પ્રહલાદ : પ્રાચીન ભારતનું એક પૌરાણિક પાત્ર. ભાગવત વગેરે પુરાણો મુજબ પ્રહલાદ રાક્ષસોના રાજા હિરણ્યકશિપુનો પુત્ર હતો. તેની માતાનું નામ કયાધુ હતું. કયાધુ જંભાસુરની દીકરી હતી. આથી પ્રહલાદ જંભાસુરનો દૌહિત્ર થાય. તેના પુત્રોમાં આયુષ્માન્, શિબિ, બાષ્કલ અને વિરોચન વગેરેનો સમાવેશ થાય છે. બલિરાજા પ્રહલાદનો પૌત્ર હતો. પ્રહલાદ દત્તાત્રેય, શંડ અને અમર્ક – એ ત્રણ ગુરુઓનો શિષ્ય હતો. તેના કાકા હિરણ્યાક્ષે ડુબાડેલી પૃથ્વીને બચાવવા વિષ્ણુએ વરાહ-અવતાર લીધેલો. હિરણ્યકશિપુને મારી નાખી પ્રહલાદની રક્ષા માટે વિષ્ણુએ નૃસિંહ-અવતાર લીધેલો. જ્યારે બલિરાજાને નમાવવા વિષ્ણુએ વામન અવતાર ધારણ કરેલો.

પિતા હિરણ્યકશિપુ તપ કરવા ગયો હતો ત્યારે પ્રહલાદની માતા કયાધુને ઇન્દ્ર પકડીને લઈ ગયેલો, કારણ કે તે ગર્ભવતી હતી; પરંતુ નારદે ઇન્દ્રને કહ્યું કે રાક્ષસ હોવા છતાં ગર્ભમાં રહેલો બાળક પ્રહલાદ વિષ્ણુનો ભક્ત થશે. નારદે એવી ખાતરી આપવાને લીધે ઇન્દ્રે કયાધુને મુક્ત કરી. હવે ગર્ભમાં રહેલા બાળકને મારવાની જરૂર ન હતી. પ્રહલાદ જન્મ પછી ભગવાન વિષ્ણુની ભક્તિમાં ડૂબેલો રહ્યો. અંતે, પિતા હિરણ્યકશિપુને ખબર પડતાં પ્રહલાદને તેમાંથી પાછો વાળવા પહેલાં સમજાવટ અને પછી બાળક પ્રહલાદને હિરણ્યકશિપુએ પર્વત પરથી નીચે ફેંકાવ્યો, ઝેરી અને હિંસક પશુઓથી મારી નાખવા પ્રયત્ન કર્યા પરંતુ બધામાંથી તે વિષ્ણુભક્તિને લીધે બચી ગયો. આથી કંટાળીને અંતિમ ઉપાય તરીકે હોળી સળગાવીને હોલિકા નામની રાક્ષસીના ખોળામાં પ્રહલાદને બેસાડી બાળી નાખનાવો પ્રયત્ન કર્યો. પરંતુ અગ્નિથી નહિ બળતી હોલિકા બળી મરી અને તે રીતે ભગવાન વિષ્ણુએ બાળક પ્રહલાદને બચાવી લીધો.

હિરણ્યકશિપુ ભગવાન વિષ્ણુનો વિરોધી હોવાનું કારણ એ હતું કે આગલા જન્મમાં તે વિષ્ણુનો પાર્ષદ હતો પરંતુ ઋષિના શાપથી વિષ્ણુનો પાર્ષદ મટી ગયો. આથી વિષ્ણુની ભક્તિ કરી વિષ્ણુને પ્રાપ્ત કરવામાં વાર લાગે તેથી વેરભાવે વિષ્ણુને ભજી ભગવાન વિષ્ણુને હાથે મૃત્યુ પામી ઝડપથી સ્વર્ગમાં પાર્ષદનું સ્થાન ફરી ગ્રહણ કરવા પૃથ્વી પર જન્મ લીધો. આથી ભગવાનનો પાર્ષદ હોવા છતાં તે ભગવાનનો વિરોધી બન્યો. જય અને વિજયે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે કશ્યપ ઋષિ અને દિતિના પુત્રો તરીકે જન્મ લીધો. બંનેએ ખૂબ તપ કરેલું. હિરણ્યકશિપુએ ખૂબ તપ કરી બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું કે દેવ, અસુર, ગંધર્વ, પશુ, પક્ષી મનુષ્યના હાથે તે મૃત્યુ ન પામે. તે અસ્ત્ર, શસ્ત્ર, વૃક્ષ, પથ્થર, લીલા કે સૂકા પદાર્થથી મરે નહિ. તે દિવસે કે રાતે ન મરે. તે ઉપર કે નીચે, ઘરની અંદર કે બહાર મૃત્યુ ન પામે. આવું વરદાન મેળવીને વિષ્ણુભક્ત પોતાના જ પુત્ર બાળક પ્રહલાદને તેણે હેરાન કર્યો. અંતે, ભાગવત પુરાણ મુજબ ભગવાન ક્યાં રહે છે એવો પ્રશ્ન પ્રહલાદને હિરણ્યકશિપુએ પૂછ્યો. એના જવાબમાં ભગવાન બધે જ છે તેવો જવાબ પ્રહલાદે આપ્યો. આથી હિરણ્યકશિપુએ સામે દેખાતા થાંભલામાં પણ ભગવાન છે કે નહિ એમ પૂછતાં પ્રહલાદે હા પાડી અને થાંભલો ચીરીને વિષ્ણુ નૃસિંહના રૂપે પ્રગટ થયા અને તેમના ભવ્ય અને ભીષણ, માણસ અને સિંહના મિશ્રરૂપમાં દેખાયા. બ્રહ્માએ આપેલા વરદાનની બધી જ શરતો પાળીને મનુષ્ય અને પશુના મિશ્ર રૂપે સંધ્યાના સમયે પોતાના નખ વડે પોતાના ખોળામાં હિરણ્યકશિપુને મૂકીને ઘરના ઉંબરા પર બેસીને ચીરી નાખ્યો. પોતાના ભક્ત પ્રહલાદને બચાવ્યો અને રાક્ષસોના રાજા તરીકે પ્રહલાદને ગાદીએ બેસાડ્યો. ભગવાન ભક્તનું રક્ષણ અવશ્ય કરે છે એના ર્દષ્ટાન્ત તરીકે પ્રહલાદનો નિર્દેશ પ્રાચીન કાળથી થતો આવ્યો છે. ગાંધીજીએ તો પ્રહલાદને સૌથી પહેલા સત્યાગ્રહી તરીકે ઓળખાવેલો.

પ્ર. ઉ. શાસ્ત્રી