કેરેન્સ્કી – ઍલેક્ઝાંડર ફિઓદોરોવિચ

January, 2008

કેરેન્સ્કી, ઍલેક્ઝાંડર ફિઓદોરોવિચ (જ. 4 મે 1881, સિમ્બિર્સ્ક [હાલનું ઉલ્યાનવ્સ્ક], રશિયા; અ. 11 જૂન 1970, ન્યૂયૉર્ક, અમેરિકા) : રશિયાના રાજદ્વારી મુત્સદ્દી. પિતા જે શાળાના મુખ્ય અધ્યાપક હતા તે જ શાળામાં શરૂઆતનું શિક્ષણ લીધા પછી 1904માં સેન્ટ પીટર્સબર્ગ (લેનિનગ્રાડ) યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રના સ્નાતક થયા. 1905માં સોશિયાલિસ્ટ રેવોલ્યૂશનરી પાર્ટીમાં જોડાયા અને સાથોસાથ વકીલાત શરૂ કરી. 1906ના બંધારણની કલમોનું ઉલ્લંઘન કરવાના રાજકીય ગુના માટે દોષિત ગણાયેલા સમાજવાદીઓનો ન્યાયાલય સમક્ષ બચાવ કરવાનું કાર્ય તેમણે હાથ ધરેલું. 1912માં ચોથી સંસદમાં શ્રમિક વર્ગના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા અને ટૂંક સમયમાં સંસદમાં પક્ષના નેતા બન્યા. રશિયામાં ઝારશાહી પ્રત્યે નિરાશ થવાથી રાજાશાહીના વિસર્જનનું સમર્થન કર્યું. 1917ની બૉલ્શેવિક ક્રાંતિમાં સક્રિય ભાગ ભજવ્યો અને કામચલાઉ સામ્યવાદી સરકારમાં પ્રથમ ન્યાયમંત્રી તથા પછી યુદ્ધમંત્રી બન્યા. જુલાઈ 1917માં કામચલાઉ સરકારમાં પ્રધાનમંત્રીપદે નિમાયા અને સાથોસાથ પેટ્રોગ્રાડ સોવિયેટના એક ઉપપ્રમુખ પણ બન્યા.

ઍલેક્ઝાન્ડર ફિઓદોરોવિચ કેરેન્સ્કી

પ્રધાનમંત્રી તરીકે તેમણે દાખલ કરેલી આર્થિક નીતિ નિષ્ફળ જતાં તેમને પદચ્યુત કરવામાં આવ્યા. તેમની સામે કઠોર પગલાં લેવાશે તેવી દહેશતને કારણે તે ભૂગર્ભમાં જતા રહ્યા અને 1918માં લંડન પહોંચ્યા. ત્યારથી 1939 સુધી પશ્ચિમ યુરોપના જુદા જુદા દેશોમાં નિર્વાસિત તરીકે જીવન ગાળ્યું અને તે દરમિયાન ગ્રંથલેખન અને સંપાદનકાર્ય કર્યું. 1940માં ઑસ્ટ્રેલિયા અને 1946માં અમેરિકા ગયા. જીવનનાં છેલ્લાં ચોવીસ વર્ષ (1946–70) તેઓએ ન્યૂયૉર્કમાં ગાળ્યાં.

બૉલ્શેવિક ક્રાંતિ નિષ્ફળ જતાં પકડાયેલા ટ્રૉટ્સ્કી અને કામાનેવ જેવા નેતાઓને કેરેન્સ્કીએ મુક્ત કરાવ્યા હતા.

તેમના ગ્રંથો ‘ધ પ્રેલ્યૂડ ટુ બૉલ્શેવિઝમ’ (1919), ‘ધ કેટૅસ્ટ્રોફી’ (1927), ‘ધ રોડ ટુ ટ્રૅજેડી’ (1935) તથા ‘ધ કેરેન્સ્કી મેમ્વાર્ઝ’ (1968) વિશેષ નોંધપાત્ર છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે