રેરડન, રેમંડ (જ. 8 ઑક્ટોબર 1932, ટ્રેડગર, મન્માઉથશાયર, યુ.કે.) : સ્નૂકરના 1970ના દશકાના ટોચના આંગ્લ ખેલાડી. 1970માં બીજા પ્રયત્ને તેઓ વિશ્વવિજયપદકના વિજેતા બન્યા; એ પછી 1973થી ’76 દરમિયાન દર વર્ષે અને 1978માં પણ વિજયપદકના વિજેતાનો એ જ દોર ચાલુ રહ્યો; 1978નું છેલ્લું વિશ્વવિજયપદક તો તેઓ 45 વર્ષ 6 મહિનાની ઉંમરે જીત્યા. એ રીતે તેઓ સૌથી વયસ્ક વિજેતા નીવડ્યા. 1976માં ક્રમપદ્ધતિ (ranking) દાખલ થવાથી તેઓ 1980 સુધી તથા ફરીથી 1982માં વિશ્વના પ્રથમ ક્રમના ખેલાડી રહ્યા. તેમના વિજેતાપદની બીજી મહત્વની સ્પર્ધાઓ તે બેન્સન ઍન્ડ હેજિઝ માસ્ટર્સ (1976) તથા બ્રિટિશ ઓપન (1982). 1969 અને 1979માં તેઓ બીબીસી ટીવી પૉટ બ્લેક ચૅમ્પિયન બન્યા. 1979 અને 1980માં વેલ્સના વિશ્વકપના વિજયમાં તેમણે મુખ્ય ભાગ ભજવ્યો હતો.
તેમને સર્વપ્રથમ મહત્ત્વની સફળતા 17 વર્ષની વયે મળી. 1950થી ’55 દરમિયાન તેઓ સતત વેલ્સ ઍમેટર વિજયપદક જીતતા રહ્યા. છેક 1964માં જ તેઓ ઇંગ્લિશ ઍમેટર ટાઇટલના વિજેતા બન્યા અને 1967માં વ્યવસાયી ખેલાડીની કારકિર્દી અપનાવી. 1985માં તેમને મેમ્બર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર(MBE)નો ખિતાબ અપાયો હતો.
મહેશ ચોકસી