ઉપરકોટનું ગુફાસ્થાપત્ય

January, 2004

ઉપરકોટનું ગુફાસ્થાપત્ય : પ્રાચીન અને મધ્યકાલીન પુરાવશેષો ધરાવતું સ્થળ. જૂનાગઢ રેલવે-સ્ટેશનથી પૂર્વમાં લગભગ પોણો માઈલ દૂર મહમૂદ બેગડાએ જૂનાગઢને ફરતા બંધાવેલા ગઢની પૂર્વની રાંગની લગભગ ઉત્તર બાજુએ ઉપરકોટનો કિલ્લો આવેલો છે. ‘વિવિધ તીર્થકલ્પ’ આ સ્થળનો ‘ઉગ્ગસેણ ગઢ’ અને ‘પ્રબંધકોશ’માં ‘ખંગારદુર્ગ’ તરીકે ઉલ્લેખ થયો છે. એક માન્યતા પ્રમાણે આ કિલ્લો ઉગ્રસેન યાદવે બંધાવ્યો હતો. 1232ની આસપાસ શ્રી વિજયસેનસૂરિકૃત ‘રેવંતગિરિરાસ’માં તેજપાળે વસાવેલા તેજલપુરની પૂર્વમાં ઉગ્રસેન ગઢ હોવાનો ઉલ્લેખ છે. દીવાન રણછોડજીકૃત ‘તારીખે સોરઠ’માં કાલયવનના ભયથી યાદવો સોરઠમાં આવ્યા ત્યારે તેના રાજા ઉગ્રસેને ઉપરકોટનો કિલ્લો બંધાવ્યો હતો એવો ઉલ્લેખ છે. આમ આ કિલ્લો ઉગ્રસેન ગઢ કે ઉપરકોટના નામે જાણીતો હશે. સંભવત: ઉગ્રસેન ગઢ ઉપરકોટનું પૂર્વ નામ હતું, એવી માન્યતા છેક 14મી સદીથી પ્રચલિત છે.

ઉપરકોટથી પ્રાપ્ત મૃત્પાત્રો તથા ત્યાંની બૌદ્ધ ગુફાઓ તેની પ્રાચીનતા દર્શાવે છે. મૃત્પાત્રો ઈ. સ.ની 1લીથી 4થી સદીનાં છે. જ્યારે બૌદ્ધ ગુફાઓ ઈ. સ.ની બીજી સદીની આસપાસની છે. આથી સ્પષ્ટ થાય છે કે ઉપરકોટનું અસ્તિત્વ ઈ. સ.ના પ્રારંભના સમયથી હશે. ઉપરકોટના કિલ્લાના પ્રાકાર(કોટ)ની લંબાઈ 3,080 મીટર અને પહોળાઈ 9 મીટર છે. જ્યારે વધુમાં વધુ ઊંચાઈ 41 મીટર છે. તેની પર 1,174 કાંગરા છે. શસ્ત્રો ફેંકવાની બાણમુષાઓ (બાકોરાં) મોટી 440 અને નાની 225 છે. બુરજો 13 છે.

જૂનાગઢના ઉપરકોટ વિસ્તારમાં બે મજલાના શૈલગૃહ રૂપે કંડારેલી ગુફાઓ છે. તે ધરતીના પેટાળમાં રક્ષાયેલી છે. સપાટ જમીન ઉપર દક્ષિણાભિમુખ મોઢું રાખી થોડાં પગથિયાં ઊતરી, જમણી તરફનાં પગથિયાં ઊતરી, ફરીથી જમણી તરફ વળતાં આ શૈલગૃહના પ્રથમ મજલે પહોંચાય છે.

પ્રથમ મજલે દોઢેક મીટર સમચોરસ ખુલ્લો કુંડ છે. અઢારેક મીટર ઊંડા આ કુંડમાં ઊતરવા માટે પશ્ચિમની દીવાલમાં બંને છેડે પાંચ પગથિયાં છે. કુંડની ત્રણ બાજુએ છાપરાવાળી ઓસરી છે. કુંડની પૂર્વની ઓસરીને ઉત્તર છેડે આવેલા પ્રવેશમાર્ગેથી મોટા ખંડમાં જવાય છે, જેની છત છ થાંભલાથી રક્ષાયેલી છે. છમાં ચાર ચોરસ અને બે ષટ્કોણ થાંભલા છે. ચાર સ્તંભોથી ઘેરાયેલો વચ્ચેનો ભાગ ખુલ્લો છે. એની ચોતરફ ઓસરી છે. દક્ષિણ સિવાયની શેષ દીવાલોમાં દશ બેઠકો કંડારેલી છે. કેટલીક બેઠકો ઉપરની પટ્ટીના મથાળે ચૈત્ય વાતાયનો છે અને સુશોભનરૂપે ચોકઠાં અંકિત છે.

નીચલા મજલે મોટો ખંડ છે. પશ્ચિમ સિવાયની અન્ય દીવાલોમાં દસ ઓટલીઓ કોરેલી છે. ઉત્તરની દીવાલમાં પૂર્વ છેડાના માર્ગેથી ઉપલા મજલેથી અહીં અવાય છે. પૂર્વની દીવાલને અડીને ચોરસ ઊંચી બેઠક છે. એની પશ્ચિમ તરફના બે થાંભલા છાપરાને ટેકવી રાખે છે. પ્રાય: વ્યાખ્યાનપીઠ તરીકે એનો ઉપયોગ થતો હશે.

શૈલગૃહના બંને મજલે ઘણા થાંભલા છે. ગોળ સ્તંભોના દંડ ઉપર ત્રાંસા પટ્ટા છે. અર્ધસ્તંભોના દંડ ત્રણ ભાગમાં છે. એના પ્રત્યેક ભાગ ઉપર ત્રાંસા પટ્ટા એકબીજાથી ઊલટસૂલટ છે, ચોરસ સ્તંભો પણ છે. દરેક સ્તંભ શીર્ષ, દંડ અને કુંભીથી વિભાજિત છે. કેટલાંક શીર્ષ ગોળ છે, જેની ઉપર પશુ-આકૃતિઓ કંડારેલી છે. કેટલીક કુંભીઓ વેલપાનની ભાતથી શોભે છે. ચોરસ કુંભીઓ સુંદર ઊતરતા થરોવાળી છે. કેટલાંક શીર્ષ ઉપર નારીપ્રતિમાઓની વિભિન્ન મુદ્રાઓ કોતરેલી છે. ચૈત્ય વાતાયનોની ભાત હૃદયંગમ છે. એમાં માનવાકૃતિઓ કંડારેલી છે. વાતાયનોના છેડા વેદિકાથી જોડાયેલા છે.

અહીં કોઈ ધાર્મિક પ્રતીકો કંડારેલાં નથી, તેથી આ ગુફાઓ કયા ધર્મની છે તે કહેવું મુશ્કેલ છે. નિર્વસ્ત્રી અને અલ્પાચ્છાદિત વસ્ત્રોયુક્ત સ્ત્રીઓની આકૃતિઓ, લંગોટધારી સશક્ત માનવોની આકૃતિઓ તથા પશુઆકૃતિઓને કારણે બર્જેસ અને ઉમાકાન્ત શાહ આ શૈલગૃહને પ્રમોદભવન હોવાનું માને છે.

સ્તંભોની રચના, શીર્ષકુંભી પરનાં સુશોભનો, માનવ-પશુ-આકૃતિઓ, ચૈત્ય-વાતાયનની કોતરણી વગેરેને આધારે ઉમાકાન્ત શાહ આ સ્થાપત્યને બીજીથી ચોથી સદીમાં મૂકે છે; પરંતુ 1958-59માં અહીં થયેલા પુરારક્ષણકાર્યથી પ્રાપ્ત રુદ્રસેનના સીસાના સિક્કાઓ અને રાતાં ચકચકિત વાસણોનાં ઠીકરાં ઉપરથી આ ગુફાઓ ક્ષત્રપકાલમાં ઈસુની બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ દરમિયાન કંડારાઈ હોવાનું સૂચવાયું છે.

કિલ્લાના વર્તમાન મુખ્ય પ્રવેશદ્વારની ઉત્તરે કહેવાતી બૌદ્ધ ગુફાઓનો નાનો સમૂહ આવેલો છે. આ ગુફાઓ બે માળની છે.

આ કિલ્લામાં નીલમ તોપ, કડાનલ તોપ, નવઘણ કૂવો, અડીકડીની વાવ, કોઠાર અને જુમ્મા મસ્જિદ જોવાલાયક છે.

રસેશ જમીનદાર

દિનકર મહેતા