શિક્ષા (વેદાંગ અને ઉચ્ચારણશાસ્ત્ર)

January, 2006

શિક્ષા (વેદાંગ અને ઉચ્ચારણશાસ્ત્ર) : પ્રાચીન વેદમંત્રોનાં ઉચ્ચારણોને લગતું શાસ્ત્ર અને છ વેદાંગોમાંનું એક વેદાંગ. શિક્ષાની વ્યુત્પત્તિ એવી છે કે વેદના ઉચ્ચાર માટે શક્તિશાળી બનાવે તે શિક્ષા. વેદના રચનાકાળથી હજારો વર્ષો પહેલાં વેદમંત્રોનો ઉચ્ચાર થતો હતો તે પ્રમાણે જ આજે પણ તેનો ઉચ્ચાર થાય અને સ્વર કે વર્ણના ઉચ્ચારમાં દોષો ન થાય એ માટે શિક્ષાગ્રંથો માર્ગદર્શન આપે છે. વેદને સમજવામાં (1) છંદ, (2) કલ્પ, (3) જ્યોતિષ, (4) નિરુક્ત, (5) વ્યાકરણ અને (6) શિક્ષા  એ છ શાસ્ત્ર મદદરૂપ થાય છે; તેથી તેમને વેદાંગો કહે છે. છંદ વેદના પગ છે, કલ્પ એ વેદના હાથ છે, જ્યોતિષ એ વેદની આંખ છે, નિરુક્ત એ વેદના કાન છે, વ્યાકરણ વેદનું મુખ છે અને શિક્ષા એ વેદનું નાક છે. એનો અર્થ એ થયો કે શરીરમાં નાકનું જેટલું મહત્વ છે તેટલુું વેદ માટે શિક્ષાનું મહત્વ છે. વેદમંત્રમાં શબ્દમાં રહેલા સ્વર અને વર્ણનો સાચો ઉચ્ચાર ન થાય અથવા ખોટી જગ્યાએ શબ્દનો પ્રયોગ કે ઉપયોગ કરવામાં આવે તો તે ઉદ્દિષ્ટ અર્થ આપતો નથી, તેથી યજ્ઞ કરનારને અને મંત્ર બોલનારને હાનિ થાય છે. પરિણામે સાચા ઉચ્ચાર માટે શિક્ષાગ્રંથોમાં માર્ગદર્શન આપ્યું છે. ચાર વેદો માટે જુદી જુદી શિક્ષાઓ છે, કારણ કે ચારેય વેદનાં ઉચ્ચારણો જુદી જુદી પદ્ધતિથી થાય છે.

(1) સર્વપ્રથમ ઋગ્વેદની શિક્ષા ‘સ્વરાંકુશ શિક્ષા’ છે. જયંત સ્વામીએ રચેલી આ શિક્ષા 25 કારિકાઓની બનેલી છે. પ્રારંભમાં મંગલશ્લોક પછી ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત  એ ત્રણ સ્વરો, તેના પ્રકારો અને તેના ઉચ્ચારણ વિશે માહિતી છે. તેમાં સ્વરિત સ્વરના વધુ પ્રકારો હોવાથી તેની ચર્ચા વધારે છે.

(2) અથર્વવેદની ‘માંડૂકી શિક્ષા’ છે. મંડૂક મુનિની રચેલી પ્રસ્તુત શિક્ષામાં 181 કારિકાઓ છે. તેમાં મુખ્ય દ્રુતા વગેરે ત્રણ વૃત્તિઓ મહત્વનો વિષય છે. વિવૃત્તિ, સ્વરભક્તિ, સામવેદની ‘નારદી શિક્ષા’ અનુસાર સ્વીકારેલા સામગાનના સાત સ્વરો, અથર્વવેદના સ્વરના વર્ણો અને તેનું હાથમાં સ્થાન, તેના પાઠ વખતે પાળવાના નિયમો, મંત્રપાઠના ગુણો, સ્વરમાત્રા, ઉદાત્તાદિ સ્વરો અને વ્યંજનો વગેરેનું ઉચ્ચારણ, સંધિ, રંગ, અનુસ્વાર, સંયોગ વગેરેનાં ઉચ્ચારણોના નિયમો, શિષ્યે પાળવાના નિયમો, સારા અને ખરાબ શિષ્યોનાં લક્ષણો આપીને પ્રસ્તુત શિક્ષાનું ફળ કહ્યું છે.

