કૅમ્પાનીલી : ઉત્તર ઇટાલીમાંનો બેલ ટાવર અથવા મિનારો. સિસિલિયન-નૉર્મન શૈલીમાં છઠ્ઠી સદીમાં દેવળની સાથે એક મિનારાની રચના કરવામાં આવતી હતી. સામાન્ય રીતે આ કૅમ્પાનીલીનો પ્લાન ચોરસ રહેતો. અપવાદરૂપે તે ગોળાકાર પણ જોવા મળે છે. કૅમ્પાનીલી દેવળનાં મહત્વ અને શક્તિનું સૂચક છે. બચાવ-ચોકીનું કામ કરતું કૅમ્પાનીલી જે તે ગામ અથવા શહેરનું સૌથી ઊંચું મકાન ગણાતું. તેના ઉપરથી દૂર દૂર સુધી જોઈ શકાતું. કૅમ્પાનીલી નીચેના ભાગમાં બંધ અને ઉપરના ભાગમાં ખુલ્લો રાખવામાં આવતો. તેની દીવાલો કોઈ પણ ઊપસેલા ભાગ વગર સળંગ સીધી ચણાતી. આ દીવાલોમાંની બારીઓ દ્વારા ઉપર ચડવાની સીડીમાં પ્રકાશ આવતો. જેમ જેમ ઉપર જવાતું તેમ તેમ વધારે બારીઓ મૂકવામાં આવતી અને છેક ઉપરનો માળ ખુલ્લો રખાતો, તેમાં ઘંટ મૂકવામાં આવતો. આ ઘંટ દૂર દૂર સુધી દેખાતો અને તેની ઉપર શંકુ આકારની છત રહેતી. કોઈ પણ દુ:ખી માણસ મદદની આશાથી આ ઘંટ વગાડી શકતો.

કૅમ્પાનીલી

ઇટાલીમાં કૅમ્પાનીલી સાર્વજનિક મકાન હોય છે; પીઝાનો ઢળતો મિનારો પણ એક કૅમ્પાનીલી છે. 1174થી 1271ના ગાળામાં તે દેવળની સાથોસાથ બંધાયો હતો. આ ગોળાકાર કૅમ્પાનીલી 16 મી.નો અને આઠ મજલાવાળો છે. આ ભવ્ય કૅમ્પાનીલીના એક બાજુના પાયા બેસી જવાને લીધે તે ઢળતો થઈ ગયો છે. અત્યારે તેનો ટોચનો ભાગ તેના ઓળંબાથી 4.2 મી. દૂર ખસી ગયો છે.

ફ્લૉરેન્સનો કૅમ્પાનીલી 1334થી 1359 દરમિયાન 14 મી.ના ચોરસ પ્લાન ઉપર 84 મી. ઊંચો બાંધવામાં આવેલો છે. આ કૅમ્પાનીલીના બાંધકામમાં પાછળથી સુધારાવધારા કરાયા છે.

વેનિસના સેન્ટ માર્કના ચૉકમાંનો કૅમ્પાનીલી એક મહત્વનું સ્થાપત્ય ગણાય છે. 99 મી. ઊંચો આ કૅમ્પાનીલી દેવળના સુશોભન સામે એકદમ સાદો લાગે છે. તે આખા ચોકને દિશાનું અનોખું પરિમાણ આપે છે. આ કૅમ્પાનીલીને તેની મૂળ જગ્યાએથી ખસેડીને અહીં સ્થાપવામાં આવેલ છે.

ઇટાલીના બોલોન્યા શહેરમાં ઘણા નાના નાના કૅમ્પાનીલી છે. આમાંના ઘણા મિનારા ઢળતા છે.

મીનાક્ષી જૈન