લાંગ્લોઇ, હેન્રી (Langlois, Henri) (જ. 13 નવેમ્બર 1914, સ્મીર્ના, તુર્કી; અ. 1977) : ચલચિત્રોના ઇતિહાસની શ્રેણીબદ્ધ ઘટનાઓ તથા તેને લગતા દસ્તાવેજોના શકવર્તી સંગ્રાહક અને દફતરપાલ (આર્કેઇસ્ટ). જ્યારે તેઓ શાળામાં ભણતા હતા ત્યારથી જ જે મળે તે જૂનાં ચલચિત્રોના ટુકડા એકઠા કરવાનો શોખ હતો. 1935માં તેમણે ‘સર્કલ દ સિનેમા’ નામની એક નાનકડી ક્લબની સ્થાપના કરી. ત્યાં તેઓ મિત્રો સાથે મળતા અને પ્રશિષ્ટ ચિત્રો નિહાળતા અને તેના પર ચર્ચા કરતા. એ પછીના વર્ષે જ્યૉર્જ ફ્રાંજુ સાથે મળીને પછીનાં વર્ષોમાં દુનિયાભરમાં નામના મેળવનાર ફિલ્મ દફતર ‘સિનેમાથેક ફ્રેન્કાઇઝ’(Cinematheque Francaise)ની સ્થાપના કરી. એ વખતે તેમની પાસે માત્ર દસ ચિત્રો હતાં, પણ પછી જ્યાંથી મળી શકે ત્યાંથી તેમણે ચિત્રો એકઠાં કરવા માંડ્યાં. ત્યારે તેમનું આ કામ જોઈને કોઈને ખ્યાલ નહોતો કે તેઓ હજારો ચિત્રોનો નાશ થતા બચાવી રહ્યા છે. તેમણે એકઠાં કરેલાં આ ચિત્રો નિહાળવા પછી તો જાણીતા શિખાઉ અનેક ચિત્રસર્જકો તેમને ત્યાં આવતા અને ફ્રાન્સમાં એક આખી પેઢી આ ચિત્રો જોઈને તૈયાર થઈ. આજે જે ફ્રેન્ચ સર્જકો વિશ્વમાં ખ્યાતિ ધરાવે છે તે ગોદાર્દ, ત્રુફોં, શેબરોલ અને ડેમી જેવા સર્જકો પોતાની જાતને ‘સિનેમાથેકનાં સંતાનો’ કહેવામાં ગૌરવ અનુભવતા હતા.

સમય વીતવાની સાથે ‘સિનેમાથેક’ ચલચિત્રોના ખાનગી સંગ્રહાલયમાંથી સરકારી સહાય મેળવતી એક વિશાળ સંસ્થા બની ગઈ. તેમાં ચિત્રોના પ્રદર્શન માટે ત્રણ છબિઘરો હતાં અને 60,000થી વધુ ચિત્રોનો સંગ્રહ હતો. તેમાંનાં અસંખ્ય ચિત્રો દુર્લભ છે. જેમ જેમ આ સંસ્થાનો વિકાસ થતો ગયો તેમ તેમ લાંગ્લોઇની ખ્યાતિ વધતી ગઈ, પણ એકલપંડે કામ કરવાની તેમની પદ્ધતિ ફ્રેન્ચ સરકારના કેટલાક અધિકારીઓને માફક આવતી નહોતી. તેને કારણે આવા અધિકારીઓના પ્રયાસથી 1968માં ફ્રાન્સના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આંદ્રે માલરોક્સે આ સરકારી સહાય બંધ કરી દઈને ‘સિનેમાથેક’ના વડા તરીકેના હોદ્દા પરથી લાંગ્લોઇને દૂર કરવાનો પ્રયાસ કર્યો. તેના વિરોધમાં પૅરિસમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. માત્ર ફ્રાન્સના જ નહિ; પણ અમેરિકા, સોવિયેત સંઘ, યુરોપ અને બીજા ઘણા દેશોના ચિત્રસર્જકોએ લાંગ્લોઇને પોતાનું સમર્થન જાહેર કર્યું અને ફ્રેન્ચ સરકારના પગલા સામે વિરોધ વ્યક્ત કર્યો. જો સરકાર લાંગ્લોઇને ‘સિનેમાથેક’ના વડા તરીકે નહિ રહેવા દે તો એ સંગ્રહાલયમાં રખાયેલી ફિલ્મોના હક ધરાવનારાઓએ ચીમકી આપી કે તેઓ તેમના કૉપીરાઇટ હકનો ઉપયોગ કરશે અને લાંગ્લોઇની ગેરહાજરીમાં એ સંગ્રહાલયમાંના એક પણ ચિત્રને ક્યાંય દર્શાવી શકાશે નહિ. ફ્રેન્ચ સરકાર આ દબાણ સામે ઝૂકી ગઈ અને લાંગ્લોઇને એ હોદ્દા પર પુન: નિયુક્ત કર્યા. 1970માં લાંગ્લોઇ 70 ચિત્રો લઈને અમેરિકા ગયા. ત્યાં આ ચિત્રો તેમણે પ્રદર્શિત કર્યાં અને ‘સિનેમાથેક’માં ખાસ અમેરિકન ચિત્રો માટે એક અલાયદી શાખા શરૂ કરવા જાહેરાત કરી હતી. એ માટે તેમણે કામ પણ શરૂ કરી દીધું હતું. પણ એ પૂરું થાય એ પહેલાં જ હૃદયરોગના હુમલામાં તેમનું અવસાન થયું હતું. ચલચિત્ર-વિશ્વને તેમણે કરેલા અસામાન્ય યોગદાન માટે, ચલચિત્રકળા પ્રત્યેની તેમની સમર્પિતતા માટે, તેનો ભૂતકાળ જાળવી રાખવા માટે અને તેના ભવિષ્યમાં અતૂટ શ્રદ્ધા ધરાવવા બદલ તેમને 1973માં માનદ ઑસ્કર ઍવૉર્ડ એનાયત કરાયો હતો.

હરસુખ થાનકી