(3) સામવેદની શિક્ષાઓમાં ‘નારદી શિક્ષા’ મુખ્ય છે. નારદ મુનિએ રચેલી આ શિક્ષામાં કુલ 249 કારિકાઓ છે. તેમાં આઠ આઠ કંડિકાઓના બનેલા બે પ્રપાઠકો છે. પ્રથમ પ્રપાઠકની આઠ કંડિકાઓમાં 14 કારિકાઓની બનેલી પ્રથમ કંડિકામાં વેદના ઉચ્ચારણનું મહત્વ અને સામાન્ય સ્વરોની માહિતી, 16 કારિકાઓની બનેલી બીજી કંડિકામાં સામગાનના સ્વરો, ત્રણ ગ્રામ, એકવીસ મૂર્ચ્છનાઓ અને ઓગણપચાસ તાલની માહિતી, 13 કારિકાઓની બનેલી તૃતીય કંડિકામાં ગાનના દસ ગુણો અને ગાનના ચૌદ દોષોની માહિતી, 24 કારિકાઓની બનેલી ચોથી કંડિકામાં સામગાનના સ્વરો, ષાડવ અને ઔડવ, સ્વરોની ઉત્પત્તિ અને ગેયની માહિતી, 19 કારિકાઓની બનેલી પાંચમી કંડિકામાં સ્વરોનાં સ્થાનો, દેવતા વગેરેની માહિતી, 22 કારિકાઓની બનેલી છઠ્ઠી કંડિકામાં સામગાન માટેની હસ્તવીણા કે ગાત્રવીણા અને તેમાં કયા સ્વરો રહેલા છે તેની માહિતી, 19 કારિકાઓની બનેલી સાતમી કંડિકામાં આંગળીઓ પર સ્વરોનાં સ્થાનોની માહિતી અને અગિયાર કારિકાઓવાળી આઠમી કંડિકામાં આર્ચિક સ્વરોની માહિતી રજૂ થઈ છે.

દ્વિતીય પ્રપાઠકની 11 કારિકાઓની બનેલી પહેલી કંડિકામાં સ્વરિત સ્વરની માહિતી; 18 કારિકાઓની બનેલી બીજી કંડિકામાં કંપ, સંયોગ, અવગ્રહ વગેરેની માહિતી; 11 કારિકાઓની બનેલી ત્રીજી કંડિકામાં માત્રા અને હ્રસ્વાદિ સ્વરોની માહિતી; આઠ કારિકાઓની બનેલી ચોથી કંડિકામાં ચાર વિવૃતિઓની માહિતી; 11 કારિકાઓની બનેલી પાંચમી કંડિકામાં સ્વરસંધિની માહિતી; 10 કારિકાઓની બનેલી છઠ્ઠી કંડિકામાં સ્વરભક્તિની માહિતી; 11 કારિકાઓની બનેલી સાતમી કંડિકામાં વૈદિક છંદો અને આઠ પ્રકારના સ્વરવાળાં પદોની માહિતી; 31 કારિકાઓની બનેલી આઠમી કંડિકામાં સામગાન કરવા માટે શરીર, વાણી અને મનને સારા રાખવાના નિયમો અને સામગાનનું અંતિમ ફળ મોક્ષ છે એ માહિતી રજૂ થઈ છે. સઘળા શિક્ષાગ્રંથોમાં ‘નારદી શિક્ષા’ અતિશય મહત્વની ગણાઈ છે. તેનું શોભાકર ભટ્ટે ભાષ્ય કે વિવરણ લખ્યું છે.

(4) અર્વાચીન લેખક યુગલકિશોરે સામવેદ પર બે શિક્ષાઓ લખી છે. તેમાં પહેલી શિક્ષા ‘ગૌતમી શિક્ષા’ છે. બે પ્રપાઠક અને 16 કંડિકાઓની બનેલી પ્રસ્તુત શિક્ષામાં વ્યંજનો, સંયોગ, યમ અને દ્વિર્ભાવની ચર્ચા છે. દ્વિર્ભાવનાં ત્ર્યક્ષર, ચતુરક્ષર, પંચાક્ષર, ષડક્ષર અને સપ્તાક્ષરનાં ઉદાહરણો પણ પ્રસ્તુત શિક્ષામાં આપ્યાં છે.

