રોલેટ ઍક્ટ : ભારતના લોકોના અધિકારો અને સ્વાતંત્ર્ય ઉપર કાપ મૂકતો કાયદો. તે ‘કાળો કાયદો’ તરીકે લેખવામાં આવ્યો હતો. ભારતના ગવર્નર જનરલ લૉર્ડ ચેમ્સફર્ડે (1) ક્રાંતિકારી ચળવળ સાથે સંકળાયેલાં ગુનાઇત કાવતરાંની તપાસ કરીને હેવાલ આપવા તથા (2) આ પ્રકારનાં કાવતરાં સામે પગલાં ભરવામાં આવતી મુશ્કેલીઓ ધ્યાનમાં લઈને કાયદો ઘડવા માટે સરકારને સલાહ આપવા માટે 10 ડિસેમ્બર 1917ના રોજ ન્યાયમૂર્તિ રોલૅટના પ્રમુખપદે એક સમિતિ નીમી. મુંબઈના મુખ્ય ન્યાયમૂર્તિ સર બેસિલ સ્કૉટ, સંયુક્ત પ્રાંતો(હાલનું  ઉત્તરપ્રદેશ)ના બૉર્ડ ઑવ્ રેવન્યૂના સભ્ય સર વર્ની લોવેટ, ચેન્નાઈની હાઈકૉર્ટના ન્યાયમૂર્તિ સી. વી. કુમારસ્વામી શાસ્ત્રી તથા કોલકાતાની હાઈકૉર્ટના વકીલ પ્રભાસચન્દ્ર મિત્ર આ સમિતિના સભ્યો હતા.

આ સમિતિએ ક્રાંતિકારી ચળવળની બાબતમાં ભારતની બ્રિટિશ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલાં હકીકતો તથા આંકડાઓને જ ધ્યાનમાં લીધાં. આ સમિતિએ એપ્રિલ 1918માં તેનો હેવાલ સરકારને આપી દીધો. તેણે લોકોના અધિકારો અને સ્વાતંત્ર્યોનું રક્ષણ કરતો ધારો રદ કરવાની ભલામણ કરી અને લોકોને પોલીસની દયા પર છોડી દીધા. સમિતિની ભલામણોના આધારે સરકારે બે ખરડા ઘડ્યા. તેમાંનો એક કાયદારૂપે પસાર કરવામાં આવ્યો.

રોલૅટ ઍક્ટ તરીકે જાણીતા બનેલા આ કાયદામાં હાઈકૉર્ટના ત્રણ ન્યાયાધીશોની બનેલી ખાસ અદાલત દ્વારા ઝડપથી કેસો ચલાવવાની જોગવાઈ કરવામાં આવી હતી. તે અદાલત ખાનગીમાં કેસો ચલાવી શકે, ઇન્ડિયન એવિડન્સ ઍક્ટ હેઠળ અસ્વીકાર્ય પુરાવાઓને ધ્યાનમાં લઈ શકે તથા તેના ચુકાદા સામે અપીલ થઈ શકે નહિ, એવી જોગવાઈ હતી.

આ કાયદા મુજબ પ્રાંતિક સરકાર સંશયના આધારે કોઈ પણ વ્યક્તિને જામીન આપવાનો અથવા કોઈ ચોક્કસ વિસ્તારમાં જ રહેવાનો અથવા કોઈ કામ ન કરવાનો અથવા પોલીસ સમક્ષ હાજર થવાનો હુકમ કરી શકે.

કોઈ સ્થળની તપાસ કરવાની, વૉરન્ટ વિના શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવાની અને તેને જેલમાં પૂરી રાખવાની પ્રાંતિક સરકારને સત્તા આપવામાં આવી.

પ્રાંતિક સરકાર દ્વારા નીમવામાં આવેલ ત્રણ વ્યક્તિઓની તપાસ સમિતિ સમક્ષ તે વ્યક્તિ હાજર થઈને પોતાનો ખુલાસો કરી શકે, પરંતુ વકીલ રોકવાનો તેને અધિકાર ન હતો.

તત્કાલીન સરકારના મતાનુસાર લોકોનાં જીવન તથા માલમિલકતની સલામતી ખાતર આવી જોગવાઈઓ અતિ આવશ્યક હતી, પરંતુ ભારતના લોકોએ તેનો સખત વિરોધ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોને સારા બંધારણીય સુધારા મળવાની આશા હતી, ત્યારે આ રીતનું પગલું  ખૂબ અનુચિત હતું. લેજિસ્લેટિવ કાઉન્સિલના બધા બિનસરકારી સભ્યોએ તેનો સખત વિરોધ કર્યો. ચાર બિનસરકારી સભ્યોએ તો આ કાયદાના વિરોધમાં રાજીનામાં આપી દીધાં. આ કાયદાનો વિરોધ કરવા દેશમાં અનેક વિરોધસભાઓ યોજવામાં આવી. બંગાળના વિભાજન બાદ, સરકારના પગલા સામે, બધા પક્ષોના બિનસરકારી સભ્યોમાં આવો અદ્વિતીય વિરોધ કદાપિ જોવા મળ્યો ન હતો; પરન્તુ સરકારે જિદ્દી વલણ અપનાવ્યું અને ભૂતકાળના અનુભવમાંથી બોધપાઠ ન લીધો. 18મી માર્ચ 1919ના રોજ રોલૅટ ઍક્ટ પસાર થયો અને 21મી માર્ચના રોજ તે સ્ટૅચૂટ બુકમાં પ્રગટ થયો.

ગાંધીજીએ આ કાયદાને ‘કાળો કાયદો’ ગણાવી તેના વિરોધમાં 30મી માર્ચ 1919ના રોજ દેશવ્યાપી હડતાળ પાડવાનો લોકોને આદેશ આપ્યો હતો. પાછળથી તે તારીખ બદલીને 6 એપ્રિલ કરવામાં આવેલી. તે મુજબ સમગ્ર દેશમાં સખત હડતાળ પાડવામાં આવી. દિલ્હી તથા અમૃતસરમાં પોલીસ અને લોકો વચ્ચે અથડામણ પણ થઈ હતી.

જયકુમાર ર. શુક્લ