રેમી : દ્વિદળી વર્ગમાં આવેલા અર્ટિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Boehmeria nivea (Linn) Gaudich (બં. કંખુરા; આસામી – રહીઆ; નેપાળી – પોઆહ; અં. ચાઇનાગ્રાસ, રેમી, રહીઆ) છે. તે બહુવર્ષાયુ, ગાંઠામૂળી ધરાવતો, રોમિલ અને 2.4 મી. જેટલી ઊંચાઈ ધરાવતો ક્ષુપ છે. તેનું પ્રકાંડ ગોળ હોય છે અને તે નાજુક શાખાઓ ધરાવે છે. રેમી ચીન, મલેશિયા અને જાપાનની મૂલનિવાસી વનસ્પતિ છે અને ભારતના કેટલાક ભાગોમાં વાવવામાં આવે છે. પર્ણો એકાંતરિક, જાડાં, પહોળાં, અંડાકાર કે હૃદયાકાર, અણીદાર, કુંઠદંતી (crenate) કે દંતુર (serrate), ઉપરની સપાટીએથી ખરબચડાં અને નીચેથી સફેદ હોય છે. પુષ્પો નાનાં, લીલાશ પડતાં સફેદ અને શાખિત લઘુપુષ્પગુચ્છો (panicles) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ ચર્મફળ (achene) પ્રકારનું, લંબચોરસ, ચપટું, રોમિલ અને બદામી રંગનું હોય છે.
રેમીની બે અગત્યની જાતો છે. (1) var. niveaની જાત વાસ્તવિક ચાઇનાગ્રાસ છે અને ભારત, ચીન અને તાઇવાનમાં ઉગાડવામાં આવે છે. તેનાં પર્ણો નીચેની સપાટીએથી સફેદ હોય છે અને સમશીતોષ્ણ તથા ઉપોષ્ણ પ્રદેશોમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે અને સારી ગુણવત્તા અને રંગવાળો રેસો ઉત્પન્ન કરે છે. (2) var. tenacissima (Gaudich) Mig.ને ગ્રીન રેમી કે રહીઆ કહે છે અને તે var. nivea અને ગાઢ રીતે સંબંધિત અન્ય જાત સાથેના સંકરણને પરિણામે ઉત્પન્ન થયેલી હોય છે. તે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થાય છે અને મલય દ્વીપકલ્પ, મેક્સિકો અને આફ્રિકાના અલ્જીરિયા અને અન્ય ભાગોમાં તેનું વાવેતર થાય છે. તે મજબૂત અને જાડા રેસાઓનું વધારે ઉત્પાદન આપે છે.
રેમી મુખ્યત્વે ઉપ-હિમાલય અને નીલગિરિની ટેકરીઓ ઉપર ‘વન્ય જાતિ’ તરીકે ઊગે છે. તેની અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ અને પશ્ચિમ બંગાળમાં વાવણી કરવામાં આવે છે. ચીનમાં પ્રાચીન કાળથી રેમી રેસા માટે ઉગાડવામાં આવે છે અને તેનું સૌથી વધારે ઉત્પાદન પણ ચીનમાં થાય છે. ફિલિપાઇન્સ અને બ્રાઝિલ દુનિયાને રેમીનો પુરવઠો પૂરો પાડતા મુખ્ય દેશો છે. જાપાન, ઇન્ડોનેશિયા, મેક્સિકો, ફ્રાન્સ અને યુ.એસ.માં પણ રેમીનું ઉત્પાદન શરૂ થયું છે.
રેમી વિવિધ પ્રકારની પરિસ્થિતિઓમાં સારી રીતે ઊગે છે; પરંતુ ગરમ અને ભેજવાળી આબોહવા તેમજ વર્ષમાં ચોમાસા દરમિયાન એકસરખો અને સરેરાશ 100 સેમી. જેટલો વરસાદ સૌથી અનુકૂળ છે. વાવણીના વિસ્તારમાં ભારે પવનો નુકસાનકારક છે. રેમી સહિષ્ણુ છે અને બધા જ પ્રકારની મૃદામાં થાય છે; છતાં ફળદ્રૂપ, ભરભરી ગોરાડુ, એસિડિક (pH 4.8–6.5), સારા નિતારવાળી, ભેજધારક અને પારગમ્ય (permeable) મૃદા વધારે અનુકૂળ છે; કારણ કે રેમીનાં મૂળ ઊંડે સુધી જતાં હોય છે. આ પાક પાણી ભરાઈ રહેતા વિસ્તારોમાં કે ઠંડા પ્રદેશમાં ટકી શકતો નથી. રેતાળ અને કાળી ચીકણી જમીન આ પાકને અનુકૂળ નથી.