(5) યુગલકિશોરે લખેલી સામવેદ પરની બીજી શિક્ષા ‘લોમશી શિક્ષા’ છે. આ નાનકડી શિક્ષા આઠ ખંડની બનેલી છે. તેમાં પ્રથમ ખંડમાં નવ, બીજા ખંડમાં 6, ત્રીજા ખંડમાં 7, ચોથા ખંડમાં નવ, પાંચમા ખંડમાં અગિયાર, છઠ્ઠા ખંડમાં સાત, સાતમા ખંડમાં ચૌદ અને આઠમા ખંડમાં દસ મળી કુલ 73 કારિકાઓ છે. પ્રાય: આ શિક્ષા ગર્ગાચાર્યને અનુસરે છે. તેમાં મુખ્ય વિષય કંપનો છે. રંગ, દ્વિર્ભાવ અને વર્ણોચ્ચારની ખાસ ચર્ચા છે.

(6) યજુર્વેદની ઘણી અને વિવિધ શિક્ષાઓમાં ‘યાજ્ઞવલ્ક્ય શિક્ષા’ ખૂબ મહત્વની છે. તે યાજ્ઞવલ્ક્ય ઋષિએ રચેલી 232 કારિકાઓની બનેલી અને શુક્લ યજુર્વેદની વાજસનેયી સંહિતા વિશે માહિતી આપે છે. તેમાં વર્ણોના 4 પ્રકારોમાં સ્વરો, સ્પર્શ-વ્યંજનો, અંત:સ્થો અને ઉષ્માક્ષરો આપ્યા છે. તદુપરાંત, અનુસ્વાર, જિહ્વામૂલીય, ઉપધ્માનીય, અનુનાસિક, રંગ, યમ વગેરેની તેમના મતે એક દીર્ઘ  સાથે 23 સ્વરો, 25 સ્પર્શ-વ્યંજનો, 4 અંત:સ્થ, 3 ઉષ્માક્ષરો, 6 વિસર્ગાદિ, 4 યમો અને હ્રસ્વ અને દીર્ઘ 2 અનુસ્વારો મળી કુલ 68 વર્ણો વગેરેની વાત કરી છે. યજુર્વેદનું અધ્યયન કેવી રીતે કરવું તેની ઝીણી વિગતો આપી છે. સ્વર વિશે વિસ્તૃત વિવેચન યજુર્વેદમાંથી ઉદાહરણો આપી વેદપાઠકના ગુણો અને દોષો બતાવીને પ્રસ્તુત શિક્ષા સમાપ્ત થાય છે.

(7) શુક્લ યજુર્વેદની ‘વિસર્ગાંગુલિપ્રકાર શિક્ષા’ પણ યાજ્ઞવલ્ક્યે રચેલી છે. યાજ્ઞવલ્ક્યનાં સૂત્રો પર સદાશિવના પુત્ર બાલકૃષ્ણે ઘણી લાંબી ટીકા લખી છે. તેમાં વિસર્ગ અને સ્વરવ્યંજનોના ઉચ્ચાર તથા હાથથી સ્વર લેતી વખતે આંગળીઓ કેવી રીતે રાખવી તે બતાવ્યું છે. સંધિ, અવસાન, અવગ્રહ, સ્વરભક્તિ ઉપરાંત વેદની રાવણે કરેલી પદ, ક્રમ, જટા વગેરે આઠ વિકૃતિઓની સમજ આપી છે. યજુર્વેદના પ્રત્યેક અનુવાકના ક્રમે તેનાં ઉદાહરણો પણ આપ્યાં છે.

(8) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘વેદપરિભાષા શિક્ષા’ છે. સિદ્ધેશ્વરના પુત્ર રામચંદ્રે તે ગદ્યમાં લખી છે. તેમાં નવ કંડિકાઓ છે અને તેમાં વેદની પરિભાષાનાં પદોની સમજ આપી છે.

