અમીર ખુસરો [જ. 1253, પટિયાળી (ઉ.પ્ર.); અ. ઑક્ટોબર 1325, દિલ્હી] : ‘તૂતી-એ-હિન્દ’ (હિન્દ કા તોતા) નામથી વિખ્યાત ફારસી કવિ અને સંગીતકાર. તેમના પિતા સૈફુદ્દીન મહમૂદ લાચી તુર્ક સરદાર હતા અને તેઓ ઇલ્તુત્મિશના રાજ્યઅમલ દરમિયાન મધ્ય એશિયામાંથી હિંદમાં આવી વસ્યા હતા. ખુસરોનું મૂળ નામ અબૂલહસન હતું અને તેઓ સુપ્રસિદ્ધ સૂફી સંત નિજામુદ્દીન ઓલિયાના પ્રિય શિષ્ય હતા.

અમીર ખુસરો પુખ્ત વયે પહોંચ્યા ત્યારે દિલ્હીમાં ગ્યાસુદ્દીન બલબન તખ્તનશીન હતો. ગ્યાસુદ્દીન બલબનનો પુત્ર સુલતાન મોહંમદ કાઆન મુલતાનનો હાકેમ હતો. અમીર તેની સેવામાં પહોંચ્યા. ત્યાં તેમની મુલાકાત હસન દેહલવી સાથે થઈ. મુલતાનમાં તેઓ પાંચ વર્ષ રહ્યા. હુલાકુખાનના પૌત્ર અરઘુખાનનો ઉમરાવ તૈમૂરખાન વીસ હજારનું સૈન્ય લઈ હિન્દ પર ચડી આવ્યો. તેણે લાહોર અને દિપાલપુર જીતી લીધાં અને મુલતાન ઉપર હુમલો કર્યો. સુલતાન મોહંમદ શહીદ થયો. અમીર ખુસરો અને હસન દેહલવીને બંદીવાન બનાવી બલ્ખ લઈ જવામાં આવ્યા. સુલતાન મોહંમદની શહાદત ઉપર અમીર ખુસરોએ એક શોકકાવ્ય લખ્યું. બે વર્ષ બાદ તાતારીઓથી મુક્તિ મેળવી તેઓ દિલ્હી પહોંચ્યા. પુત્રના શોકમાં ગ્યાસુદ્દીન બલબન પણ મૃત્યુ પામ્યો. તેનો પૌત્ર કૈકોબાદ દિલ્હીની ગાદીએ આવ્યો. તે પુષ્કળ એશઆરામી અને વ્યસની હતો. તેનો પિતા બુઘરાખાન બંગાળનો સૂબેદાર હતો. પુત્રની વિલાસિતાની જાણ થતાં તે મોટું લશ્કર લઈ દિલ્હી તરફ રવાના થયો. બંને વચ્ચે પત્રવ્યવહાર થયો અને સંધિ થઈ. કૈકોબાદે આખી ઘટના કાવ્યસ્વરૂપે લખવા ખુસરોને કહ્યું. અમીર ખુસરોએ છ મહિનામાં ‘કિરાનુસ્સ-સાએદન’ નામે મસનવી લખી. પછી દરબારનો તુર્કી ઉમરાવ મલિક ફીરોઝ શાયસ્તાખાન ખલજી, સુલતાન જલાલુદ્દીન ખલજી તરીકે સિંહાસન ઉપર બેઠો. તે વિદ્વાનો, કવિઓ અને સંગીતકારોનો આશ્રયદાતા હતો. અમીર ખુસરોને અમીરનો ખિતાબ તેણે અર્પણ કર્યો હતો. તેના વિજયોને ‘તાજુલ-ફુતૂહ’ નામે કાવ્યમાં કંડાર્યા. જલાલુદ્દીન પછી અલાઉદ્દીન ખલજી ગાદીએ આવ્યો. તેનો દરબાર પણ કવિઓ અને વિદ્વાનોથી ભરપૂર રહેતો. ‘ખઝાઇનુલફુતૂહ’માં ખુસરોએ તેના વિજયોની વિગતો આપી છે. નિઝામી ગંજવીના ખમ્સાહના જવાબમાં અમીરે પાંચ મસનવીઓ લખી સુલતાનને અર્પણ કરી હતી.

ખલજી વંશની પડતી બાદ તુઘલુક વંશ સત્તાધીશ બન્યો. ગ્યાસુદ્દીન તુઘલુકે પુષ્કળ ધનસંપત્તિ આપીને અમીર ખુસરોની કદર કરી હતી. તેના આભાર રૂપે ‘તુઘલુકનામા’ તેના શાસનકાળના ઇતિહાસ રૂપે તેમણે લખ્યું હતું. ગ્યાસુદ્દીન તુઘલુક સાથે ખુસરો બંગાળની સફરે હતા ત્યારે, તેમના આધ્યાત્મિક ગુરુ નિઝામુદ્દીન ઓલિયાના મૃત્યુના સમાચાર સાંભળ્યા. અમીર દિલ્હી દોડી આવ્યા. ખ્વાજાસાહેબના નામે પોતાની ધનસંપત્તિ ન્યોચ્છાવર કરી દીધી. ગુરુના વિરહમાં ફક્ત છ મહિના જીવતા રહ્યા. ખ્વાજાસાહેબની વસિયત અનુસાર અમીર ખુસરોને તેમના ચરણે દફનાવવામાં આવ્યા હતા.

