કૅરેવાનસરાઈ : મધ્ય પૂર્વના દેશોમાં વણજારાઓના વિસામા માટે બાંધવામાં આવતી સાર્વજનિક ઇમારત. એને ધર્મશાળા કે મુસાફરખાનું પણ કહી શકાય, જ્યાં પોઠો પડાવ નાખીને રહી શકે. આ ઇમારત મોટાભાગે ગામ અથવા કોઈ મોટી વસાહતની આસપાસ

કૅરેવાનસરાઈ

બાંધવામાં આવતી. ગામની અંદર બાંધવામાં આવતી કૅરેવાનસરાઈને ખાન કહે છે. લંબચોરસ આકારની આ ઇમારતની દીવાલો પર બારીઓ ઊંચે રાખવામાં આવતી અને દીવાલોના નીચેના ભાગમાં હવાની અવરજવર માટે નાનાં કાણાં રાખવામાં આવતાં. પરિણામે ગરમ પ્રદેશમાં આવી ઇમારતના અંદરના ઓરડા ઠંડા રહેતા. બે માળની આ ઇમારતની વચ્ચોવચ મોટો ચૉક અને ચૉકની આજુબાજુ કમાનવાળા સ્તંભોની હારમાળા હોય. નીચેના માળના ઓરડાઓમાં સામાન વગેરે રાખવામાં આવતાં અને રસોઈ ચૉકના એક ખૂણામાં બનતી. ઉપલા માળમાં વણજારા રહેતા. ચૉક એવડો મોટો હોય જ્યાં ત્રણસોથી ચારસો ઊંટ અથવા ગધેડાં બાંધી શકાતાં. ચૉકની મધ્યમાં કૂવો, બાજુમાં ફુવારો અને ચૉકડી હોય. ચૉકમાં પથ્થરની લાદીઓ લગાડવામાં આવતી. અહીં નમાજ પઢવાની જગ્યા પણ રહેતી. ચૉકમાં પ્રવેશવાનાં મોટાં દ્વાર રાત્રે મોટી લોખંડી સાંકળોથી બંધ કરી દેવાતાં.

આવી આ ઇમારતના સ્થાપત્યની શૈલી મોટાભાગે ‘સારસેનિક’ તરીકે જાણીતી છે. પથ્થરોની જાડી દીવાલો અને ઝીણી કોતરણીને લીધે આ ઇમારતો ભવ્ય લાગતી.

મન્વિતા બારાડી