(9) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘વાસિષ્ઠી શિક્ષા’ છે. વસિષ્ઠ મુનિ તેના રચયિતા છે અને તેમાં શુક્લ યજુર્વેદની સંહિતામાં 40 અધ્યાયોમાં કેટલી ઋગ્વેદની ઋચાઓ આપી છે અને કેટલી યજુર્વેદની યજુષ્ છે તે ગણના રજૂ કરે છે. 40 ગદ્યકંડિકાઓમાં 40 અધ્યાયોની 1467 ઋચાઓ અને 2823 યજુષ્ છે તે મંત્રનાં પ્રતીકોથી બતાવ્યું છે. આ શિક્ષાને કારણે યજુર્વેદની સંહિતાઓમાં પાઠાન્તરો નથી. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં પાઠાન્તરો જોવાં મળે છે તે અહીં નથી. 40 કંડિકાઓ પછી અંતે બે શ્લોકોમાં ઋચા અને યજુષની કુલ સંખ્યા બતાવવામાં આવી છે.

(10) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘માંડવી શિક્ષા’ છે. તે માંડવ્ય ઋષિની રચેલી છે. તેમાં યજુર્વેદના 40 અધ્યાયોમાં  કારવાળાં પદો કયાં કયાં છે અને પ્રત્યેક પદમાં ब કેટલીવાર પ્રયોજાયો છે તેની ગણના પણ કરવામાં આવી છે. 40 અધ્યાયોમાં મંત્રનું પ્રતીક આપી તેમાં 40 ગદ્યકંડિકાઓમાં કયાં પદોમાં કેટલી વાર ब રહેલો છે તે જણાવ્યું છે. આ શિક્ષાથી હસ્તપ્રતમાં ब અને व વચ્ચે લહિયાની ભૂલો દુરસ્ત કરી સાચો વર્ણ ઉચ્ચારાય એ તેનું પ્રયોજન છે. તેનો પ્રારંભિક શ્લોક છંદમાં છે.

(11) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘કાત્યાયની શિક્ષા’ છે. તે કાત્યાયને રચેલી અને તેર કારિકાઓની બનેલી છે. તેમાં સ્વર અને તેના ઉચ્ચારણની ચર્ચા છે. સ્વાભાવિક રીતે જ તેમાં સ્વરિત સ્વરની ચર્ચા લાંબી છે. તેના પર જયંત સ્વામીની વ્યાખ્યા કે ટીકા છે કે જેમાં સ્વરનાં ઉદાહરણો યજુર્વેદ સંહિતામાંથી આપવામાં આવ્યાં છે.

(12) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘પારાશરી શિક્ષા’ છે. પારાશરની રચેલી આ શિક્ષામાં 160 કારિકાઓ છે. તેમાં સ્વર અને વર્ણના ઉચ્ચારનો વિષય પ્રધાન છે. તેની ચર્ચા મંત્રનાં ઉદાહરણો આપીને કરી છે. અંતિમ કારિકાઓમાં વેદજ્ઞ બ્રહ્મજ્ઞ પણ હોવો જોઈએ તેના પર ભાર મૂક્યો છે. વળી વેદનો શુદ્ધ પાઠ કરનાર બ્રાહ્મણ ભગવાન વિષ્ણુને પ્રિય છે અને તે અંતે વિષ્ણુલોક પામે છે એવું જણાવ્યું છે.

(13) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘અમોઘાનંદિની શિક્ષા’ છે. 130 કારિકાઓની બનેલી પ્રસ્તુત શિક્ષામાં ‘બ’ અને ‘વ’ એ બે વ્યંજનો લઘુ, લઘુતર અને ગુરુ સ્વર સાથેના હોય તેમજ નાદ, નાસિક્ય વગેરે લક્ષણ સાથેના હોય  તેના ઉચ્ચારણની સોદાહરણ ચર્ચા કરી છે. અંતિમ બાર કારિકાઓમાં ઉપર જણાવેલા ઉચ્ચારો ગુરુ પાસે જાણીને કરવાની ભલામણ કરી છે. ફક્ત નિયમો જાણીને વેદના ખોટા ઉચ્ચારો થાય છે તેથી તે ગુરુગમ્ય છે તેમ કહ્યું છે.

