લદ્દાખ : જમ્મુ–કાશ્મીર રાજ્યનો જિલ્લો. તે રાજ્યના સમગ્ર ઈશાનભાગને આવરી લે છે. ભૌગોલિક સ્થાન : તે આશરે 34° 15´ ઉ. અ.થી 36° 1૦´ ઉ. અ. અને 74° 5૦´ પૂ. રે.થી 8૦° 1૦´ પૂ. રે. વચ્ચેનો 82,665 ચોકિમી. જેટલો (રાજ્યના બાકીના 13 જિલ્લાઓના સામૂહિક વિસ્તાર કરતાં પણ બમણો) વિસ્તાર ધરાવે છે. અગાઉ ચીનના અનધિકૃત કબજા હેઠળના 37,555 ચોકિમી. વિસ્તારનો પણ તેમાં સમાવેશ થતો હતો. રાજ્યનો તે મોટામાં મોટો જિલ્લો છે, જિલ્લાની મધ્યમાં પશ્ચિમ તરફ આવેલું લેહ તેનું જિલ્લામથક છે. 3,529 મીટર ઊંચાઈએ આવેલા ઝોજિલા ઘાટ મારફતે તે કાશ્મીર ખીણ સાથે સંકળાયેલો રહે છે, તેમજ બાહ્ય હિમાલયનો ભાગ બની રહેલો છે.

લદ્દાખ

ભૂપૃષ્ઠ : સિંધુ અને શ્યોક નદીઓ વચ્ચે વાયવ્ય-અગ્નિ દિશાકીય વલણ ધરાવતી, અન્યોન્ય સમાંતર ગોઠવાયેલી પર્વતમાળાઓ આ જિલ્લાનું મુખ્ય ભૂપૃષ્ઠલક્ષણ છે. લદ્દાખનું ભૂપૃષ્ઠ અસમતળ  પહાડી છે. તેની ઊંચાઈ 2,9૦૦ મીટરથી 5,9૦૦ મીટર વચ્ચેની છે, દુનિયાભરમાં આટલી ઊંચાઈએ વસ્તી ધરાવતો આ એકમાત્ર વિસ્તાર છે. હારમાળાઓના આ સમાંતર લક્ષણને અનુલક્ષીને અહીંના ખીણપ્રદેશો અને નદીઓના જળપરિવાહ પણ ગોઠવાયેલા છે. અમુક ભાગોમાં જોવા મળતી વસ્તી સિવાય જિલ્લાનો બાકીનો વિસ્તાર માનવવસ્તીવિહીન –  વેરાન છે, જે તેનું બીજું ભૂમિલક્ષણ છે. અહીંના પર્વતો હિમાચ્છાદિત છે, વિશાળ ખડકાળ રણ અને રેતી છે, મેદાનો પીળી માટીથી બનેલાં છે. તેમની વચ્ચે આવેલાં પેન્કયાંગ અને ત્સોમોરીરી સરોવરો રણદ્વીપો સમાં રળિયામણાં લાગે છે. નદીઓની ધારે ધારે રચાયેલી ફળદ્રૂપ જમીનોમાં માત્ર ખેતરોની હરિયાળી નજરે પડે છે. ટેકરીઓને મથાળે આવેલા સુંદર બૌદ્ધ મઠો ધબકતા જીવનના અસ્તિત્વનો અણસાર આપે છે.

સિંધુ અને શ્યોક અહીંની મુખ્ય નદીઓ છે, પરંતુ સિંચાઈ માટે જરૂરી ઉપલબ્ધ પાણી તેમાંથી મેળવી શકાતું નથી; માત્ર હિમનાળાં જ સિંચાઈ માટેનું પાણી મર્યાદિત માત્રામાં પૂરું પાડે છે.

