રોલેન્ડ, ફ્રૅન્ક શેરવૂડ

January, 2004

રોલેન્ડ, ફ્રૅન્ક શેરવૂડ : (જ. 28 જૂન 1927, દેલાવરે, ઓહાયો, યુ.એસ.) : ઓઝોન સ્તરના અવક્ષય (depletion) અંગેના સંશોધન માટે મેરિયો મોલિના અને પૉલ ક્રુટ્ઝેન સાથે 1995ના વર્ષના રસાયણશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા.

અમેરિકન નાગરિક એવા રોલેન્ડે વતનમાં અભ્યાસ કરી 1948માં ઓહાયો વેસ્લિયાન યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ 1951માં તેમણે શિકાગો યુનિવર્સિટીની એમ.એસ. અને 1952માં પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી.

1952–56 સુધી તેઓ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં અને 1956–64 સુધી કૅન્સાસ યુનિવર્સિટીમાં શૈક્ષણિક હોદ્દા ઉપર રહ્યા. 1964માં તેઓ અર્વિનની યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. 1978માં તેઓ નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝમાં ચૂંટાયા.

અર્વિન ખાતે 1970ના દાયકાની શરૂઆતનાં વર્ષોમાં તેઓેએ મોલિના સાથે તેમના સંશોધનકાર્યની શરૂઆત કરી હતી. તેઓએ શોધી કાઢ્યું કે પ્રશીતકો (refrigerents) અને વાયુવિલયોના નોદકો તરીકે વપરાતા ક્લોરોફ્લોરોકાર્બન (CFC) નામનાં માનવસર્જિત રસાયણો વાતાવરણમાં 100 વર્ષ સુધી સ્થાયી રહી શકે છે અને પારજાંબલી કિરણોથી પૃથ્વીને રક્ષણ આપતા ઓઝોન સ્તરના વિઘટનની ક્રિયાને ઉત્તેજિત કરે છે.

રોલેન્ડ અને મોલિનાએ સિદ્ધાંત રજૂ કર્યો કે CFC વાયુઓ સૂર્યનાં કિરણોને શોષી લઈ, સમતાપ-મંડલમાં વિઘટન પામી, ક્લોરિનના પરમાણુઓ અને ક્લોરિન મોનૉક્સાઇડનું વિમોચન કરે છે. આ બંને રસાયણો ઓઝોનના અનેક અણુઓનો નાશ કરે છે. 1974માં ‘નેચર’ નામના સામયિકમાં પ્રસિદ્ધ થયેલ તેમના સંશોધનને કારણે આ પ્રશ્નના અન્વેષણની સરકારી સ્તરે શરૂઆત થઈ. 1976માં નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ તેમની શોધ સાથે સંમત થઈ અને 1978માં યુ.એસ.માં CFC-આધારિત વાયુવિલયોના ઉત્પાદન પર પ્રતિબંધ મુકાયો. 1980ના દાયકાના મધ્યમાં ઍન્ટાર્ક્ટિકા ઉપરના ઓઝોન કવચમાં પડેલ ગાબડાની શોધ દ્વારા તેમના સંશોધનને વધુ સમર્થન મળ્યું. 1987માં મૉન્ટ્રિયલ ખાતે યુનાઇટેડ નેશન્સ દ્વારા ઓઝોન-અવક્ષય કરતા વાયુઓના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવા બાબત આંતરરાષ્ટ્રીય કરાર કરવા માટે વાટાઘાટો થઈ હતી.

પ્રહલાદ બે. પટેલ