રૉસની જાગીર (Ross Dependency) : રૉસ સમુદ્ર, રૉસ હિમછાજલી અને મેકમર્ડો અખાતી વિભાગને સમાવી લેતો ઍન્ટાર્ક્ટિકાનો ફાચર જેવો વિભાગ. તે 60° દ. અ.થી 86° દ. અ. અને 160° પૂ. રે.થી 150° પ. રે. વચ્ચે આવેલો છે. અહીંના બધા જ ટાપુઓ અને પ્રદેશોનો આ નામ હેઠળ સમાવેશ કરેલો છે. એડ્વર્ડ VII લૅન્ડ, રૉસ સમુદ્ર અને તેના ટાપુઓ, વિક્ટૉરિયા લૅન્ડ આ પ્રાદેશિક વિભાગમાં ગણાય છે. આ પ્રદેશ આશરે 4,14,400 ચોકિમી. જેટલા જળવિસ્તાર અને આશરે 3,37,000 ચોકિમી. જેટલા હિમછાજલી વિસ્તારને આવરી લે છે.

અહીંનાં અગત્યનાં લક્ષણોમાં બરફનાં આશરે 425 મીટરની જાડાઈ ધરાવતાં પડ અને રૉસ હિમછાજલી(રૉસ બૅરિયર)નો સમાવેશ થાય છે. 1957ના જાન્યુઆરીમાં સર એડમંડ હિલેરીની દોરવણી હેઠળ ન્યૂઝીલૅન્ડનું એક અભિયાન થયેલું. તેમણે અહીં એક મથક સ્થાપેલું. 1958ના જાન્યુઆરીમાં હિલેરી અને બીજા ચાર ન્યૂઝીલૅન્ડવાસીઓ દક્ષિણ ધ્રુવના સ્થળે પહોંચેલા.

1976માં અહીં શારકામ કરવામાં આવેલું, ત્યાં સુધી દરિયાઈ જીવન અહીં અસ્તિત્વ ધરાવતું હશે એવી જાણકારી ન હતી. હિમછાજલી હેઠળ દરિયાઈ જીવાણુઓ પ્લાયસ્ટોસીન કાળથી વિક્ષેપરહિત રહેલા હોવાનું જાણવા મળ્યું છે.

સ્કૉટ મથક અહીંનું મુખ્ય મથક ગણાય છે. તે રૉસ ટાપુના પ્રામ પૉઇન્ટ ખાતે આવેલું છે. સામાન્ય રીતે ત્યાં આખુંય વર્ષ માણસોની અવરજવર રહેતી હોય છે. શિયાળા દરમિયાન ત્યાં આશરે 12 માણસો રહે છે. ‘ડ્રાયઆઇસ’ મુક્ત રાઇટ (wright) ખીણમાંના વાંદા મથક ખાતે ઉનાળામાં માણસોની અવરજવર રહે છે. તેમ છતાં સામાન્ય રીતે એમ કહી શકાય કે અહીંના સ્કૉટ મથક ખાતે આવતા-જતા અને થોડોક વખત રોકાતા અભિયંતાઓ સિવાય આખોય પ્રદેશ નિર્જન રહે છે. 1923થી આ પ્રદેશનો વહીવટ ન્યૂઝીલૅન્ડ કરે છે.

જાહ્નવી ભટ્ટ

ગિરીશભાઈ પંડ્યા