પ્રહલાદચરિતમુ : તેલુગુ સંત કવિ ત્યાગરાજની રચના. તેલુગુ તથા તમિળ બંને ભાષાઓમાં જેમણે એમની રચનાઓ દ્વારા અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને જેમનામાં સંત, સંગીતકાર તથા કવિનો સુમેળ સધાયો હતો તે ત્યાગરાજે (1767–1847) અનેક સંગીતરૂપકો રચેલાં અને ગાયેલાં. તેમાં ‘પ્રહલાદચરિતમુ’ મુખ્ય છે અને આજે પણ આંધ્રપ્રદેશમાં, લોકોમાં તે ગવાતું રહે છે. ભાગવત-આધારિત આ સંગીતરૂપકમાં પ્રહલાદની સમગ્ર જીવનકથા, પ્રહલાદ અને એનાં કુટુંબીજનો, એની હત્યા કરવા નિયુક્ત લોકો તથા પ્રહલાદ અને ભગવાન વચ્ચેના સંવાદ વગેરેનું નિરૂપણ છે. વચ્ચે વચ્ચે કવિનું પણ ગીત દ્વારા કથન આવતું જાય છે. ગીતો ભક્તિભાવથી સભર છે. પૌરાણિક કથામાં ખાસ કશો ફેરફાર કર્યો નથી; પરંતુ પ્રહલાદની માને પ્રહલાદપક્ષી દર્શાવી છે. કથાનકમાં રૌદ્ર, ભયાનક, કરુણ, હાસ્ય — એમ રસવૈવિધ્ય સારા પ્રમાણમાં છે. ત્યાગરાજે પોતે કુશળ સંગીતજ્ઞ હોવાથી દરેક ગીત કયા રાગમાં ગાવું તે પણ દર્શાવ્યું છે. ત્યાગરાજે ‘પ્રહલાદચરિતમુ’ ઉપરાંત બીજાં પણ સંગીતરૂપકો રચી તેલુગુ કાવ્યસાહિત્યમાં એક અભિનવ પ્રકારનું પ્રસ્થાન સફળતાથી કર્યું છે. કવિના સંગીતપ્રેમ અને ભગવદભક્તિ બંનેને કારણે કાવ્ય તેલુગુ કાવ્યસાહિત્યમાં અગ્રિમ સ્થાન ભોગવે છે.

ચન્દ્રકાન્ત મહેતા