ખેતી–પશુપાલન : અહીં વસતા લોકોનો જીવનનિર્વાહ મર્યાદિત ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. 8૦ % વસ્તી ખેતી પર નભે છે. વર્ષભર આબોહવા ઠંડી રહેતી હોવાથી ખેતી માત્ર નદીખીણો-નાળાંથી બનતા મેદાની ભાગોમાં અને તે પણ ઉનાળાની ઋતુમાં જ થઈ શકે છે. ઘઉં, જવ, શાકભાજી, સફરજન અને જરદાલુ જેવાં ફળો અહીંના મુખ્ય કૃષિપાકો છે. ઝીણી બાજરી અને તેલીબિયાં ક્યાંક ક્યાંક વર્ષના બીજા પાક તરીકે લેવાય છે. ફળોની ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા રાહતદરે સારું બિયારણ પૂરું પડાય છે. જિલ્લાના વિશાળ ભૌગોલિક વિસ્તારમાં ઢોર અને ઘેટાંબકરાં જેવાં પશુઓનો ઉછેર કરવા માટે પૂરતી તકો છે; જેથી દૂધ, ઈંડાં, માંસ અને ચામડાં મળી રહે. પશમી ઊનધારક બકરાં, યાક, ઝો અને ઝોમ (યાક અને ગાયની સંકર જાતિઓ) તેમજ ઝંસ્કારી ઘોડાં અહીંનાં મુખ્ય પશુઓ છે. ચેન્ગથાંગ (ન્યોમા ઉપવિભાગ), ખાલ્ત્સી અને નોબ્રા – એ પશુઉછેરનાં મુખ્ય સ્થળો છે. ચેન્ગથાંગ પશમી બકરાં માટે ખૂબ જાણીતું છે. અહીંની ઊંચાઈ 4,૦૦૦થી 5,૦૦૦ મીટર વચ્ચેની છે. આ ઉપરાંત બકરાંઉછેરનો વિકાસ થાય તે માટે મોહાઇર ખાતે પ્રયાસ ચાલુ છે. આ માટે યુ.એસ.માંથી આયાત કરેલાં ઍંગોર બક(Angore Bucks)નો બિનપશમી ઊનધારક બકરાં સાથે મેળાપ કરાવી સંકર જાતિ ઉત્પન્ન કરવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે.

ઉદ્યોગ–વેપાર : આ જિલ્લાનું અસમતળ પહાડી ભૂપૃષ્ઠ ઉદ્યોગોની સ્થાપના તેમજ વિકાસ માટે અનુકૂળ નથી, તેમ છતાં લઘુ ઔદ્યોગિક એકમો નાખવાના પ્રયાસો ચાલુ છે. અહીં 222 કરતાં વધુ એકમો સ્થપાયા છે. કારીગરોને વિવિધ ક્ષેત્રે તાલીમ આપીને તૈયાર કરાયા છે. તેમના કૌશલ્ય અને કાચા માલને સાંકળીને નાના એકમોના વિકાસ માટેનું આયોજન થઈ રહ્યું છે. લેહ અને ન્યોમા ખાતે એક એક આ પ્રકારના એકમો નંખાયા છે. તેમાં સિલાઈકામ, ભરતકામ અને શાલવણાટ થાય છે; હોઝિયરી તથા ગાલીચા પણ તૈયાર થાય તેની

લદ્દાખનું વાણિજ્યકેન્દ્ર લેહ

રાજ્ય સરકાર કાળજી રાખે છે. જિલ્લામાં ઊની ગાલીચાનાં બે સ્થળો, જરદાલુ-નિકાસનાં ત્રણ સ્થળો અને ચોખાની આયાતનાં ચાર સ્થળો લેહ ખાતે ઊભાં કરાયાં છે.

આ વિસ્તારના અર્થતંત્રમાં જંગલ-વિકાસ માટેનો ફાળો પણ વિશેષ છે. 82,665 ચોકિમી.ના તેના કુલ વિસ્તાર પૈકી માત્ર 3,૦૦૦ એકરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. વનવિભાગ તરફથી આ કાર્ય ચાલે છે. ભવિષ્યમાં કદાચ આ કાર્યથી લાકડાંની જરૂરિયાત કંઈક અંશે હળવી થશે. આ ઉપરાંત લદ્દાખ ઔષધિમૂલ્ય ધરાવતી વનસ્પતિથી પણ સમૃદ્ધ છે. નદીકાંઠાઓ પર તે ધોવાઈ ન જાય તે માટે જરૂરી રક્ષણપાળા બાંધવામાં આવ્યા છે.

પરિવહન : લેહ નગરથી નોબ્રા ખીણને જોડતો માર્ગ 5,5૦૦ મીટર ઊંચાઈએ ખારડુંગલા ઘાટની હિમનદી પરથી પસાર થાય છે. વાહનો પસાર થાય છે એવો દુનિયાભરમાં વધુમાં વધુ ઊંચાઈ પર આવેલો આ માર્ગ છે. જિલ્લામાં આવેલાં પાંચ વિભાગીય મથકો સડકમાર્ગોથી જોડાયેલાં છે. જિલ્લામાં 87 જેટલા ગ્રામમાર્ગો પૂરા કરવામાં આવેલા છે.

પ્રવાસન : લદ્દાખ જિલ્લાનાં અત્યંત રસપ્રદ જોવાલાયક સ્થળોમાં ગુમ્પાનો સમાવેશ થાય છે. ગુમ્પા એટલે બૌદ્ધ મઠ.

ગુમ્પા એ એક એવું એકાકી સ્થળ છે, જે વસ્તી-વસાહતોથી દૂર બાંધેલું હોય છે. મોટે ભાગે ગુમ્પા મુખ્ય વેપારી માર્ગો પર લેહની નજીક આવેલા છે, જેથી વેપારી પ્રવૃત્તિને વેગ મળતો રહે. પંજાબથી મધ્ય એશિયા વચ્ચે વેપાર ચાલતો રહે તે હેતુ વધુ અગત્યનો છે. આ માર્ગો મુખ્યત્વે તો સિંધુ અને તેની શાખાઓને કાંઠે પસાર થાય છે. સિંધુદર્શન માટે રાજ્ય સરકારે વિશિષ્ટ વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા સંશોધનાર્થે એક વેધશાળા પણ ઊભી કરાઈ છે, જે ભારતમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલી છે.

વસ્તી : 2૦૦1 મુજબ લદ્દાખની વસ્તી 1,17,637 છે. તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ અનુક્રમે આશરે 55 % અને 45 % જેટલું છે.  જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અહીં 85 % અને 15 % છે. અહીં બૌદ્ધધર્મી લોકોની વસ્તી વિશેષ છે. તેમાં નિગ્મપા, દુક્પા, કારગિટ અને સસ્કિયા નામની ચાર જાતિઓ છે. આ ચારેય જાતિઓનો અંતિમ હેતુ નિર્વાણપ્રાપ્તિનો જ હોય છે. અહીંના બૌદ્ધ મઠો ગુમ્પા નામથી ઓળખાય છે, તેમાં મંદિર અને શૈક્ષણિક સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. તેમનાં કદ વિશાળ અને સ્થાપત્ય વિશિષ્ટ શૈલીનું હોય છે, તે બધાં ટેકરીઓને મથાળે બાંધેલાં છે. તેમની દીવાલો પર દંતકથાઓની ઘટનાઓ પ્રતીકાત્મક ચિત્રોથી આલેખવામાં આવેલી છે.

કાશ્મીરી, લદ્દાખી અને ઉર્દૂ આ જિલ્લામાં બોલાતી મુખ્ય ભાષાઓ છે. જિલ્લામાં બૌદ્ધ વસ્તીનું પ્રમાણ વિશેષ છે, મુસ્લિમોનું પ્રમાણ મધ્યમ છે; જ્યારે શીખ, ખ્રિસ્તી તેમજ અન્ય ધર્મોના લોકોની વસ્તી ઓછી છે. વહીવટી સરળતાની દૃષ્ટિએ જિલ્લાનો એક જ તાલુકો ગોઠવ્યો છે. લેહ એ રીતે જિલ્લામથક તેમજ તાલુકામથક તરીકે કામ કરે છે. જિલ્લામાં એક જ નગર તથા 113 ગામડાં આવેલાં છે. અહીં જે કંઈ શહેરીકરણ થયું છે તે માત્ર લેહ પૂરતું જ સીમિત રહ્યું છે.

લદ્દાખની વિશિષ્ટતાઓ : ઉપલબ્ધ માહિતી અનુસાર લદ્દાખ ખાતે અગિયારમી સદીના મૂળ 1૦8 જેટલા બૌદ્ધ મઠ હતા. છેલ્લાં એક હજાર વર્ષથી લદ્દાખ બૌદ્ધ ધર્મના સંસ્કારવાળું રહ્યું છે. અગિયારમીથી સત્તરમી સદીના 51 જેટલા મઠ હજી આજે પણ જળવાયેલા છે. આ વિસ્તારમાં એક વખત જેમની બોલબાલા અને જાહોજલાલી પ્રવર્તતી હતી એવા બૌદ્ધ સાધુઓ અને ભિખ્ખુઓએ એકઠા કરેલા સંગ્રહો અને અવશેષોનો ભંડાર યથાવત્ છે. વળી જેનો વ્યવસ્થિત અભ્યાસ થયો નથી, જેના પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહેલું છે, તેમજ જે પુનરુત્થાન માગે છે, એવા અહીંના મઠોમાં, બહારની દુનિયાના લોકોની જાણમાં નથી કે જોયા નથી એવાં બૌદ્ધ ખજાનાઓ, ઓજારો, કલાસંગ્રહો, ચિત્રો વગેરે છે.

