કૅરો (અલ્-કાહિરાહ)

January, 2008

કૅરો (અલ્-કાહિરાહ) : પ્રાચીન સમયમાં ‘કાહિરા’ તરીકે ઓળખાતું ઇજિપ્તની રાજધાનીનું શહેર.

કૅરો

ભૌગોલિક સ્થાન : તે 30o 03′ ઉ. અ. અને 31o 15′ પૂ. રે. પર, ભૂમધ્ય સમુદ્રથી આશરે 160 કિમી. દૂર મુખ્યત્વે નાઇલ નદીના મુખત્રિકોણ (delta) પ્રદેશમાં વસેલું છે. આ મુખત્રિકોણ પ્રદેશ ખેતીની ર્દષ્ટિએ સમૃદ્ધ હોવાથી તે ઇજિપ્તના હૃદય સમાન ગણાય છે. આ શહેર લગભગ પંખાકાર છે. નાઇલ નદીનો વહનમાર્ગ દક્ષિણથી ઉત્તર તરફનો છે. આ નદીના પૂર્વ કાંઠે આવેલો ખીણપ્રદેશ મુકાટ્ટમની (muqattum) ટેકરીઓથી ઘેરાયેલો છે.

આબોહવા : કૅરોની આબોહવા ગરમ, પરંતુ ખુશનુમા છે. આ શહેરના વાતાવરણની એક લાક્ષણિકતા એ છે કે ઉનાળામાં દિવસે ગરમી (32o થી 41o સે.) અને રાત્રે ઠંડી(21o થી 26o સે.)નો અનુભવ થાય છે. જ્યારે શિયાળાનું તાપમાન (13o સે.) સામાન્ય રહે છે. ઉનાળામાં વરસાદ થતો નથી; પરંતુ ગરમ લૂનો અનુભવ વધુ થાય છે; જ્યારે શિયાળામાં થોડો વરસાદ (28 મિમી.) પડે છે. અહીં અનુભવાતા ગરમ પવનો ‘ખામસીન’ (Kamisn) તરીકે ઓળખાય છે.

પરિવહન : કૅરોના બાબ અલ-હદીદ રેલવે સ્ટેશનથી ઍલેક્ઝાન્ડ્રિયા, લુક્સોર (Luxor) અને આસ્વાન જવા માટે ટ્રેનોની સગવડ સારી છે. મોટેભાગે કૅરો શહેર અને તેની આસપાસના વિસ્તારો માટે સડકમાર્ગનો ઉપયોગ વધુ થાય છે. કૅરો અને પરાં-વિસ્તારો વચ્ચે ભૂગર્ભ રેલમાર્ગ (બાબ અલ-હદીદ અને હેલિયૉપોલિસ(Heliopolis)નો પ્રારંભ થયો છે. કૅરો શહેરના ટ્રાફિકને લક્ષમાં રાખીને નવા ધોરી માર્ગો, ઓવરબ્રિજનું નિર્માણ સતત થયાં કરે છે. કૅરો એક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. જેથી ઇજિપ્તનો સંબંધ સમગ્ર વિશ્ર્વનાં અનેક શહેરો સાથે સ્થાપી શકાયો છે. નાઇલ નદીનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે.

કેરોમાં આવેલા સલાહીદીનના કિલ્લામાંની મહમ્મદ અલીની મસ્જિદ

અર્થતંત્ર : ઇજિપ્તના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનના  જેટલું ઉત્પાદન બૃહત્ કૅરોમાં થાય છે. ખાસ કરીને કાપડ-ઉદ્યોગ, ખાદ્યપ્રક્રમણ, ધાતુકામ વગેરેના એકમો વધુ સ્થપાયેલા છે. આ સિવાય તે ઇજિપ્તનું સૌથી મોટું વેપારનું મથક પણ છે.

શૈક્ષણિક અને પ્રવાસકેન્દ્રો : કૅરોમાં મહત્વની ત્રણ યુનિવર્સિટીઓ આવેલી છે. જે ઇન શમ્સ (Ain Shams), કૅરો યુનિવર્સિટી અને અલ્-અઝહર (Al-Azhar) – જેની સ્થાપના દસમી સદીમાં થઈ હતી, જેથી તે વિશ્વની અતિપ્રાચીન યુનિવર્સિટી ગણાય છે. આ સિવાય ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકન યુનિવર્સિટી પણ સ્થપાયેલી છે. આ યુનિવર્સિટીમાં આધુનિક વિષયો જેવા કે ઔષધિ, ચિકિત્સા, કાયદો, ધર્મ, કલા, વિજ્ઞાન અને ઇજનેરીનું શિક્ષણ પણ અપાય છે. અહીં પ્રાથમિક, માધ્યમિક અને તકનીકી શિક્ષણ તદ્દન મફત અપાય છે. અહીં સમૃદ્ધ રાષ્ટ્રીય પુસ્તકાલય છે. આ શહેરમાં મુસ્લિમ ઉપરાંત ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન, અંગ્રેજ વગેરે પ્રજાઓ પણ વસવાટ કરે છે. મોટેભાગે લોકો ઉર્દૂ અને અંગ્રેજી ભાષાનો ઉપયોગ વધુ કરે છે. આ શહેરની વસ્તી 2,26,23,874 (2024) છે.

