રેમ્સેન, ઇરા (Remsen, Ira) (જ. 10 ફેબ્રુઆરી 1846, ન્યૂયૉર્ક સિટી; અ. 4 માર્ચ 1927, કાર્મેલ, કૅલિફૉર્નિયા) : યુ.એસ.ના રસાયણવિદ અને સૅકેરીનના સહશોધક. કોલંબિયા વિશ્વવિદ્યાલયમાંથી 1867માં એમ.ડી.ની ઉપાધિ મેળવીને મ્યૂનિક તથા ગોટિનબર્ગ, જર્મનીનાં વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કરી 1870માં પીએચ.ડી.ની પદવી મેળવી. રેમ્સેને શુદ્ધ રસાયણશાસ્ત્રમાં તેમનું સંશોધન ટુબીંગન વિશ્વવિદ્યાલયમાં શરૂ કર્યું. અહીં 1870–1872 દરમિયાન તેઓ રૂડૉલ્ફ ફીટિગના સહકાર્યકર રહ્યા. 1872થી 1876 દરમિયાન તેઓ વિલિયમ્સ કૉલેજમાં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક હતા અને બેન્ઝોઇક ઍસિડનાં વ્યુત્પન્નો, ઝાયલીનનું ઉપચયન તથા કાર્બન ડાયૉક્સાઇડ ઉપર સંશોધન કર્યું હતું. 1876માં અમેરિકા પાછા ફર્યા બાદ બાલ્ટિમોરના જૉન હૉપકિન્સ વિશ્વવિદ્યાલયમાં તેઓ જોડાયા અને 1876–1913 દરમિયાન રસાયણના અધ્યાપક, 1876–1908 દરમિયાન રાસાયણિક પ્રયોગશાળાના ડિરેક્ટર, 1887–1901માં ઍકેડેમિક કાઉન્સિલના સેક્રેટરી તથા 1901થી 1913માં વિશ્વવિદ્યાલયના પ્રેસિડન્ટ તરીકે રહ્યા.

રેમ્સેને જર્મન પ્રયોગશાળાની ઘણી રીતો અમેરિકન વિશ્વવિદ્યાલયમાં દાખલ કરી અને વિશ્વવિદ્યાલયમાં સંશોધનની અનિવાર્યતા પર ભાર મૂક્યો. તેમણે ‘અમેરિકન કેમિકલ જર્નલ’ની સ્થાપના કરી અને તેના સંપાદક રહ્યા (1879–1913), તથા આ જર્નલમાં તેમના દ્વારા 1879માં  શોધાયેલા નવા ગળ્યા પદાર્થ સૅકેરીન અંગે સંશોધનકાર્ય પ્રસિદ્ધ કર્યું. ‘પ્રિન્સિપલ્સ ઑવ્ થિયરેટિકલ કેમિસ્ટ્રી’ (1876) એ તેમનું ઉત્કૃષ્ટ પુસ્તક છે.

જ. પો. ત્રિવેદી