લદ્દાખનું લોકનૃત્ય

બૌદ્ધ ધર્મ જ્યાં પરાકાષ્ઠાએ પહોંચેલો એવા હિમાલય આરપારના વિસ્તાર માટે આ મઠોને જ દસ્તાવેજરૂપ ઘટાવી શકાય તેમ છે. લદ્દાખની કાશ્મીરી બૌદ્ધ પરંપરાનું બારીકાઈથી નિરીક્ષણ થયું નથી. અગિયારમી સદીના બૌદ્ધ રાજવી યેશેઓનાં આદેશ અને વિનંતિથી સાધુ રિનશેન ચાંગપો 32 જેટલા કાશ્મીરી કલાકારોને પોતાની સાથે કાશ્મીરમાં પાછા લઈ આવેલો. તેમનાં ચિત્રો તથા અન્ય સંગ્રહો તત્કાલીન પચરંગી કાશ્મીરી સંસ્કૃતિનું આબેહૂબ અને ભવ્ય ચિત્ર રજૂ કરે છે. આ પૈકીના એક બૌદ્ધ કલાકાર વજ્રાયને હિંદુ પરંપરા મુજબ શૈવ સ્ત્રી સાથે લગ્ન પણ કરેલાં. કાશ્મીર ત્યારે એવો વિસ્તાર હતો જ્યાંથી પંજાબ, તિબેટ, ઈરાન, મધ્ય એશિયાના વેપારી માર્ગો પસાર થતા હતા. અગિયારમીથી સત્તરમી સદીનાં આ મઠોમાં જળવાયેલાં ચિત્રોમાં જે ચીની કાપડ પરની કલા, મૉંગોલિયન અસવારોની દોડધામ, અજન્ટાનાં શિલ્પોની ઝલક જોવા મળે છે તે આકસ્મિક નથી. તેમાં તુર્ક-મૉંગોલ, ઈરાની, સિન્ધુ-આર્ય જાતિઓની સંસ્કૃતિની અસરો રજૂઆત પામેલી છે. આ ખજાનો કલાના ઇતિહાસવિદો માટે લદ્દાખ (કાશ્મીર) કેવું હતું તેનો દસ્તાવેજી પુરાવો પૂરો પાડે છે.

લદ્દાખની ટેકરીઓનાં મથાળાં બૌદ્ધ મઠોથી શોભે છે. બૌદ્ધ ધર્મની અસરવાળી લુપ્તપ્રાય થતી પરંપરાના સંગ્રહ-ખજાનાને ફંફોસીને સંશોધનાત્મક અભ્યાસ થઈ રહ્યો છે. અહીંથી પસાર થતી સિંધુ નદીના કાંઠા પર અગિયારમી સદીનો આલ્શી(Alchi)નો સ્વર્ગ સમો મઠ આવેલો છે. એક બાજુએ સીધાં, ઊંડાં કોતરોવાળી માત્ર 1.5 મીટર પહોળી કેડી પરથી 8 કિમી.નો દુર્ગમ માર્ગ પસાર કર્યા પછી ભેખડ જેવી ટેકરીને મથાળે સુમડા(Sumda)નો મઠ આવેલો છે. એક હજાર વર્ષથી અગાઉના ઇતિહાસને રજૂ કરતો, જેને જોતાં જાણે કે હમણાં ભાંગીને બેસી જશે એવી લાગે તેવી ટેકરીની ટોચ પર સાતમી સદીનો લામાયુરુનો મઠ આવેલો છે. અહીંના તમામ મઠોમાં ફરીને, સંગ્રહો, કલાનમૂનાઓ તપાસીને, નોંધ અને યાદી કરવાના પ્રયાસો અત્યારે ચાલુ છે.

ગિરીશભાઈ પંડ્યા