અનુષંગી ખનિજો અને ખનિજવર્ગો

January, 2001

અનુષંગી ખનિજો અને ખનિજવર્ગો (accessory minerals and mineral families) : અગ્નિકૃત ખડકોમાં જોવા મળતા ત્રણ પૈકીનો એક ખનિજ વર્ગ અને તેમાં સમાવિષ્ટ ખનિજો. બાકીના બે પ્રકાર તે આવશ્યક અને પરિણામી. આવશ્યક અને અનુષંગી ખનિજો મૅગ્માજન્ય સ્ફટિકીકરણની પેદાશો હોઈ તેમને મૂળભૂત અથવા પ્રાથમિક ખનિજો તરીકે પણ ઓળખે છે. પરિણામી ખનિજો ક્વચિત્ ખવાણક્રિયા (erosion) દ્વારા કે વિકૃતિ દ્વારા કે ખનિજીય દ્રાવણો દ્વારા સામેલ થયેલાં હોય છે. આવશ્યક ખનિજોના પ્રકાર અને પ્રમાણ ઉપરથી ખડકનો પ્રકાર નક્કી થાય છે, તેમની હાજરી–ગેરહાજરીથી ખડકપ્રકાર બદલાઈ શકે છે. આવશ્યક ખનિજો ઉપરાંત ખડકમાં અલ્પ માત્રામાં રહેલાં અન્ય ખનિજો કે જેમના પ્રકાર કે પ્રમાણને વર્ગીકરણ માટે ગણતરીમાં લેવાતાં નથી તેમજ જેમની હાજરી–ગેરહાજરીથી ખડકપ્રકારમાં કોઈ ફરક પડતો નથી, તેમને અનુષંગી ખનિજો કહે છે. ટૂર્મેલિન, ઍપેટાઇટ, ઝિર્કોન, રુટાઇલ, ટિટેનાઇટ, પાયરાઇટ, મૅગ્નેટાઇટ, હેમેટાઇટ વગેરે આવાં અનુષંગી ખનિજો છે. તેમને ધાત્વિક–બિનધાત્વિક ખનિજોમાં પણ વર્ગીકૃત કરી શકાય.

અનુષંગી ખનિજોને જુદા જુદા ખનિજવર્ગોમાં પણ વર્ગીકૃત કરવામાં આવેલા છે. આ ખનિજવર્ગોને સામાન્ય અનુષંગી અને અશુદ્ધ અનુષંગી ખનિજો જેવા બે પેટાવિભાગોમાં વહેંચી શકાય. સામાન્ય પ્રકારમાં ગાર્નેટ, સ્પિનેલ, ટિટેનિયમયુક્ત લોહધાતુ ખનિજો, ઍપેટાઇટ, બૅરિલ, ઝિર્કોનિયમનાં ખનિજો, ઉષ્ણબાષ્પીય (pneumatolytic) ખનિજો જેવાં કે ટૂર્મેલિન, ટોપાઝ (પોખરાજ), ફ્લોરાઇટ (ફ્લોરસ્પાર) વગેરેનો સમાવેશ થાય છે. અશુદ્ધીકરણને કારણે જે અનુષંગી ખનિજો તૈયાર થાય છે તેમાં કૉરંડમ, ઍન્ડેલ્યુસાઇટ, સિલિમેનાઇટ, કૉર્ડિરાઇટ વગેરે જેવાં ખનિજોનો સમાવેશ થાય છે.

મોહનભાઈ પુરુસોત્તમદાસ પટેલ

વ્રિજવિહારી દીનાનાથ દવે