારી નક્કી કરવામાં આવી. દા.ત., તામિલનાડુ રાજ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી સુશ્રી જયલલિતાએ બધું મળીને 69ની ટકાવારી સ્વીકારી હતી. હરીફ પક્ષોએ આ ટકાવારીનો સહેજ પણ વિરોધ ન કર્યો જેથી તેમને પણ મતબૅંકનો લાભ મળે. આમ ઉઘાડેછોગે ને વ્યાપક પ્રમાણમાં અનામતો જાહેર થવા લાગી જેથી મતબૅંકને ખુશ રાખી મતોને અંકે કરી શકાય. જ્ઞાતિલક્ષી રાજકારણ માટે જાણીતા નહિ એવા પશ્ચિમ બંગાળમાં પણ મંડલ પંચની ભલામણ પ્રમાણે 27 ટકા નોકરીઓ પછાત વર્ગ માટે નિશ્ચિત કરવામાં આવી. કેરળમાં માર્કસવાદીઓના નેતૃત્વ નીચેના ડાબેરી મોરચાએ ‘સાધનસંપન્ન કક્ષા’ને ઓળખી કાઢવા માટે પંચ નીમ્યું તેનો કૉંગ્રેસ-પ્રેરિત લોકશાહી મોરચાએ સખત વિરોધ કર્યો. આમ ભારતીય રાજકારણમાં સ્પર્ધાત્મક લોકરંજકવાદની નીતિ(policy of competitive populism)નું વ્યાપક મોજું ફરી વળ્યું. શિક્ષિત અને સંપન્ન જ્ઞાતિઓએ પણ પોતાને પછાત ગણાવી અનામતનો લાભ મેળવવા કેન્દ્ર સરકારે નીમેલા દ્વિતીય પછાત વર્ગ પંચ સમક્ષ રજૂઆતો કરી. 1990ના દસકામાં ભારતની રાજવ્યવસ્થાનું ‘મંડલીકરણ’ થયું અને તે દ્વારા રાજકારણમાં અનામતના હેતુ થકી સમાજના વિભાજન અને જ્ઞાતિવાદી સમાજવ્યવસ્થાનો એક નવો દોર શરૂ થયો. તેના પ્રત્યાઘાત રૂપે હિંદુ સમાજનું વિભાજન અટકાવવા માટે ભા.જ.પ. વતી લાલકૃષ્ણ અડવાણી જેવા નેતાઓએ સોમનાથથી વારાણસીની રથયાત્રા યોજી જેનો હેતુ રાજ્યવ્યવસ્થામાં હિંદુત્વના વિચારતત્ત્વને બળવત્તર બનાવવાનો હતો. આગળ જતાં તેમાંથી મંદિર-મસ્જિદ વિવાદ (અયોધ્યામાં રામમંદિર અને બાબરી મસ્જિદ) ઉગ્ર બન્યો. ભારતના રાજકીય વિકાસ પ્રવાહમાં ત્રણ ‘મ’(મંડલ-મંદિર-મસ્જિદ)ની પરિભાષાએ લોકમાનસને પ્રભાવિત કર્યું, તો બીજી બાજુ આ પ્રક્રિયાએ રાજ્યસત્તાના ફલક પર સામાજિક માળખું બદલવાની પ્રક્રિયા શરૂ કરી. પરિણામે 1990ના દસકામાં રાજકારણમાં આધુનિકતાને બદલે પરંપરાગતતાના મુદ્દાઓને મહત્ત્વ મળ્યું. બિનસાંપ્રદાયિકતા અને આધુનિકીકરણની પ્રક્રિયા પર રોક લાગી તેમજ રાજ્યો અને કેન્દ્રના રાજકીય અને વૈચારિક ફલકના કેન્દ્રબિંદુ પર જ્ઞાતિવાદી અને કોમવાદી પરિબળો મહત્ત્વનાં થઈ પડ્યાં.

અનામત પ્રથાની જોગવાઈઓ ઊભી કરાવવામાં પછાત વર્ગો સફળ થયા તેને પગલે રાજકારણીઓએ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ જેવી લઘુમતીઓ માટે પણ અનામતની માંગ કરતાં અનામતનો દોર વધુ ને વધુ ઘેરો અને લાંબો બનવા લાગ્યો. એક રીતે કહીએ તો સામાજિક ન્યાયના સિદ્ધાંતના નામે વિવિધ પક્ષના રાજકીય નેતાઓએ જ્ઞાતિકેન્દ્રી મતબૅંક અને રાજકારણને વેગ આપવાનો અભિગમ અપનાવ્યો.

