અમીર મુઆવિયા (જ. 602 મક્કા, અરેબિયા; અ. એપ્રિલ 680, દમાસ્કસ) : ઉમૈયા વંશના પ્રથમ ખલીફા. મક્કાના એક સરદાર અબૂ સુફયાનના પુત્ર, પયગંબરસાહેબનાં પત્ની ઉમ્મે હબીબાના ભાઈ, હજરત મુહમ્મદના મંત્રી તેમજ વહી(કુરાનના દિવ્ય સંદેશ)ની નોંધ લખનાર અને પયગંબરસાહેબના દસ સાથીઓમાંના એક. બીજા ખલીફા હજરત ઉમર ફારૂકના સમયમાં તેમને સીરિયાના સૂબેદાર નીમવામાં આવ્યા હતા. આ હોદ્દા ઉપર તેઓ વીસ વર્ષ સુધી રહ્યા. તેઓ ચોથા ખલીફા હજરત અલી સામે સિફીનની લડાઈમાં ઊતર્યા હતા. નિર્માણ કર્યું હતું. તેમના સલાહકારો ઘણા સાહસિક અને ચતુર હતા. હજરત અલીની શહાદત પછી ઈ. સ. 661માં ઇમામહસને તેમને ખિલાફત સોંપી દેતાં તેઓ ખલીફા થયા અને દમાસ્કસને પાટનગર બનાવી ઉમૈયા વંશની સ્થાપના કરી. અમીર મુઆવિયાએ પોતાની ખિલાફતના વીસમા વર્ષે ઈ. સ. 679માં પુત્ર યઝીદને પોતાનો વારસદાર જાહેર કરાવ્યો. અને એ રીતે રાજાશાહીનો આરંભ થયો. મુઆવિયા એપ્રિલ, 680માં દમાસ્કસમાં અવસાન પામ્યા. યઝીદ ખલીફા થયા અને સત્યને માટે હજરત ઇમામહુસેન અને તેમના બોંતેર સાથીઓ શહીદ થયા. કર્બલાના ગમખ્વાર અને હૃદયદ્રાવક બનાવના કારણે હંમેશ માટે ઉમૈયા વંશને નામોશીનો ડાઘ લાગ્યો.

અમીર મુઆવિયા એક ચતુર સાહસિક સરદાર, કુશળ વ્યવસ્થાપક અને મહત્ત્વાકાંક્ષી રાજકર્તા હતા. તેમના શાસનકાળમાં રાજ્યમાં સુખશાંતિ અને આરબવિજયનું સાતત્ય જળવાઈ રહ્યું હતું. તેમના સમયમાં આરબોએ પૂર્વરોમન સામ્રાજ્યના પાટનગર કૉન્સ્ટન્ટિનોપલ ઉપર ચડાઈ કરી હતી.

મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