રોઝનબર્ગ દંપતી

January, 2004

રોઝનબર્ગ દંપતી : જૂલિયસ રોઝનબર્ગ (1918–53) અને ઇથેલ રોઝનબર્ગ (1915–53) (બંનેનો જન્મ ન્યૂયૉર્ક સિટી) : શંકાસ્પદ અમેરિકન જાસૂસ દંપતી. સમગ્ર ઍટલૅંટિક દેશોમાં પથરાયેલી જાસૂસી જાળના ભાગ રૂપે તેઓ કાર્ય કરતાં હતાં એવો આક્ષેપ તેમના પર મૂકવામાં આવ્યો હતો. બ્રિટનમાં ક્લૉસ ફ્યુફ્સના કેસની સુનાવણી દરમિયાન તેમનાં નામ-કામની જાણ થઈ હતી. જૂલિયસ અમેરિકાના સિગ્નલ કોર્પમાં ઇજનેર તરીકે કામ કરતા હતા અને ઇથેલના ભાઈ ડેવિડ ગ્રીનગ્લાસ અણુસંશોધન મથક ખાતે ફરજ બજાવતા હતા. તેઓ બંને ભેગાં મળીને કોઈ વચેટિયા મારફત રશિયાના નાયબ એલચીને અણુવિષયક ગુપ્ત માહિતી પૂરી પાડતા હતા એવો તેમના પર આરોપ મુકાયો હતો. ગ્રીનગ્લાસ પોતે જ સરકારી સાક્ષી બની ગયા અને પોતાની જિંદગી ઉગારી લીધી. રોઝનબર્ગ દંપતીને

રોઝનબર્ગ દંપતી

1951માં દેહાંતદંડની સજા કરવામાં આવી. ગુનો સ્વેચ્છાથી કબૂલ કરવામાં આવે તો તેમની દેહાતદંડની સજા ઘટાડીને આજીવન કારાવાસમાં ફેરવી નાંખવામાં આવશે એવી દરખાસ્ત અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રાધ્યક્ષે તેમની સમક્ષ મૂકી હતી જે તે બંનેએ નકારી કાઢી હતી. પશ્ચિમનાં અનેક રાષ્ટ્રોએ અનેક વિનંતીઓ પાઠવી અને 3 વાર તેમનો વધ થતો મોકૂફ રહ્યો. તેમ છતાં છેવટે સિંગસિંગ જેલ ખાતે તેમની દેહાંતદંડની સજાનો અમલ કરાયો. આ કેસ અંગે ભારે વિવાદ જન્મ્યો હતો. ઘણા લોકોનો એવો મત હતો કે બંને જણાં 1950ના પ્રારંભિક દશકામાં અમેરિકામાં પ્રવર્તેલી રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યાં હતાં.

મહેશ ચોકસી