લાંઘણજ : ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું પ્રાગ્-ઐતિહાસિક સંસ્કૃતિ ધરાવતું મહત્વનું કેન્દ્ર. ગુજરાતમાં પ્રાગ્-ઐતિહાસિક શોધ સૌપ્રથમ 1893માં રૉબર્ટ બ્રૂસ દ્વારા થઈ. પ્રાગ્-ઐતિહાસિક કાળના અવશેષો શોધવા 1952, 1954, 1959 અને 1963માં લાંઘણજમાં ખોદકામો કરવામાં આવ્યાં. અહીંના અંધારિયા ટીંબાનું ખોદકામ કરતાં ઠીકરાંઓ ફક્ત સપાટી ઉપરથી જ અને એનાથી ઊંડે 0.9 મીટર સુધી જ મળ્યાં. અકીકનાં હથિયારો, ક્વૉર્ટ્ઝાઇટના ઉપલો અને એના ટુકડાઓ, વેળુ-પાષાણની નિશાનીઓના ટુકડા, અશ્મીભૂત થઈ ગયેલાં હાડકાંના ભાંગેલા હજારો ટુકડા અને પ્રાણીઓનાં હાડકાંના અવશેષો 2.14 મીટર ઊંડે સુધી પ્રાપ્ત થયા. આ બધા અવશેષો મોહેં-જો-દડોના અવશેષો કરતાં પણ વધારે જૂના હોવાની શક્યતા છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટે કાર્બન C14ના આધારે એમનો સમય ઈ. પૂ. 2500ની આસપાસનો આંક્યો છે. આ સમયનો લાંઘણજનો આદિમાનવ અંત્યપાષાણયુગનો હોવાની ધારણા છે. રહેણાક સંબંધિત અવશેષોના અભાવે આ માનવ કેવી રીતે રહેતો હશે તે જાણી શકાતું નથી. તે ગેંડા, ગાય, નીલગાય, ભેંસ, ઘેટાં-બકરાં, જંગલી ડુક્કર, ત્રણ જાતનાં હરણ – કાળિયાર, બડાશિંગી અને ડુક્કર-હરણ(Hog-deer)નો તેમજ કાચબા અને માછલાંનો પણ શિકાર કરતો. ખોરાકમાં આ ઉપરાંત તે નોળિયો, ખિસકોલી અને ઉંદર પણ લેતો. કુટુંબીજન કે ટોળીમાંનો કોઈ માણસ મરી જતો ત્યારે કાપેલાં જાનવરોના ઢગલા તેમની સાથે દાટતો. તેની રહેવાની જગ્યા, રસોડું અને સ્મશાન એક જ સ્થળે હતાં. તે માટીનાં વાસણો વાપરતો થયો હશે, કારણ કે ઉપલા સ્તરોમાં થોડીક બહુ જ નાની નાની ઠીકરીઓ મળે છે.
ડૉ. શ્રીમતી સોફી એરહાર્ડ અને ડૉ. કેનેથ કૅનેડીએ લાંઘણજના આદિમાનવનો શાસ્ત્રીય અભ્યાસ કર્યો છે. તેમનું માનવું છે કે લાંઘણજનો આદિમાનવ કયા વંશનો હતો તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે. એનું લાંબું મોટું માથું, ઊંચાં ઊપસેલાં ભવાં, સહેજ બહાર આવતો નીચલો હોઠ અને કદાચ ચીબું નાક જેવાં શારીરિક લક્ષણો શ્રીલંકાના આદિવાસી વેદા અને ભૂમધ્ય સમુદ્રના આદિવાસીઓમાં જોવામાં આવે છે. આમ લાંઘણજના આદિમાનવને આધારે કહી શકાય કે ગુજરાતમાં 4,500 વર્ષ પૂર્વે માનવ-વંશ-સંકરતા થઈ હતી.
થોમસ પરમાર