રોલાં, રોમાં (જ. 29 જાન્યુઆરી 1866, ક્લેમસી, ફ્રાન્સ; અ. 30 ડિસેમ્બર 1944, વેઝલે) : ફ્રેન્ચ નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર. પૂરું નામ રોમાં એદમે પોલ એમિલ રોલાં. વીસમી સદીના મહાન આધ્યાત્મિક સાધકો પૈકીના એક. 1915માં સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક-વિજેતા. સમકાલીન સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક પ્રશ્નોના ઉકેલ માટે સતત ચિંતિત. ફ્રેન્ચ લશ્કરમાં પ્રવર્તમાન ‘ડ્રેફ્સ અફેર’ નામે જાણીતી યહૂદી લોકોના શોષણની ઘટના, સામ્યવાદ અને ફાસીવાદ સામેનો પ્રચંડ વિરોધ અને યુદ્ધને બદલે શાંતિ માટેની શોધ વગેરે તેમના માટે સતત ચિંતા અને ચિંતનના પ્રશ્નો હતા.

રોમાં રોલાં

14 વર્ષની વયે રોમાં પૅરિસમાં અભ્યાસ અર્થે ગયા. ઇકૉલ નૉર્મેલ સુપિરિયરમાં તેમને પ્રવેશ મળ્યો. આધ્યાત્મિક ક્ષેત્રે તેમણે નરી અવ્યવસ્થા અનુભવી. તેમની ધાર્મિક શ્રદ્ધા તો ભાંગીને ભૂકો થઈ ગઈ. જોકે સ્પિનોઝા અને ટૉલ્સ્ટૉયનાં લખાણોમાં તેમને નવલું દર્શન લાધ્યું. તેમણે સાહિત્ય, સંગીત અને તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો. 29 વર્ષની ઉંમરે બે સંશોધનાત્મક પ્રબંધો લખ્યા. ‘લે ઓરિજિન્સ દુ થિયેતર લિરિક મૉદર્ન’ને ફ્રેન્ચ અકાદમી તરફથી પારિતોષિક અપાયું. ‘કર આર્સ પિક્ચરે અપુદ ઇટાલોસ XVI સેકુલિ દેસિદેરિત’ – એ ઇટાલીની સોળમી સદીની ચિત્રકલા વિશેનો મહાનિબંધ છે.

રોમાં થોડો સમય શિક્ષક રહ્યા. જોકે ‘ઇકૉલ નૉર્મેલ અને સૉર્બોનમાં સંગીતકલાના ઇતિહાસ વિશે અધ્યાપન કરેલું. તેમના સંગીત પરના વિવેચનની નોંધ યુરોપમાં લેવાતી. ‘સમ મ્યૂઝિશિયન્સ ઑવ્ ફૉર્મર ડેઝ’ (1908) સંગીત-વિષય પરના નિબંધો છે. સાથે સાથે તેમણે ‘મ્યુઝિશિયન્સ ઑવ્ ટુ ડે’ (1908) પણ પ્રસિદ્ધ કરેલું. આ નિબંધો દ્વારા સંગીત કઈ રીતે ભાવકને જીવનના મૂળ સ્રોતો સુધી લઈ જાય છે તે સુપેરે દર્શાવ્યું છે. ‘બીથોવન’ (1903), ‘હેન્દેલ’ (1910), ‘ફ્રાન્કોઇ મિલેત’ (1902), ‘માઇકલૅન્જેલો’ (1905–06) અને ‘તૉલ્સ્તૉય’ (1911) તેમણે લખેલાં નોંધપાત્ર જીવનચરિત્રો છે.

‘સેંટ લુઇ’ (1898), ‘અર્ત’ (1898) અને ‘લે ત્રાયૉંફ દ લા રેઝન’ (1899) – ત્રણેય નાટકો ‘લે ટ્રૅજેડિઝ દ લા ફોઈ’ (1909) મથાળા નીચે પ્રસિદ્ધ થયેલાં. પોતાના આદર્શ માટે સર્વસ્વ હોમી દેનાર માણસોને જગતમાં કેટલું બધું હેરાન થવું પડે છે તેનો ચિતાર આ કરુણ નાટકોમાં જોવા મળે છે. ‘થિયેતર દ લા રેવૉલ્યૂશન’(1909)માં ‘લે 14 જ્યુલેત’ (1902), ‘દાન્તોન’ (1900), ‘લે લુપ્સ’(1898)નો સમાવેશ થયો છે. ‘ધ ટાઇમ વિલ કમ’ ટ્રાન્સવાલના યુદ્ધના વિષય પરનું નાટક છે. રોમાંએ પોતાના સ્વપ્નની રંગભૂમિ માટે આ નાટકો રચ્યાં છે. છેક 1900માં ‘ધ પીપલ્સ થિયેટર’માં તેમણે નવી રંગભૂમિના આ વિચારો સ્પષ્ટ કર્યા હતા.

1904થી 1912ના ગાળા દરમિયાન રોમાંએ તેમની મહાન નવલકથા ‘જ્યૉં-ક્રિસ્તૉફ’નું દસ ભાગમાં સર્જન કર્યું. બીથોવન, મોઝાર્ત અને વૅગ્નરનાં ચરિત્રોને ધ્યાનમાં લઈ એક મહાન જર્મન સંગીતકારના જીવનનું ગદ્યમાં લખાયેલું મહાકાવ્ય છે. આ કથાનો નાયક ખૂબ બહાદુર છે અને ખોટી વાતે કદી સમાધાન ન કરતો આત્મા છે. એક પોલીસનું ખૂન કરી તે સ્વિટ્ઝર્લૅન્ડમાં ભાગી જાય છે. પૅરિસ પાછો આવે છે ત્યારે તો તેની કીર્તિ મહાન સંગીતકાર તરીકે ચોગરદમ ફેલાઈ ગઈ છે. આ વિરાટ નવલકથાએ રોમાંને નોબેલ પારિતોષિક અપાવ્યું હતું. આ નવલકથામાં આવતાં ‘પરોઢ’, ‘સવાર’, ‘યુવાની’, ‘બંડ’, ‘બજાર’, ‘પ્રેમ અને મૈત્રી’ જેવા વિષયોનાં વર્ણનો સાહિત્યસર્જનનાં અદભુત દૃષ્ટાંતો છે.

1915માં રોમાંએ ‘એબૉવ ધ બૅટલ’ લખ્યું. રાષ્ટ્રોના હિત કરતાં માનવજાતનું ભાવિ વધારે કીમતી છે એવો તેમનો મત અહીં પ્રગટ થયો છે. યુદ્ધને તે ‘જંગલી લોકોની હિંસા’ કહીને સમૂળગું ધિક્કારે છે. નવલકથા ‘કોલાસ બ્રુગ્નોન’ (1918), નાટક ‘લિલુલી’ (1919) અને ચરિત્ર વિવેચન ‘એમ્પિડોકલ્સ’ (1917) નોંધપાત્ર છે.

‘ધ સૉલ એન્ચેન્ટેડ’ (1922–33) સાત ભાગમાં લખાયેલી નવલકથા છે. રોલાંને ગાંધીજીની ‘અહિંસા’વાળી વાત ખૂબ ગમી ગઈ હતી. 1924માં ‘ગાંધી’નું જીવનચરિત્ર રોમાં લખે છે. ભારત અને બૌદ્ધ ધર્મમાં તેમને વિશેષ રસ હતો. ‘પ્રૉફેટ્સ ઑવ્ ન્યૂ ઇન્ડિયા’(1929–30)માં તેમણે આ વિષય પર લખ્યું છે. ‘ધ ફોર રનર્સ’ (1919), ‘ક્લેરામ્બોલ્ત’, ‘ધ ગેમ ઑવ્ લવ ઍન્ડ ડેથ’ (1925) અને ‘પીગ્વી’ (1944) તેમનાં નોંધપાત્ર સર્જનો છે.

ગોળમેજી પરિષદની સમાપ્તિ પછી ગાંધીજીની ટૂંકી યુરોપયાત્રાનો મુખ્ય હેતુ સ્વિટ્ઝર્લૅન્ડમાં રોમાં રોલાંને મળવાનો જ હતો. રોમાં રોલાં વીસમી સદીના સૌથી મોટા ફ્રેંચ નવલકથાકાર, નાટકકાર, ઇતિહાસજ્ઞ, ફિલસૂફ અને સંગીતશાસ્ત્રી. ગાંધીજીને મળ્યા વિના જ એમણે લખેલા ગાંધીજીના જીવનચરિત્રે તેમને યુરોપ અને પશ્ચિમી દુનિયામાં ઘણી પ્રસિદ્ધિ આપી. રોમાં જિનીવા સરોવરને કિનારે વિલેનૂવ નામના ગામમાં એક બંગલામાં રહેતા હતા. રામકૃષ્ણ, વિવેકાનંદ અને રવીન્દ્રનાથના વિચારોના અભ્યાસુ રોમાં રોલાં પણ ગાંધીજીને મળવા તત્પર હતા. વીસમી સદીના આ બે વિરલ પુરુષો પર આશિષ વર્ષાવતા હોય તેમ એમની બેસવાની જગાની પાછળ જર્મન કવિ ગેટે, બીથોવન, ટૉલ્સ્ટૉય, ગૉર્કી, આઇન્સ્ટાઇન અને રવીન્દ્રનાથ ઠાકુરની પ્રતિમાઓ શોભતી હતી. અલબત્ત, આમાં ગાંધીજીની પણ એક પ્રતિમા હતી. પહેલી મુલાકાતે રોમાં ગાંધીજીને સેંટ ડોમિનિક અને સેંટ ફ્રાંસિસ જેવા લાગેલા. રોમાંએ ગાંધીજીની વિનંતીથી બીથોવનની પાંચમી સિમ્ફનીમાંથી સંગીત સંભળાવેલું. મીરાબહેન જોડે ગાંધીજીનો પરિચય કરાવનાર રોમાં રોલાં જ હતા. રોમાં રોલાંના એક વાક્યે મીરાબહેનના જીવનની દિશા બદલી નાખી. રોમાં રોલાંએ ગાંધીજી વિશે કહ્યું હતું : એ તો બીજા ઈશુ ખ્રિસ્ત છે. આ એક વાક્યે ઇંગ્લૅન્ડના નૌકાદળના અધિકારીની દીકરીને આજના મોહનની ભક્ત બનાવી દીધી હતી. રોલાંને અહિંસા વિશે આકર્ષણ હતું, પણ ગાંધીજી જેવી શ્રદ્ધા નહોતી. બંને વચ્ચે થયેલી વાતચીતમાં મતભેદ હતા, પણ બંને વચ્ચે મનભેદ નહોતો.

જીવનનાં છેલ્લાં વર્ષોમાં રોમાં વેઝલેમાં રહેતા હતા. ‘ચાર્લ્સ પીગ્વી’ના જીવનચરિત્ર પર તેઓ કામ કરતા હતા. બાળપણથી લાગુ પડેલા ક્ષયરોગે તેમનો જીવ લીધો હતો.

વિ. પ્ર. ત્રિવેદી