(14) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘લઘ્વમોઘાનંદિની શિક્ષા’ છે. સત્તર કારિકાઓની બનેલી આ નાનકડી શિક્ષામાં યજુર્વેદમાં य નો ज ક્યારે બોલવો, य અને वનું ઉચ્ચારણ દ્વિત્વથી ક્યારે કરવું અને અનુસ્વારના ઉચ્ચારની વાત કરી છે.

(15) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘માધ્યંદિની શિક્ષા’ છે. માધ્યંદિન ઋષિએ રચેલી પ્રસ્તુત શિક્ષામાં એક પ્રારંભિક શ્લોક અને 40 ગદ્યકંડિકાઓ છે. એમાં વ્યંજનના દ્વિત્વની સોદાહરણ ચર્ચા કરી છે. તે પછી ख કારવાળાં પદો યજુર્વેદમાં કયાં છે તે આપ્યાં છે. છેલ્લે યજુર્વેદમાં ગલિતર્ચા એટલે સંકેતથી બતાવેલી અને ખોવાયેલી ઋચાઓ કેટલી છે તે ગણાવી છે.

(16) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘લઘુમાધ્યંદિની શિક્ષા’ છે. માધ્યંદિન ઋષિની રચેલી આ શિક્ષા માત્ર 28 કારિકાઓની બનેલી છે. તેમાં યજુર્વેદમાં षનો ख, यનો ज, રેફ, ह, व, ल અને હ્રસ્વાદિ ત્રણ સ્વરોનું ઉચ્ચારણ કેમ અને ક્યારે કરવું તે બતાવ્યું છે. વૈદિક સંધિ, વિસર્ગનો ઉચ્ચાર વગેરેની સંક્ષિપ્ત માહિતી છે.

(17) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘વર્ણરત્નપ્રદીપિકા શિક્ષા’ છે. અમરેશની રચેલી 227 કારિકાઓની બનેલી આ શિક્ષાનો આરંભ ભગવાન કૃષ્ણને વંદન અને લેખક ભારદ્વાજ કુળના અને બુદ્ધિશાળી હોવાના નિર્દેશથી થાય છે. વર્ણ અને સ્વરના ઉચ્ચારો એ તેનો પ્રમુખ વિષય છે. તદુપરાંત, દ્વિત્વ, નામ, આખ્યાત, યમ, અનુસ્વાર વગેરેના ઉચ્ચારોની સોદાહરણ ચર્ચા તેમાં છે. વેદમંત્રના શુદ્ધ પાઠનું મહત્વ પણ તેમાં બતાવ્યું છે. પ્રાતિશાખ્ય ગ્રંથોને અનુસરી વ્યાકરણશાસ્ત્રના મુદ્દાઓ પણ તેમાં રજૂ થયા છે.

(18) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘કેશવી શિક્ષા’ છે. મહર્ષિ આસ્તિકના વંશજ ગોકુલચંદ્રના પુત્ર કેશવરામે રચેલી આ શિક્ષા ગદ્યમાં સૂત્ર અને વૃત્તિ સ્વરૂપની છે. એક પ્રારંભિક શ્લોકમાં ગણપતિને વંદન બાદ કુલ નવ સૂત્રો અને તેની ગદ્યમાં સમજ આપી છે. યજુર્વેદમાં જાનો ज, ष નો ख, અનુસ્વાર અને સ્વરના ઉચ્ચારણના નિયમો સોદાહરણ રજૂ કર્યા છે. તે પછી સંધિના નિયમો આપી લેખકે પોતાનો પરિચય અને ગ્રંથની માહિતી આપી છે.

(19) યજુર્વેદની એક અન્ય શિક્ષા પણ એ જ કેશવે પદ્યમાં લખેલી ‘કેશવી શિક્ષા’ છે.  બંને ‘કેશવી શિક્ષા’ઓના વિષયો સમાન છે. આરંભમાં સ્વરના ઉચ્ચાર સાથે હસ્ત વડે સ્વર કેવી રીતે દર્શાવવા તેની વાત ફક્ત આગલી શિક્ષાથી જુદી પડે છે.

