રે, રવિ (જ. 26 નવેમ્બર 1926, ભાઉરાગઢ, પુરી જિલ્લો, ઓરિસા) : કેન્દ્ર સરકારના આરોગ્ય અને કુટુંબકલ્યાણ-વિભાગના પૂર્વ મંત્રી અને લોકસભાના પૂર્વ અધ્યક્ષ. તેઓ કટકની રેવનશો કૉલેજમાંથી સ્નાતક થયા, ત્યાં રાજકારણના પ્રથમ પાઠ શીખ્યા, 1948માં કૉલેજના વિદ્યાર્થીમંડળના પ્રમુખ બન્યા. લૉ કૉલેજના અભ્યાસકાળ દરમિયાન ત્યાં પણ તેઓ વિદ્યાર્થીમંડળના વડા બન્યા હતા. કૉલેજના પ્રારંભિક વર્ષમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવાની માંગ કરી તેમણે ધરપકડ વહોરી હતી. તે પછી 1960માં અંગ્રેજી હટાવ આંદોલનમાં, 1967માં રામમનોહર લોહિયાના રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહમાં ભાગ લઈ ધરપકડો વહોરી હતી. ત્યારબાદ પૂર-પ્રભાવિત લોકોના સમર્થનમાં અને અન્ય કારણોસર તેમજ કટોકટી-સમયે એમ અનેક વાર તેમણે ધરપકડ વેઠી હતી.

1957માં તેમણે ઓરિસામાં સમાજવાદી પક્ષ સ્થાપ્યો અને 1960માં અખિલ ભારતીય સમાજવાદી પક્ષના મહામંત્રી બન્યા. 1967માં પુરી વિસ્તારમાંથી અને ત્યારબાદ 1989 અને 1991માં તેઓ લોકસભાના સભ્ય ચૂંટાયા હતા. સંસદમાં તેઓ સંયુક્ત સમાજવાદી પક્ષના સંસદીય જૂથના નેતા વરાયા હતા. 1974થી ’80 દરમિયાન તેઓ રાજ્યસભાના સભ્ય હતા. આમ સુદીર્ઘ સંસદીય કારકિર્દી ધરાવતા નેતા તરીકે તેઓ જાણીતા હતા. તેઓ 1977માં જનતા પક્ષમાં જોડાયા અને પક્ષના મહામંત્રી બન્યા. તેમણે 1989થી ’91 દરમિયાન લોકસભાના અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી.

દેશનાં વિવિધ સામાજિક કલ્યાણ મંડળો સાથે તેઓ સંકળાયેલા હોવા ઉપરાંત ગાંધીવાદી વિચારક તરીકે જાણીતા છે. ઘણાં હિન્દી અને ઊડિયા સામયિકોનું સંપાદન તેમણે કરેલું. 1977માં પ્રેસ કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયાના ચૅરમૅન રહ્યા હતા. 1979માં તેમણે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનિઝેશનના જિનીવા સંમેલનમાં ભારતીય પ્રતિનિધિઓના જૂથનું નેતૃત્વ કર્યું હતું. હરારે ખાતે કૉમનવેલ્થના દેશોના અધ્યક્ષોની પરિષદમાં હાજરી આપેલી. આમ રાજકીય કારકિર્દી ઉપરાંત વિવિધ પ્રવૃત્તિઓ સાથે તેઓ સંકળાયેલા હતા.

તેઓ વાંચવાનો અને ચાલવાનો શોખ ધરાવે છે.

રક્ષા મ. વ્યાસ