રોઝબી, કાર્લ-ગુસ્તાફ (જ. 1898, સ્ટૉકહોમ; અ. 1957) : સ્વીડનના નામાંકિત હવામાનશાસ્ત્રી. તેમણે સ્ટૉકહોમ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. 1919માં તે બર્ગેન જિયોફિઝિકલ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા. 1926માં તેઓ અમેરિકા ગયા અને 1938માં ત્યાંના નાગરિક બન્યા.
1928માં તેઓ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી ખાતે હવામાનશાસ્ત્રના પ્રોફેસર નિમાયા. 1941માં તેઓ શિકાગો ગયા અને 1950માં સ્ટૉકહોમ પાછા ફર્યા.
વાતાવરણના ઉપરના વાયુમંડળમાં પશ્ચિમી પવનોના હવા-પ્રવાહમાં ઉપર-નીચે થતા તરંગો જેવો જે વિક્ષેપ સર્જાતો હતો, તેનું તેમણે મોટા પાયે નિદર્શન કરી બતાવ્યું. હવે આ તરંગો ‘રોઝબી વેવ્ઝ’ તરીકે ઓળખાય છે. તેમણે એ પણ પ્રતિપાદિત કર્યું કે આ પવનોની તાકાતનો વૈશ્વિક હવામાન પર મોટો પ્રભાવ પડે છે. ‘જેટ સ્ટ્રીમ’ શોધી કાઢવાનો યશ પણ તેમને ફાળે જાય છે. તેમની આવી શોધખોળને આધારે જ હવામાનની આગાહી આધુનિક પદ્ધતિથી શક્ય તેટલી શાસ્ત્રીય ચોકસાઈથી કરવાનું શક્ય બન્યું છે.
મહેશ ચોકસી