અમીર મીનાઈ (જ. 21 ફેબ્રુઆરી 1829, લખનૌ, ઉ.પ્ર.; અ. 13 ઑક્ટોબર 1900, હૈદરાબાદ) : ઉર્દૂ ગઝલકાર. મૂળ નામ મુનશી અમીર અહમદ. ‘અમીર’ તખલ્લુસ. પિતાનું નામ કરમ મોહંમદ. લખનૌના સુપ્રસિદ્ધ ઓલિયા હજરત મખદૂમશાહ મીનાઈના તેઓ શિષ્ય હતા. તેથી ‘અમીર મીનાઈ’ના નામે જાણીતા છે.
ઉર્દૂ ગઝલની શિષ્ટ (classical) પરંપરાના અંતિમ ચરણના તેઓ મહત્વના કવિ ગણાય છે. ભાષાશુદ્ધિ, રૂઢિપ્રયોગો અને અલંકારો તેમની કવિતાનાં ખાસ લક્ષણો છે. તેથી મશહૂર કવિ દાગ દહલ્વીની સાથે ‘અમીર’ની ગઝલને પણ ‘સનદ’ તરીકે સ્વીકારવામાં આવે છે. તેમની કવિતા ઉપર સૂફી વિચારધારાનો પ્રભાવ જોવા મળે છે. કોશસાહિત્યમાં પણ અમીર મીનાઈનું ઉલ્લેખનીય યોગદાન છે. તેમણે સંપાદિત કરેલ ‘અમીરુલ્લુગત’ ઉર્દૂ કોશસાહિત્યમાં આજે પણ મહત્વનું સ્થાન ધરાવે છે. હૈદરાબાદના નિઝામ તરફથી ઉદાર નિમંત્રણ મળતાં તેઓ પોતાના અંતિમ દિવસોમાં હૈદરાબાદ રહ્યા હતા.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા