રૉસ, રાલ્ફ (જ. 17 માર્ચ 1885, લુઈવિલે, યુ.એસ.; અ. 16 ઑક્ટોબર 1913 સાન ફ્રાન્સિસ્કો, યુ.એસ.) : અમેરિકાના ઍથ્લેટિક ખેલાડી. 1904 અને 1908માં તેઓ ઓલિમ્પિક રમતોત્સવમાં ગોળાફેંકના ચૅમ્પિયન બન્યા અને 2 સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા; 1912માં તે ગોળાફેંકમાં બીજા ક્રમે રહ્યા. 1912માં તે બે હાથે ફેંકવાના ગોળામાં ત્રીજા સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા; એ ઉપરાંત એ જ વર્ષે ડિસ્ક અને હથોડા-ફેંકમાં રૌપ્ય અને કાંસ્યચંદ્રકના વિજેતા બન્યા.

1907–10 દરમિયાન તેઓ ઍમેટર ઍથ્લેટિક ઍસોસિયેશન(AAU)ના ગોળાફેંકની સ્પર્ધામાં 4 વિજયપદક જીત્યા, તેમજ ડિસ્કના 1905 અને 1909માં તથા ભાલાફેંકમાં 1909માં વિજયપદકો જીત્યા.

તેઓ 1.98 મી. ઊંચાઈ તથા 130 કિગ્રા. વજન ધરાવતા હતા અને કદાવર બાંધાના હતા. 1912માં તેમણે 28.00 (15.39 જમણે અને 12.61 ડાબે)થી બે હાથે ગોળા ફેંકવામાં વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો.

મહેશ ચોકસી