11 ઑગસ્ટ 1999ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતે અતિ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે જેમાં જણાવવામાં આવ્યું કે સર્વોચ્ચ તજ્જ્ઞતાની કક્ષાએ પ્રવેશ માટે અનામત નહિ પણ તેજસ્વિતા/ગુણવત્તા (મેરિટ) એકમાત્ર માપદંડ હોવો જોઈએ. આ ચુકાદામાં તબીબી અને ઇજનેરી અભ્યાસક્રમોમાં કૌશલ્યની અનિવાર્ય આવશ્યકતાને લક્ષમાં લેવામાં આવી હતી તેમજ કૌશલ્યોના ભોગે સામાજિક ન્યાય કે હકારાત્મક ભેદભાવનો સિદ્ધાંત લાગુ પાડવો એ ન તો વ્યવસાયના હિતમાં છે કે ન તો રાષ્ટ્રીય હિતમાં તેવું દૃષ્ટિબિંદુ આ ચુકાદા દ્વારા સર્વોચ્ચ અદાલતે રજૂ કર્યું હતું.

મહિલા અનામત : ભારતમાં સમાજના નબળા વર્ગો અને પછાત વર્ગો માટે અનામત પ્રથા જોગવવાની માંગણીઓ થઈ અને તે સ્વીકારવામાં આવી ત્યારે મહિલાઓ માટે પણ અનામતની વ્યવસ્થા હોવી જોઈએ એવી માંગણી ઉદભવી, કારણ કે મહિલાઓ પર પણ ભારતમાં સદીઓથી સામાજિક અન્યાય થતો રહ્યો છે. બંધારણના અમલના પ્રારંભના દસકાઓમાં, આવી પ્રથાથી સમાજનું વધુ વિઘટન થશે એવો ભય બતાવીને ખુદ મહિલા અગ્રણીઓએ તેનું સમર્થન કર્યું નહોતું.

1975ના આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે મહિલાઓ માટેનું એક પંચ વડાંપ્રધાન ઇંદિરા ગાંધીના અધ્યક્ષપદ હેઠળ નીમ્યું હતું. આ પંચે ‘પોલિટિકલ સ્ટેટસ ઑવ્ વિમેન’ નામનો એક અહેવાલ પ્રગટ કર્યો હતો જેમાં મહિલાઓને લગતા બીજા સામાજિક મુદ્દા પણ વણી લેવામાં આવ્યા હતા. આમ ભારત સ્વતંત્ર થયા પછી લગભગ 28 વર્ષે કેન્દ્ર સરકારે મહિલાઓના પ્રશ્ને સત્તાવાર રીતે ચોક્કસ અભિગમ લીધો એમ કહેવાય. આ અહેવાલ જાતિ-સમાનતામાં માનતાં વર્તુળો માટે આધાર-દસ્તાવેજ બની ગયો. આ પંચે કામગીરી શરૂ કરી ત્યારે મહિલાઓ માટે પણ અનામત પ્રથા હોવી જોઈએ એવી માંગણી ધરાતલ (grass-root) પર કામ કરતી મહિલાઓ દ્વારા આવી. પંચે પોતાના અહેવાલમાં મહિલાઓ માટે અનામત પ્રથા અપનાવવાની ભલામણ કરી નહોતી, પરંતુ 20મી સદીના છેલ્લા દસકામાં આ માંગ સ્વીકૃત થઈ.

1988માં વડાપ્રધાન રાજીવ ગાંધીએ પંચાયતી રાજને વેગીલું બનાવવા જે પ્રબંધ તૈયાર કરાવ્યો હતો તેમાં વિવિધ સ્તરની પંચાયતોમાં મહિલાઓ માટે અનામત બેઠકો રાખી તેમને નિયત પ્રતિનિધિત્વ આપવાની વાત સુનિશ્ચિત કરી હતી જેના પરિણામે 1993માં 73 અને 74મા બંધારણીય સુધારા દ્વારા ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી.

મહિલા સંગઠનોએ ધરાતલથી આવતાં દબાણોનો પ્રતિભાવ આપી અનામત માટેની માંગ કરી ત્યારે એક બીજું કારણ પણ રજૂ થયું કે ભારતીય રાજકીય પ્રથાના નબળા કાર્યદેખાવને સ્થાને નવી પંચાયતોમાં મહિલાઓએ પ્રમાણમાં સારું કામ કરી બતાવ્યું હતું, જેનું કારણ એ હતું કે પુરુષશાસિત રાજ્યવ્યવસ્થાના સંદર્ભમાં વિચારીએ તો મહિલાઓ ઊંચા પ્રમાણમાં દૂષણોથી મુક્ત રહી હતી. આથી રાજકારણના ઉપલા સ્તરે – વિધાનસભાઓ અને સંસદમાં – મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેવી માંગ ગીતા મુખરજી, પ્રમીલા દંડવતે, વીણા મજુમદાર, મૃદુલા સિંહા, માર્ગારેટ આલ્વા જેવાં અગ્રણીઓ દ્વારા ભારપૂર્વક રજૂ કરવામાં આવી.

