કૅમ્પસ : દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ રાજ્યની દક્ષિણે આવેલું આગળ પડતું ઔદ્યોગિક શહેર. ભૌગોલિક સ્થાન : 21o 45′ દ. અ. અને 41o 18′ પ. રે.. તે પૅરાઇબા નદીના દક્ષિણ કાંઠા ઉપર સમુદ્રથી 37 કિમી. દૂર વસેલું છે. તેની દક્ષિણે ફૈયા સરોવર આવેલું છે. રિયો-દ-જાનેરો તેનાથી 320 કિમી. દૂર છે. તેની હવા ગરમ અને ભેજવાળી છે. જુલાઈ માસમાં સૌથી વધુ ઠંડી પડે છે અને સરેરાશ તાપમાન 10o થી 20o સે. રહે છે. સરેરાશ વરસાદ 1300 મિમી. પડે છે. શેરડી, તમાકુ, કપાસ, ડાંગર, કૉફી તથા ઉષ્ણ કટિબંધનાં કેળાં, અનનાસ વગેરે ફળોનો મુખ્ય પાક છે. શેરડીનું વાવેતર ઘણું હોવાથી અહીં ખાંડનાં કારખાનાં તથા ગોળની રસીમાંથી આલ્કોહૉલ બનાવવાનાં ઘણાં કારખાનાં છે. બાગાયતી ખેતીને કારણે ફળોને પૅક કરી નિકાસ કરવાનો ઉદ્યોગ પણ વિકસ્યો છે. 1974માં પેટ્રોલિયમ મળી આવતાં શહેરનું મહત્વ વધ્યું છે. વસ્તી : 5,11,168 (2020). તેની સ્થાપના 1730માં થઈ હતી.

શિવપ્રસાદ રાજગોર