(20) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘મલ્લશર્મશિક્ષા’ છે. કાન્યકુબ્જના ઉપમન્યુ ગોત્રના અગ્નિહોત્રી ખગપતિના પુત્ર અને ઘાટમપુરના રહેવાસી મલ્લશર્માની રચેલી આ શિક્ષા પાંસઠ કારિકાઓની બનેલી છે. આરંભમાં ગણેશ અને ગુરુને વંદન તથા ગ્રંથનું પ્રયોજન કહ્યાં છે. એ પછી સ્વર અને તે બતાવવા માટેના હસ્તની વાત કરી સ્વર અને વર્ણના શુદ્ધ ઉચ્ચારના નિયમો અને શુદ્ધ ઉચ્ચારનું મહત્વ બતાવ્યું છે. અંતિમ ત્રણ કારિકાઓમાં લેખકનો પરિચય છે.

(21) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘અવસાનનિર્ણય શિક્ષા’ છે. અનંતદેવ નામના લેખકે આ શિક્ષા ગદ્યમાં રચી છે. તેમાં યજુર્વેદના ઉચ્ચારણમાં ગદ્ય યજુષમાં અવસાન એટલે વિરામ કયા પદે લેવો તે મુખ્ય વિષય છે. તેમાં નિરવસાન 56 મંત્રખંડો, મધ્યાવસાન 5 મંત્રખંડો, અંત્યાવસાન 233 મંત્રખંડો, દ્વયવસાન 1493 મંત્રખંડો, ત્ર્યવસાન 150 મંત્રખંડો, ચતુરવસાન 32 મંત્રખંડો, પંચાવસાન બે મંત્રખંડો, ષડવસાન બે મંત્રખંડો અને નવાવસાન બે મંત્રખંડો રજૂ કરવામાં આવ્યા છે.

(22) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘સ્વરભક્તિલક્ષણપરિશિષ્ટ શિક્ષા’ છે. કાત્યાયને રચેલી આ શિક્ષા 42 કારિકાઓની બનેલી છે. સ્વરના આઠ પ્રકારો અને વર્ણોનાં ઉચ્ચારણો સોદાહરણ બતાવ્યાં છે. એ પછી પાંચ પ્રકારની જોડાક્ષરથી થતી સ્વરભક્તિની ચર્ચા કરી છે. અંતે પ્રસ્તુત શિક્ષાના પઠનનું ફળ બતાવ્યું છે. સ્વરભક્તિની સમજ થોડાક શિક્ષાગ્રંથોમાં છે તે આ શિક્ષાગ્રંથમાં આપવામાં આવી છે.

(23) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘ક્રમસંધાનશિક્ષા’ છે. ગદ્યમાં લખાયેલી આ નાનકડી શિક્ષા યજુર્વેદના મંત્રની રાવણે કરેલી આઠ વિકૃતિઓમાં એક ક્રમપાઠમાં સંક્રમ વખતે પાછળના પદ પછી આવતું પદ પણ સાથે અપવાદરૂપે લેવાનું હોય તેવાં 115 સ્થળો છે તે ગણાવવામાં આવ્યાં છે.

(24) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘ગલદૃક્ શિક્ષા’ છે. ગદ્યમાં રચાયેલી પ્રસ્તુત શિક્ષામાં ઋગ્વેદની ઋચાઓ વિશે ચર્ચા છે. એક ઋચા પાછળથી ફરી વાર આવે તો તે ફક્ત આદ્યાશબ્દના સંકેતથી બતાવી હોય છે. તે ઋચાઓ, સાથે સાથે ગ્રંથમાંથી લુપ્ત થઈ ગયેલી ઋચાઓ અને વધારાની ઋચાઓ કેટલી છે તેનો નિર્દેશ કરી 64 ઋચાઓ લુપ્ત અને 111 વધારાની હોવાની ગણતરી પણ આ શિક્ષામાં આપી છે.