આવી રજૂઆતોના પરિણામે ગુજરાલ સરકારે 33 ટકા મહિલા અનામતો સૂચવતો ખરડો રજૂ કરવા વિચારણા હાથ ધરી ત્યારે તેમના જ પક્ષ(જનતા દળ)ના પ્રમુખ શરદ યાદવે તેમને ધૃષ્ટતાપૂર્વક અટકાવતાં આક્ષેપ મૂક્યો કે આવા કાયદાથી તો શિક્ષિત અને ભદ્ર મહિલાઓ જ આગળ આવશે. આમ મહિલા અનામત પ્રથા અંગે ઠીક ઠીક શંકાઓ સેવવામાં આવી. તે પછી જનતા દળના તેમજ બૌદ્ધિક સમાજના નેતાઓએ મહિલાઓ માટેની કુલ અનામતની ટકાવારીમાં પછાતવર્ગની મહિલાઓ માટે ચોક્કસ ટકાવારી ફાળવવા માંગણી કરી. ત્યારબાદ મહિલા અનામત ખરડામાં લઘુમતીઓ માટેની ખાસ જોગવાઈ કરવા અંગેની હવા ઊભી થઈ તેમજ તે માટે દબાણો શરૂ થયાં. એક સામાજિક સ્તર તરીકે મહિલાઓને સ્વીકારવાને બદલે પછાત પેટા-જ્ઞાતિઓ અને ધર્મના આધારે અનામત સ્વીકારાય તો અન્ય ધાર્મિક લઘુમતીઓ પણ અમુક ચોક્કસ ટકાવારી માટે ઝુંબેશ આરંભે તેમ બને. મહિલા અનામતમાં પણ વળી નવાં મોજાં – મુદ્દા ઊભા થાય અને લગભગ 50 ટકા જેટલી મહિલાઓ જ્ઞાતિના ધોરણે વહેંચાઈ જાય એવી દહેશત નકારી શકાય નહિ.

અગિયારમી લોકસભામાં 280 જેટલા સંસદસભ્યો પછાત વર્ગના હતા. માર્ક્સવાદી સામ્યવાદી સાંસદ ગીતા મુખરજીએ આ મુદ્દાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકતાં બતાવ્યું હતું કે પહેલી લોકસભામાં 13 સભ્યો જ પછાતવર્ગમાંથી આવતા હતા. આથી પછાતવર્ગની મહિલાઓ માટે બેઠકો ફાળવવાથી તો દેશના સત્તામાળખામાં અતિશય અસમતુલા અને વિષમતા સર્જાશે. પછાતવર્ગોના અને દલિતોના રાજકીય સશક્તીકરણ (empowerment) માટેના મુખ્ય વિચારક અને સમાજવાદી નેતા રામમનોહર લોહિયાએ દાયકાઓ પહેલાં સમગ્ર મહિલા વર્ગને પછાતવર્ગ તરીકે ગણવાનો અનુરોધ કર્યો હતો.

ગુજરાલ સરકારના સમયે આ ખરડો પડતો મુકાયો. પછી 1998માં ભાજપ અને તેના સાથી પક્ષોવાળી વાજપાઈ સરકારે 12મી લોકસભાની પહેલી બેઠકમાં આ ખરડો મૂક્યો ત્યારે મુલાયમસિંઘ યાદવ અને લાલુપ્રસાદ યાદવના સાથીઓએ આ ખરડાને રજૂ થતો અટકાવ્યો. તે પછી ધીમે ધીમે પ્રસારણ-માધ્યમોમાં અને મહિલા અનામત અંગેનો પ્રજામત ઘડાતાં વાજપાઈ સરકારે ડિસેમ્બર 1998માં કૉંગ્રેસના ટેકાથી તેમજ જનતા દળ, બહુજનસમાજ પક્ષ તેમજ લઘુમતીઓના અન્ય પક્ષોના તીવ્ર વિરોધ છતાં આ ખરડાને 84મા બંધારણીય સુધારા ખરડા રૂપે લોકસભામાં રજૂ કરવામાં સફળતા મેળવી છે. તેમાં 33 ટકા મહિલાઓ માટેનું પ્રતિનિધિત્વ ફાળવવાની જોગવાઈ છે. 33 ટકાની આ જોગવાઈમાં પછાતવર્ગો અને લઘુમતી મહિલાઓ માટે નિશ્ચિત ટકાવારીની જોગવાઈની માંગ છે. આ અંગે કૉંગ્રેસ લવચીક વલણ ધરાવે છે. આખરે આવી જોગવાઈઓથી ખરડાને મઠારાશે કે કેમ તે પર દેશની મીટ મંડાયેલી છે. એપ્રિલ, 2000માં ચૂટણી પંચે પણ એવું સૂચન કર્યું કે રાજકીય પક્ષોએ મહિલા અનામતની લઘુતમ ટકાવારી નિશ્ચિત કરવી જોઈએ.

ગમે તેમ પણ ભારતની રાજ્યવ્યવસ્થામાં પુખ્તવય મતાધિકારની જોગવાઈ કર્યા પછી મહિલાઓને પણ બંધારણીય રાહે અનામત પ્રથા દ્વારા નક્કર/નિશ્ચિત અનામત પ્રતિનિધિત્વ મળશે તો તે સમાજપરિવર્તન અને રાજકીય દિશામાં ક્રાંતિકારી પગલું બની રહેશે.

પ્રવીણ ન. શેઠ

રક્ષા મ. વ્યાસ