લ ફાનુ, (જોસેફ) શેરિડન

January, 2004

લ ફાનુ, (જોસેફ) શેરિડન (જ. 28 ઑગસ્ટ 1814, ડબ્લિન, આયર્લૅન્ડ; અ. 7 ફેબ્રુઆરી 1873, ડબ્લિન) : આઇરિશ સાહિત્યકાર. ભૂતપ્રેત અને રહસ્યથી ભરપૂર ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓના લેખક. ભૂતપલીતના નિવાસસ્થાનનું હૂબહૂ ચિત્રણ ઉપજાવવાની તેમની સર્જનકલા વાચકોને ભયભીત કરી મૂકે તેવી છે. તેમનું હ્યૂગ્નોટ કુટુંબ ડબ્લિનમાં ખૂબ જાણીતું હતું. નાટ્યકાર આર. બી. શેરિડન તેમના માતૃપક્ષે સગા થતા હતા. ડબ્લિનની ટ્રિનિટી કૉલેજમાં તેમણે શિક્ષણ લીધું હતું. 1839માં તેઓ બૅરિસ્ટર બન્યા, પરંતુ પત્રકારત્વના રસને લીધે વકીલાત કર્યા વગર જ તેને છોડી દીધી હતી.

સૌપ્રથમ તેમણે આયર્લૅન્ડનાં કથાકાવ્યો (ballads) ‘ફૉડ્રિગ ક્રૂહૂર’ અને ‘શૅમન્સ ઓ’બ્રાયન’ (1837) પ્રસિદ્ધ કર્યાં હતાં. તેમની પ્રથમ નવલકથા ‘ધ કૉક ઍન્ડ અકર’ 1845માં પ્રસિદ્ધ થઈ હતી. ‘બિયેટ્રિસ’ નામનું નાટક પણ તેમણે લખેલું. ‘ધ લીજેન્ડ ઑવ્ ધ ગ્લેવ’ અને ‘સાગ ઑવ્ ધ બૉટલ’ તેમના કાવ્યસંગ્રહો છે.

ભૂતકથા ‘ધ પર્સેલ પેપર્સ’ (188૦) ત્રણ ગ્રંથોમાં પ્રસિદ્ધ થયેલી. વિદ્યાર્થી હતા ત્યારે તેમણે આ પ્રકારની અલૌકિક વાર્તાઓ લખવાની શરૂઆત કરેલી. 1845થી 1873ની વચ્ચે તેમણે 14 નવલકથાઓ પ્રસિદ્ધ કરી હતી. ‘ધ હાઉસ બાય ધ ચર્ચયાર્ડ’ (1863) અને ‘અન્કલ સાઇલસ’ (1864) તેમની જાણીતી નવલકથાઓ છે. ભૂતપ્રેત અને અલૌકિક સૃષ્ટિની કથાઓ તેમણે ‘ડબ્લિન યુનિવર્સિટી મૅગેઝીન’માં પ્રસિદ્ધ કરેલી. આ સામયિકના તેઓ માલિક હતા. તેનું તંત્રીપદ પણ તેમણે 1861થી 1869 સુધી સંભાળ્યું હતું. ‘ઇન અ ગ્લાસ ડાર્કલી’(1872)માં તેમની પાંચ શ્રેષ્ઠ સુદીર્ઘ વાર્તાઓ છે. લ ફાનુ ‘ડબ્લિન ઈવનિંગ મેઇલ’ અને અન્ય પત્રોના માલિક હતા.

વિ. પ્ર. ત્રિવેદી