રૉસબી તરંગો : મોસમવિજ્ઞાનમાં જેટ પ્રવાહના વહનની અક્ષમાં વિકસતું એક એવું મોટું સમમિતીય તરંગણ (undulation) કે જે ઠંડી, ધ્રુવીય (polar) હવાને ગરમ ઉષ્ણકટિબંધીય (tropical) હવાથી અલગ પાડે છે. પોતાના અભ્યાસ દરમિયાન સ્વીડિશ–અમેરિકન મોસમવિજ્ઞાની કાર્લ-ગુસ્તાફ અર્વિડ રૉસબીએ ઉચ્ચતર પશ્ચિમી (westerly) પવનોમાં હવાના દીર્ઘ જ્યાવક્રીય (સાઇનવક્રીય, sinusoidal) તરંગો પારખી તેમના હલનચલન અંગે સમજૂતી આપી હોવાથી આ તરંગોને રૉસબી તરંગો કહે છે. રૉસબીના સિદ્ધાંત મુજબ હવા એવી રીતે ખસે છે કે જેથી તેની નિરપેક્ષ ભ્રમિલતા (absolute vorticity) સંચયિત (conserved) રહે.
જ્યારે ધ્રુવીય હવા વિષુવવૃત્ત તરફ ખસે છે તથા ઉષ્ણકટિબંધીય હવા ધ્રુવો તરફ જાય છે ત્યારે આ તરંગો ઉત્પન્ન થાય છે. વિષુવવૃત્ત તથા ધ્રુવપ્રદેશોને મળતા સૌર વિકિરણમાંના તફાવતને કારણે બે ક્ષેત્રો વચ્ચે તાપમાનનો તફાવત ઉત્પન્ન થતો હોય છે. આથી ગરમી ઓછી ઊંચાઈ(altitude)વાળા ભાગમાંથી વધુ ઊંચાઈવાળા ભાગો તરફ જાય છે. હવાની ગતિને કારણે આમ બને છે. ઉષ્ણકટિબંધીય હવા ગરમીને ધ્રુવો તરફ લઈ જાય છે; જ્યારે ધ્રુવીય હવા વિષુવવૃત્ત તરફ ખસે છે ત્યારે તે ઉષ્માનું અવશોષણ કરે છે.
1940માં રૉસબીએ દર્શાવ્યું કે ઉપલા વાતાવરણમાં પશ્ચિમી પવનોના એકસરખા વહનમાં ઠંડી ધ્રુવીય હવા ગરમ ઉષ્ણકટિબંધીય હવાના સંપર્કમાં આવે છે ત્યારે મોટા પાયા પર તરંગી (undulatory) વિક્ષોભો જોવા મળે છે. ત્યાં આગળ વિકસતા આવા તરંગો ઉષ્મીય પ્રવણતા (gradient) ધરાવતા પરિભ્રમિત તરલનાં અંતર્નિહિત (સહજ, inherent) લક્ષણો હોય છે અને તેમની તરંગલંબાઈ 2,000 કિમી. જેટલી હોય છે. આ તરંગો જ્યારે વધુ સ્પષ્ટ pronounced બને ત્યારે પાશમાં પરિબદ્ધ (enclosed in loops) ઠંડી અને ગરમ હવાના જથ્થા વિખૂટા પડે છે અને તેઓ હળવા દબાણવાળાં ક્ષેત્રોમાં અથવા ચક્રવાત(cyclones)માં અને ભારે દબાણવાળાં ક્ષેત્રોમાં અથવા પ્રતિચક્રવાત(anticyclones)માં ફેરવાય છે.
રૉસબીએ પોતાનાં સંશોધનો દ્વારા બતાવ્યું કે ભૂમંડલીય (global) મોસમ પર પશ્ચિમી પવનોની પ્રબળતાની મોટી અસર પડે છે. મધ્ય અક્ષાંશો(latitude)નું હવામાન ઉત્પન્ન કરવામાં તે અગત્યના છે. કમ્પ્યૂટરની સગવડ પ્રાપ્ત થતાં રૉસબીનું કાર્ય સંખ્યાત્મક મોસમ પ્રાક્કથન(numerical weather prediction)માં અગત્યનું બન્યું છે.
જ. દા. તલાટી