પ્રવાસનકેન્દ્રો : આ શહેર સુંદર બાગબગીચા અને ભવ્ય મસ્જિદો માટે તેમજ ખ્રિસ્તી અને યહૂદીઓનાં ધર્મસ્થાનો માટે વધુ જાણીતું છે. કોટ વિસ્તારમાં આવેલું કૅરો ઇસ્લામિક કૅરો તરીકે ઓળખાય છે. અહીં અનેક મસ્જિદો, કમાનો, મ્યુઝિયમ અને પુસ્તકાલયો આવેલાં છે, જેમાં પુરાતત્વીય વસ્તુઓનું સંગ્રહસ્થાન અને સલાદીનનો ભવ્ય કિલ્લો જોવાલાયક છે. આ શહેરથી થોડે દૂર પ્રાચીન પિરામિડો તેમજ મેમ્ફિસ નગરીના દુર્લભ અવશેષો આવેલા છે. કૅરો શહેરનું વિસ્તૃતીકરણ ઈ. સ. 1860થી 1870ના દસકામાં ખેદીવ ઇસ્માઇલે કર્યું, જેનો નકશો પૅરિસના બૅરન વૉન હાઉસમાને (Baron Von Haussmann) તૈયાર કર્યો હતો. 2013ની સાલમા કેરો વિશ્વમા પ્રવાસનક્ષેત્રે 85મો ક્રમ ધરાવતુ હતું. 2017માં યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઑર્ગેનાઇઝેશન દ્વારા જણાવ્યું હતું કે વિશ્વમા સૌથી ઝડપી પ્રવાસનક્ષેત્રે વિકાસ કરતું શહેર છે.

ઇતિહાસ : પ્રાચીન બૅબિલોનના સ્થળે ઈ. પૂ. 641માં આરબોએ પોતાની હકૂમત સ્થાપેલી. તે સ્થળ આજે કૅરો શહેર તરીકે ઓળખાય છે. આશરે દસમી સદીમાં ફાતિમિડ્સે (Fatimids) તે પરાવિસ્તારને અલ-કાહીરાહ નામ આપ્યું, પરંતુ અંગ્રેજો તેને ‘કૅરો’ તરીકે ઓળખતા હતા. 12મી સદી સુધી ફ્યુસ્ટાટ (Fustat) અને કૅરો જોડકાં શહેરો તરીકે ઓળખાતાં હતાં. આ સમયગાળામાં સલાદીનનું વર્ચસ્ હતું. તેણે એક ભવ્ય કિલ્લો પણ બનાવડાવ્યો હતો. પરંતુ ઈ. સ. 1168માં અંગ્રેજોએ ફ્યુસ્ટાટનો નાશ કર્યો. ઈ. સ. 1250માં મમુલ્ક વંશજો(mumulla)એ સત્તા સ્થાપી. ત્યારબાદ 1516માં તુર્કોએ આ કૅરો જીતી લીધું. મમુલ્ક વંશના સમયગાળામાં સૌથી વધુ વિકાસ થયો હતો. 14મી સદીમાં આ શહેરની સીમા પણ વધી. ઈ. સ. 1350માં આ શહેરની વસ્તી પાંચ લાખની થવાથી તે વિશ્વનું સૌથી મોટા શહેર તરીકે જાણીતું બન્યું. ઈ. સ. 1798માં નેપોલિયને આક્રમણ કરીને આ શહેરનો વિનાશ કર્યો. ઈ. સ. 1801માં ફ્રેન્ચોએ મુહમંદ અલીને સત્તા સોંપી અને તેના વંશજોનું પ્રભુત્વ 1952 સુધી રહ્યું. ઈ. સ. 1868માં સુએઝ કૅનાલનો પ્રારંભ થતાં યુરોપિયનો આ વિસ્તારમાં શાંતિ જળવાય તે માટે પ્રયાસો કરતા હતા; પરંતુ 1881માં બ્રિટને ઇજિપ્ત ઉપર આક્રમણ કરીને પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું. બીજા વિશ્વયુદ્ધ વખતે મિત્ર દેશોએ કૅરોને ઉત્તર, આફ્રિકાનું મુખ્ય લશ્કરી મથક બનાવ્યું હતું. ઈ. સ. 1956માં સુએઝ કૅનાલનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. 1967 અને 1973માં ઇઝરાયલ સાથે થયેલા યુદ્ધને કારણે ઇજિપ્તનો વિકાસ રૂંધાયો. 1978-79માં આરબ-ઇઝરાયલ સાથે થયેલી સંધિને કારણે કૅરોનો વિકાસ થવા લાગ્યો. 1992માં ધરતીકંપને કારણે મૃત્યુઆંક 500 સુધી પહોંચી ગયો હતો. 1994માં વસ્તી અને વિકાસના સંદર્ભમાં યુનો દ્વારા ત્યાં એક કૉન્ફરન્સનું આયોજન કરાયું હતું.

મહેશ મ. ત્રિવેદી

નીતિન કોઠારી