અમીર ખુસરોને તે સમયના સુલતાનો, હાકેમો અને ઉમરાવો પાસેથી પુષ્કળ માનમરતબો પ્રાપ્ત થયો હતો. સાથે સાથે સૂફીવાદી વિચારો ધરાવનાર આધ્યાત્મિક ગુરુ નિઝામુદ્દીન ઓલિયાનો સથવારો પણ તેમણે પ્રાપ્ત કર્યો હતો. ગુરુના આધ્યાત્મિક શિક્ષણનું પ્રતિબિંબ તેમની શાયરીમાં જોવા મળે છે.

ઝિયાઉદ્દીન બર્નીએ ‘તવારીખે ફીરોજશાહી’માં લખ્યું છે કે, ‘ફારસી શાયરી ઉપર કાબૂ રાખનાર આવો કવિ ભૂતકાળમાં થયો નથી અને હવે થશે નહિ.’ અમીરની કાવ્યપંક્તિઓની સંખ્યા લાખો ઉપર પહોંચે છે. વ્રજભાષા અને સંસ્કૃતમાં પણ તેઓ પારંગત હતા.

અમીરની મુખ્ય કૃતિઓ : પદ્યમાં પાંચ દીવાન : (1) તોહરુતુલ સગર, (2) દીવાને વસ્તુલ-હયાત, (3) દીવાને ઇઝ્ઝતુલ-કમાલ, (4) બકીયા વ નકીયા, (5) નિહાયતુલ-કમાલ. ગદ્ય : (1) અફઝલુલ-રુવાઇદ, (2) એઅજાઝે ખુસરવી, (3) તુઘલુકનામા, (4) ખઝાઇનુલ ફુતૂહ, (5) મનાકિબે હિન્દ, (6) તારીખે દેહલી વગેરે. સંગીતશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર ઉપર પણ તેમની કૃતિઓ છે.

અમીર ખુસરો કવિ ઉપરાંત ઉચ્ચ કોટિના સંગીતજ્ઞ અને ગાયક પણ હતા. તેમણે ભારતીય અને ફારસી ગીતોને આધારે અનેક રાગોની રચના કરી હતી, જેમાં સાજગિરિ, ઉશ્શાક, ઐમન, જીલફ, સરપરદા, બાખરેજ, મુનમ, નિગાર, બસીત, શહાના વગેરે ઉલ્લેખનીય છે. તેમણે ગાવાની ચાર નવી રીતો – કૌલ, એક પ્રકારનો તરાના, કવ્વાલી અને ખયાલ  બતાવી છે. તેમણે દક્ષિણી વીણામાં પરિવર્તન કરીને ચારની જગ્યાએ ત્રણ તારવાળી સિતાર બનાવી છે. કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે તેમણે પખાવજને વચ્ચેથી કાપીને ‘તબલા’નું સર્જન કર્યું હતું. આમ સંગીતમાં પણ તેમનું ચિરંજીવ પ્રદાન છે.

તેમનું વ્યક્તિત્વ અપ્રતિમ હતું. ફારસી, તુર્કી, અરબી અને બીજી અનેક ભારતીય ભાષાઓમાં નિપુણ હતા. તેમણે ‘હિન્દવી-હિન્દી’ની જે કલમ ભારતીય ભાષાઓના બગીચામાં લગાવી તે જ સૂફી ફકીરો અને સાધુસંતો દ્વારા પુષ્પિત-પલ્લવિત થઈને અંતમાં પ્રાન્તીય વ્યવહારની ભાષા બનીને ભારતના સ્વતંત્ર થયા પછી ભારતીય સંઘની રાજભાષાના રૂપમાં પ્રતિષ્ઠિત થઈ છે. આ રીતે ખુસરો ખડી બોલી હિંદીના જન્મદાતા અને હિન્દીના આદિ કવિ કહેવાય છે.

ખુસરોની હિન્દી રચનાઓમાં ‘ખાલિક-બારી’ મુખ્ય છે. કહેવાય છે કે ગ્યાસુદ્દીન તુઘલુકના શાહજાદાને હિન્દી-હિન્દવી શિખવાડવા માટે તેમણે આ કોષની રચના કરી હતી. આનું સંપાદન ઉર્દૂમાં મુહમ્મદ શીરાનીએ તથા હિન્દીમાં શ્રીરામ શર્માએ કર્યું છે. તેમાં 194 પદ છે. આ કોષમાં ‘હિન્દવી’ શબ્દ 30 વાર અને ‘હિન્દી’ શબ્દ 5 વાર પ્રયોજાયો છે. આથી પ્રમાણિત થાય છે કે ‘હિન્દી’નું નામકરણ પણ સર્વપ્રથમ અમીર ખુસરોએ કર્યું હતું. મુહમ્મદ શીરાનીએ ‘ખાલિક-બારી’ને સોળમી શતાબ્દીમાં થઈ ગયેલા ખુસરો શાહની રચના ગણાવી છે, પરંતુ આ માન્યતા સંદિગ્ધ છે; કારણ કે ખુસરોની પેહલી, મુકરી સુખને, દો સુખને, ગીત, ગઝલ વગેરેમાં જે મૌલિક સૂઝબૂજનો પરિચય મળે છે તે ઉપરથી આ રચનાઓ અમીર ખુસરો જેવા અનુભવ-સંપન્ન રસિક વિનોદપ્રિય અને બહુજ્ઞ કવિની જ હોય એમ વિદ્વાનોનું માનવું છે. ખુસરોની હિન્દી-ઉર્દૂ રચનાઓ આજે સુસંપાદિત રૂપમાં ઉપલબ્ધ નથી. તે પ્રકાશિત થવાથી જ ખડી બોલી હિન્દીના આ આદિકવિનું વાસ્તવિક મૂલ્યાંકન થઈ શકે.

હુસેનાબીબી અમીરુદ્દીન કાદરી

અંબાશંકર નાગર