અનુશીલન સમિતિ : બ્રિટિશ હકૂમતની સામે વિદ્રોહ જગાડનારી ભારતની એક ક્રાંતિકારી સંસ્થા. ઓગણીસમી સદીના અંતભાગમાં, તથા વીસમી સદીની શરૂઆતમાં, ભારતમાં બ્રિટિશ સરકાર સામેના રાષ્ટ્રીય આંદોલનમાં એક બાજુએ કૉંગ્રેસની નેતાગીરી નીચે શાંત, વિનીત અને અહિંસક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, ત્યારે બીજી બાજુએ ભારતના જુદા જુદા ભાગોમાં ગોપનીય રીતે ક્રાંતિકારી સંસ્થાઓ દ્વારા, ઉગ્ર, આત્યંતિક, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પણ પૂરજોસમાં ચાલી રહી હતી. અનુશીલન સમિતિ આવી જ એક ક્રાંતિકારી સંસ્થા હતી. તેની સ્થાપના બંગાળના યુવાન ક્રાંતિકારી નેતા પી. મિત્રે કરી હતી. પાછળથી ક્રાંતિવીર અરવિંદ ઘોષના નાના ભાઈ બારીન્દ્રકુમાર ઘોષે આ સંસ્થાનાં સૂત્રો સંભાળ્યાં હતાં. શ્રી અરવિંદ ઘોષ પણ આ સંસ્થામાં જોડાતાં સંસ્થાનો નૈતિક જુસ્સો ઘણો વધી ગયો હતો. આ સંસ્થામાં મુખ્યત્વે યુવાનો જોડાતા. તેમને રિવૉલ્વર અને રાઇફલ ચલાવવાની તેમજ બૉમ્બ બનાવવાની તાલીમ આપવામાં આવતી. સંસ્થાનું મુખ્ય મથક કૉલકાતામાં રાખવામાં આવ્યું હતું. પણ ટૂંક સમયમાં જ બંગાળનાં અન્ય શહેરો તથા ગામડાંઓ મળીને અનુશીલન સમિતિની લગભગ 500 જેટલાં સ્થળોએ શાખાઓ કામ કરતી થઈ ગયેલી. પછી સમિતિના સભ્યોએ બિહાર, આસામ, પંજાબ, મધ્ય પ્રાંત, સંયુક્ત પ્રાંત તથા મહારાષ્ટ્રમાં પણ પોતાની પ્રવૃત્તિઓ વિસ્તારી હતી. સમિતિ તરફથી ‘યુગાન્તર’ નામનું એક ક્રાંતિકારી સામયિક બહાર પાડવામાં આવતું. બંગાળમાં ક્રાંતિકારી વિચારસરણી ફેલાવવામાં ‘યુગાન્તર’નો ઘણો મોટો ફાળો હતો. આ સમયે બંગાળમાં, તથા ભારતમાં પણ ‘બંગાળના ભાગલા’ વિરુદ્ધ ભારે આંદોલન ચાલી રહ્યું હતું. તેને દબાવવા માટે બ્રિટિશ સરકાર તરફથી જે દમનનીતિ આચરવામાં આવતી, તેની સામે થવા ‘યુગાન્તર’માં યુવાનોને ખુલ્લેઆમ હાકલ કરવામાં આવતી. આથી બ્રિટિશ સરકારે ‘યુગાન્તર’ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ જેમ જેમ બ્રિટિશ સરકારની દમનનીતિ માઝા મૂકતી ગઈ, તેમ તેમ અનુશીલન સમિતિના ક્રાંતિકારી યુવાનોની પ્રવૃત્તિઓ વધારે જલદ બનતી ગઈ. બારીન્દ્રકુમાર ઘોષ અને તેમના યુવાન સાથીદારોએ બૉમ્બ બનાવવાનો, તથા ક્રાન્તિકારીઓ ઉપર કામ ચલાવનારા ન્યાયાધીશો, જિલ્લા મૅજિસ્ટ્રેટો કે અન્ય સરકારી અધિકારીઓની હત્યા કરવાનો કાર્યક્રમ ઉગ્ર બનાવ્યો. બંગાળમાં અનુશીલન સમિતિની આવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ઈ. સ. 1911માં બંગાળના ભાગલા રદ થયા ત્યાં સુધી ચાલતી રહી, જ્યારે બારીન્દ્રકુમાર તથા તેમના સાથીદારોએ શરૂ કરેલી બૉમ્બ-પ્રવૃત્તિ તો છેક ઈ. સ. 1930 સુધી ચાલુ રહી હતી.

દેવેન્દ્ર ભટ્ટ