(25) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘મનસ્વાર શિક્ષા’ છે. યાજ્ઞવલ્ક્યે ગદ્યમાં રચેલી આ શિક્ષા 64 કંડિકાઓની બનેલી છે. યજુર્વેદમાં આવતી ઋચાઓમાં ત્રિપદા, ચતુષ્પદા, ષટ્પદા વગેરેની ગણના કરી છે. પ્રત્યેકમાં કેટલાં અવસાન (વિરામ) છે તેની મંત્રનું પ્રતીક આપીને ગણના કરી છે. વળી કેટલી ઋચાઓ કંપવાળી છે અને કેટલી જાત્યસ્વરિતસ્વરવાળી છે તેની પણ ગણના કરી છે. ત્રિપદા ઋચાઓમાં કેટલી આદ્યુદાત્તા, કેટલી મધ્યોદાત્તા અને કેટલી અંતોદાત્તા તેની પણ પ્રતીક આપી ગણના કરી છે. તદુપરાંત, કેટલી તકારાન્તા, કેટલી નકારાન્તા, કેટલી તકારમધ્યા અને કેટલી મકારમધ્યા છે એની પણ પ્રતીક આપી ગણના કરી છે.

(26) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘પ્રાતિશાખ્યપ્રદીપ શિક્ષા’ છે. સદાશિવના પુત્ર બાલકૃષ્ણે 54 ગદ્યકંડિકાઓમાં આ શિક્ષા રચેલી છે. પ્રારંભિક કારિકાઓમાં લેખકે પોતે પ્રાતિશાખ્યગ્રંથો અને અન્ય શિક્ષાગ્રંથો જોઈને રચી હોવાનો નિર્દેશ કર્યો છે તથા તેની સાથે પોતાનો પરિચય પણ આપ્યો છે. પ્રસ્તુત શિક્ષાનો મુખ્ય વિષય વેદાધ્યયનનું મહત્વ અને યજુર્વેદમાં સ્વર લેવા માટે હસ્તપ્રચાર કેવી રીતે કરવો તે છે. વળી સ્વરવિચાર અને સંધિની પણ સમજ આપી છે. ‘યાજ્ઞવલ્ક્ય શિક્ષા’, ‘અમોઘનંદિની શિક્ષા’ અને ‘લઘુમાધ્યંદિની શિક્ષા’માંથી લેખકે ઉદ્ધરણો પણ આપ્યાં છે.

(27) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘સ્વરાષ્ટક શિક્ષા’ છે. આ નાનકડી શિક્ષા ગદ્યમાં સૂત્રશૈલીમાં લખાયેલી છે. તેમાં આઠ જાતના સ્વરો અને તેમની સંધિ, ઉદાત્તાદિ સ્વરો, સ્વર લેવા માટે હસ્તપ્રક્ષેપ અને સ્વરાંકુશની સોદાહરણ ચર્ચા તેના પરની વૃત્તિમાં કરી છે.

(28) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘ક્રમકારિકા શિક્ષા’ છે. શંભુ મિશ્ર નામના લેખકે રચેલી 94 કારિકાઓમાં વેદની એક વિકૃતિ ક્રમપાઠમાં પદના ક્રમમાં ક્યાં વિરામ કરવો તે માટે સોદાહરણ વિસ્તૃત માહિતી આપી છે.

(29) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘પાણિનીય શિક્ષા’ છે. તેના લેખક પાણિનિ કે તેમના કોઈ અનુયાયી હોઈ શકે. 60 કારિકાઓની બનેલી આ શિક્ષામાં પાણિનીય વ્યાકરણ મુજબ વર્ણો, તેની સંખ્યા, તેનાં ઉચ્ચારણસ્થાનો, પ્રયત્ન, અનુસ્વાર, યમ, રંગ વગેરેના ઉચ્ચારની માહિતી આપી છે. વેદનાં છ અંગોનો નિર્દેશ, વેદપાઠકના ગુણો તથા દોષો અને શિક્ષાનું ફળ સ્વર્ગ છે એ બધી બાબતો રજૂ થઈ છે. વર્ણોની સંખ્યા 63 કે 64ની છે એવો ભગવાન શિવનો મત તેમાં અનુસરવામાં આવ્યો છે. યજુર્વેદમાં ‘યાજ્ઞવલ્ક્ય શિક્ષા’ જેટલી જ મહત્વની પ્રસ્તુત શિક્ષા છે.

