શિક્ષાપત્રી : સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રધાન ગ્રંથ. સં. 1882ના મહા સુદ પાંચમે (વસંતપંચમીએ) ભગવાન સ્વામિનારાયણે (સહજાનંદ સ્વામીએ) સ્વયં શિક્ષાપત્રી લખી છે. શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું ધર્મશાસ્ત્ર છે. ભગવાન સ્વામિનારાયણે સર્વ ધર્મશાસ્ત્રોનો સાર શિક્ષાપત્રીમાં સુસ્પષ્ટપણે ગ્રથિત કર્યો છે. આથી આ ગ્રંથનું લાઘવસૂચક ‘શિક્ષાપત્રી’ એવું નામ અન્વર્થક છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિત સત્સંગીઓને ઉદ્દેશીને લખેલી શિક્ષાપત્રી માત્ર આશ્રિતો પૂરતી જ મર્યાદિત નથી, પણ સર્વજીવહિતાવહા છે. નિર્મળી શોધનારે જીવનને, સંસારને અને અંતરને નિર્મળ કરતી શિક્ષાપત્રી વાંચવા, વિચારવા અને આચરવા જેવી છે. લોકો જો શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પાલન કરે તો દેશમાં પોલીસ અને અદાલતોની ઓછામાં ઓછી જરૂર પડે એમ સરદાર પટેલે એક પ્રવચનમાં કહ્યું હતું.

સહાજનંદ સ્વામી

ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં (શ્લોક 208, 209) જ સત્સંગીઓને શિક્ષાપત્રીનો પ્રતિદિન પાઠ અથવા શ્રવણ અથવા પૂજા કરવાની  આજ્ઞા કરી છે. ઉપર્યુક્ત ત્રણમાંથી કોઈ એકનો નિયમ ગ્રહણ કરનાર ભક્તોને ભગવાન સ્વામિનારાયણ અતિશય પ્રસન્ન થઈને ભેટ્યા હતા અને ભક્તોના હૃદયમાં પોતાના ચરણારવિંદ આપ્યા હતા. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં (શ્લોક 209) ‘મારી વાણી (શિક્ષાપત્રી) તે મારું સ્વરૂપ છે, માટે આ શિક્ષાપત્રીને પરમ આદરથી માનજો’ એવો શિક્ષાપત્રીનો મહિમા લખ્યો છે. આથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાપૂજામાં શિક્ષાપત્રીની પૂજા થાય છે.

સંસ્કૃત ભાષામાં 212 શ્લોકોમાં લખાયેલી આ શિક્ષાપત્રીમાં 211 શ્લોક અનુષ્ટુપ છંદમાં અને અંતિમ શ્લોક ઉપજાતિ છંદમાં છે. શિક્ષાપત્રીમાં 1થી 10 શ્લોકોમાં ગ્રંથની ભૂમિકા છે. 11થી 122 સુધીના શ્લોકોમાં સર્વસાધારણ ધર્મો લખેલા છે. 123થી 203 સુધીના શ્લોકોમાં વર્ણાશ્રમાનુસારે વિશેષ  ધર્મો આપવામાં આવ્યા છે. 203થી 212 સુધીના શ્લોકોમાં શિક્ષાપત્રીનો ઉપસંહાર પ્રાપ્ત થાય છે. શિક્ષાપત્રીમાં થૂંકવાના સ્થાનના વિવેકથી માંડીને બ્રહ્મરૂપ થવા સુધીના આદેશો છે. ધર્મ સહિત ભક્તિ કરવાનો ભગવાન સ્વામિનારાયણનો સદાગ્રહ શિક્ષાપત્રીમાં સર્વત્ર ષ્ટિગોચર થાય છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ – ત્રણ દેહથી વિલક્ષણ પોતાના આત્માને બ્રહ્મરૂપ માની પરબ્રહ્મની સદા ભક્તિ કરવી એવો શિક્ષાપત્રીનો મુખ્ય આદેશ છે. બ્રહ્મરૂપ થવા માટે નિત્ય સાધુનો સમાગમ કરવાની ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે. શિક્ષાપત્રીના આદેશો પ્રમાણે વર્તવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ  એ ચારેય પુરુષાર્થની સિદ્ધિ થાય છે.

શિક્ષાપત્રી પર સંસ્કૃતમાં એક ભાષ્ય અને ચાર ટીકાગ્રંથો રચાયા છે. શિક્ષાપત્રીના ભારતીય ભાષાઓમાં 10 અને વિશ્વની અન્ય ભાષાઓમાં 19 અનુવાદો પ્રકાશિત થયા છે. શિક્ષાપત્રીના ગુજરાતીમાં સમશ્લોકી અનુવાદો પણ પ્રકાશિત થયા છે. બાળકો માટે સચિત્ર શિક્ષાપત્રી પણ સુલભ છે. શોધપત્રો, શોધપ્રબંધો, વિવેચનો અને પ્રવચનો રૂપે શિક્ષાપત્રી વિશે વિપુલ સાહિત્ય પ્રકાશિત થયું છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીની પારાયણો અને સત્સંગીઓના નિત્યપાઠના નિયમથી શિક્ષાપત્રીનો અને શિક્ષાપત્રી- પ્રબોધિત સદાચારનો ખૂબ જ પ્રચાર થયો છે.

સાધુ રસિકવિહારીદાસ