પ્રહેલિકા : કવિના અભિપ્રેત અર્થને સમજવો મુશ્કેલ પડે તેવી ચતુરાઈભરી કાવ્યરચના. એમાં ચિત્ર નામનો અલંકાર અને અર્થચિત્ર પ્રકારનું કાવ્ય બંને અસ્તિત્વ ધરાવે છે. તે ચોસઠ કળાઓમાંની એક કળા છે, કારણ કે તેનાથી માણસની ચતુરાઈ કે બુદ્ધિ જણાઈ આવે છે. પ્રહેલિકામાં કોઈક કોયડો રજૂ થાય છે અને તેમ કરી બીજા લોકોને બોલતા બંધ કરવામાં આવે છે અથવા ગૂંચવણમાં નાખવામાં આવે છે. આચાર્ય દંડીના મતે બૌદ્ધિક રમત માટે, પ્રેમીઓની વાતચીત કે આનંદભરી મશ્કરી માટે, વિદ્વાન માણસોની સભામાં બોલવા માટે તથા બીજાને ભુલાવામાં નાખવા માટે પ્રહેલિકાનો ઉપયોગ કરવામાં આવે છે.

આચાર્ય ભામહના મત મુજબ, એમાં એક ધાતુના અનેક અર્થો થતા હોવાથી ગંભીર અને ચમત્કાર ધરાવતી રચના હોય છે. ભામહે પ્રહેલિકાનાં ઉદાહરણો માટે રામ શર્માના ‘અચ્યુતોત્તર’ નામના કાવ્યનો નિર્દેશ કર્યો છે. આચાર્ય દંડીએ સારી પ્રહેલિકાના સમાગતા, વંચિતા વગેરે સોળ પ્રકારો પોતાના ‘કાવ્યાદર્શ’માં ઉદાહરણો સાથે ચર્ચ્યા છે. વળી ખરાબ પ્રહેલિકાના ચૌદ પ્રકારો પ્રાચીન આચાર્યો માનતા હોવાનો અછડતો ઉલ્લેખ પણ તેમણે કર્યો છે. આચાર્ય વિશ્વનાથ પ્રહેલિકાને સુંદર ઉક્તિ માને છે. તેમના મત મુજબ અલંકાર્ય રસની પરિપુષ્ટિમાં સહાય કરે તેને જ અલંકાર કહેવાય એટલે રસના અનુભવમાં વિલંબ કરાવતી પ્રહેલિકા અલંકાર કહેવાય નહિ.

પ્રહેલિકાના પ્રકારો દંડી, ધર્મદાસ અને અજિતસેને અનુક્રમે ‘કાવ્યાદર્શ’, ‘વિદગ્ધમુખમંડન’ અને ‘અલંકારચિંતામણિ’માં ગણાવ્યા છે, પરંતુ તેના બે મુખ્ય વિભાગોમાં : (1) શાબ્દી અને (2) આર્થી ખૂબ જાણીતા છે. જ્યાં ટુકડા પાડેલો શબ્દ ખોળી કાઢવાનો હોય તે શાબ્દી પ્રહેલિકા કહેવાય. ‘આદ્યાક્ષર વણ જગ જીવાડણ, અંત્યક્ષર વણ મીઠું, મધ્યાક્ષર વણ સહુ સંહારણ, તે મેં નજરે દીઠું.’ શામળની ‘મદનમોહના’ની આ કડીમાં ‘કાજળ’ શબ્દના ટુકડા કહ્યા તેના પરથી તે શબ્દ ખોળી કાઢવાનો હોઈ અહીં શાબ્દી પ્રહેલિકા છે.  જેમ કે – ‘ન તેનો આદિ છે કે ન તેનો અંત છે. તેની વચ્ચે ય છે. એ તારી પાસે છે, મારી પાસે પણ છે. તે શું છે તે કહે.’ અહીં ‘નયન’ શબ્દના ટુકડા કહ્યા છે અને તે પરથી મૂળ શબ્દ ખોળી કાઢવાનો હોવાથી આ શાબ્દી પ્રહેલિકાનો દાખલો છે. જ્યાં અર્થ એટલે વસ્તુ ખોળી કાઢવાની હોય તે આર્થી પ્રહેલિકા કહેવાય; જેમ કે – ‘જે પગ ન હોવા છતાં દૂર જનારો છે, સાક્ષર હોવા છતાં પંડિત નથી, મુખ વગરનો છે છતાં સ્પષ્ટ કહેનારો છે, એ જે જાણે તે પંડિત.’ અહીં ‘પત્ર’ એટલે કાગળ એવો અર્થ એટલે કે એ વસ્તુ ખોળી કાઢવાની છે; તેથી તે આર્થી પ્રહેલિકાનું ઉદાહરણ છે. ‘નરથી નારી નીપજે, જેહથી શોભે નાર; પ્રથમ શોભે તેહને, જેહને શિર ભરથાર’ : ‘સિંહાસનબત્રીસી’ની આ કડીમાં ‘કાજળ’ એવી વસ્તુ અર્થમાંથી ખોળી કાઢવાની હોવાથી આ આર્થી પ્રહેલિકાનો દાખલો છે. તદુપરાંત, પ્રહેલિકામાં અમુક ક્રિયા કરવાનો અભિપ્રાય કે આશય પૂછવામાં આવે છે. આવા શ્લોકોનો સંગ્રહ ‘ભાવશતક’ નામના કાવ્યમાં નાગરાજ નામના કવિએ કર્યો છે. આ ઉપરાંત પ્રહેલિકાના અનેક ગૌણ પ્રકારો પાડવામાં આવ્યા છે.

પ્ર. ઉ. શાસ્ત્રી