(30) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘શિક્ષાપ્રકાશ’ છે. પિંગલાચાર્યે તેની ગદ્યમાં રચના કરી છે. ‘પાણિનીય શિક્ષા’ની કારિકાઓની તેમાં સમજ આપવામાં આવી છે. એ સમજમાં વચ્ચે વચ્ચે ‘નારદી શિક્ષા’, ‘યાજ્ઞવલ્ક્ય શિક્ષા’ વગેરે શિક્ષાગ્રંથોના મતોને ઉદ્ધૃત કર્યા છે. ખાસ કરીને દ્રુતાદિ વૃત્તિ તથા વર્ણોચ્ચારણ વિચાર વગેરેની ચર્ચા તેનો અગત્યનો મુદ્દો છે. સ્થાન, પ્રયત્ન, ઉચ્ચારણ વગેરે ‘પાણિનીય શિક્ષા’ના મુદ્દાઓને સ્પષ્ટ રીતે સમજાવ્યા છે. વેદપઠનનું ફળ મોક્ષ છે, પરંતુ વેદના અર્થો ગૂઢ હોવાથી તેની સ્પષ્ટ સમજ આપવા પોતે પ્રસ્તુત શિક્ષાની રચના કરી છે એમ કહી પ્રસ્તુત શિક્ષાનું પ્રયોજન લેખકે અંતમાં રજૂ કર્યું છે. ટૂંકમાં, વેદના ગૂઢાર્થને પ્રકાશિત કરવા ‘શિક્ષાપ્રકાશ’ની રચના કરી છે.

(31) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘ષોડશશ્લોકી શિક્ષા’ છે. રામકૃષ્ણે રચેલી આ નાનકડી શિક્ષામાં સ્વરો અને વર્ણોના ઉચ્ચારો, કેવી રીતે કરવા તેની માહિતી આપી છે. ઉચ્ચારણસ્થાનો પણ ચર્ચ્યા છે. વળી પ્રસ્તુત શિક્ષાના પાઠનો લાભ બતાવી આ શિક્ષા સમાપ્ત થાય છે.

(32) યજુર્વેદની એક અન્ય શિક્ષા ‘યજુર્વિધાન શિક્ષા’ છે. પરંતુ તેનો વિષય વર્ણો અને સ્વરોનાં ઉચ્ચારણોનો નથી. પ્રસ્તુત શિક્ષા આખા મંત્રનાં અનેક વાર ઉચ્ચારણો અને તેનાં ફળો સાથે સંબંધ ધરાવે છે. કયા મંત્રોથી અને કઈ વસ્તુથી હોમ કરવાથી કયાં ફળો મળે છે તે આ શિક્ષામાં પ્રમુખ વિષય છે. વિદ્યાપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ, રાજાનું વશીકરણ, સારાં સંતાનોની પ્રાપ્તિ, શત્રુમારણ, શત્રુવિજય, સારી કન્યા અને સારા વરની પ્રાપ્તિ, અંતર્ધાન થવું વગેરે જાતજાતની સિદ્ધિપ્રાપ્તિ, સર્પ વગેરેની બાધાઓનું નિવારણ, અસુરકન્યાદર્શન, વિપુલરાજ્યપ્રાપ્તિ, દેવતાપ્રાપ્તિ, વાહનપ્રાપ્તિ, શરીરની ઇન્દ્રિયોની ખામી દૂર થવી, દીર્ઘાયુષપ્રાપ્તિ, અક્ષયધનપ્રાપ્તિ, ચક્ષુ વગેરે જ્ઞાનેન્દ્રિયોના રોગની નિવૃત્તિ, સર્વાભ્યુદયસિદ્ધિ વગેરે અનેક ફળો માટેનાં અનુષ્ઠાનો અને વિધિઓ બતાવી છે. સંક્ષેપમાં, પ્રાચીન ભારતમાં ઉચ્ચારણશાસ્ત્રનો અને વેદોના અધ્યયનનો વિકાસ કેવો ભવ્ય હતો તે આ શિક્ષાગ્રંથો બતાવે છે.

પ્ર. ઉ. શાસ્ત્રી