રેમીનું પ્રસર્જન ગાંઠામૂળીના કટકાઓ દ્વારા કરવામાં આવે છે, કેમ કે તેઓ નવી વનસ્પતિ ઝડપથી ઉત્પન્ન કરે છે. કટકારોપણ માટે બે છોડ વચ્ચે 45 સેમી.થી 60 સેમી. અને બે હરોળ વચ્ચે 60 સેમી.થી 90 સેમી. અંતર રાખવામાં આવે છે. પ્રતિહેક્ટરે આશરે 300 કિગ્રા. ગાંઠામૂળી(10 સેમી. થી 15 સેમી.)ની જરૂરિયાત રહે છે. ગાંઠામૂળીનું આરોપણ તેમને ઉખાડ્યા પછી તુરત જ અથવા લગભગ એક અઠવાડિયા સુધી છાંયડામાં સંગ્રહ કર્યા પછી કરવામાં આવે છે. 30થી 40 દિવસના છોડની તંદુરસ્ત શાખાના કટકાઓ (25 સેમી. લાંબા અને ત્રણથી ચાર ગાંઠોવાળા) ચોમાસા દરમિયાન કે વાદળવાળા વાતાવરણમાં રોપવામાં આવે છે. પ્રરોહોને MS (Murashige & Skoog) + NAA (નેફ્થેલિન એસેટિક ઍસિડ) 0.2 મિગ્રા./લી.ના માધ્યમમાં સંવર્ધિત કરી સંપૂર્ણ લઘુઅંકુરો તૈયાર કરી ખેતરમાં ઉગાડવામાં આવે છે. પ્રકાંડ, પર્ણ કે અધરાક્ષ(hypocotyle)ના કેલસનો રેમીના પ્રસર્જનમાં ઉપયોગ કરવામાં આવે છે. સંકરણકાર્ય માટે જ બીજ દ્વારા પ્રસર્જન કરવામાં આવે છે.
રોપણી કાં તો એપ્રિલ–મે દરમિયાન અથવા વર્ષાઋતુના અંત પછી કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળ અને આસામમાં સપ્ટેમ્બર–ઑક્ટોબર દરમિયાન વાવેતર કરવામાં આવે છે. વાવેતર પહેલાં સારી ખેડ કરવામાં આવે છે અને 100 ગાડાં જેટલું છાણિયું ખાતર આપવામાં આવે છે.
એમોનિયમ સલ્ફેટ (90 કિગ્રા. નાઇટ્રોજન), સુપર ફૉસ્ફેટ (30 કિગ્રા. P2O5) અને પૉટાશ (60 કિગ્રા. K2O) પ્રતિહેક્ટરે જમીનની સપાટીએ આપવાથી રેમીનું ઉત્પાદન સારું મળે છે. 150 કિગ્રા./હેક્ટર નાઇટ્રોજન યુરિયાના સ્વરૂપમાં પાંચ સરખી માત્રાએ પ્રત્યેક કાપણી વખતે આપતાં સારાં પરિણામો મળે છે. યુરિયા ઉપર લીમડાનો ખોળ પાથરતાં પર્ણો વધારે સારાં બેસે છે. શુષ્ક ઋતુ દરમિયાન પાકને 10થી 12 દિવસમાં પિયત આપવામાં આવે છે. નીંદામણ માત્ર શરૂઆતના તબક્કામાં જ કરવામાં આવે છે. ઉત્તર ભારતને અનુકૂળ કેટલીક વિકસાવેલી જાતો જેવી કે આર–1449, આર–1452 અને આર–1411ની ભલામણ કરવામાં આવી છે.
રેમીની રોપેલી દરેક ગાંઠથી 8થી 12 જેટલાં થડ વિકાસ પામે છે. પ્રથમ વર્ષનો પાક સારો વિકાસ પામેલો હોતો નથી. તેથી તેને એપ્રિલ મહિનામાં જમીનને અડીને કાપવામાં આવે છે. બીજા વર્ષથી કાપણીની શરૂઆત કરવામાં આવે છે. સાંઠાના પૂરતા વિકાસ બાદ 55થી 60 દિવસના અંતરે ચારથી પાંચ વાર કાપણી કરવામાં આવે છે. પ્રત્યેક કાપણી બાદ જમીન નજીકના થડ ઉપર માટી ચઢાવવામાં આવે છે. જ્યારે મૂળ પૂરેપૂરાં વિકાસ પામે ત્યારે જ કાપણી કરવી હિતાવહ છે. 12થી 18 માસ પછી મૂળની છાંટણી કરવામાં આવે છે. છોડ 5થી 15 વર્ષ સુધી સારી ગુણવત્તાવાળો રેસો આપતી શાખાઓ ઉત્પન્ન કરે છે, ત્યારપછી તેના ઉપર જાડો રેસો આપતી ટૂંકી અને જાડી શાખાઓ ઉદભવે છે.
હાલમાં ‘રેમી રિસર્ચ સ્ટેશન, સોર્ભૉગ (આસામ) દ્વારા ફ્લૉરિડામાંથી પ્રાપ્ત ‘ઈ–50–76’માંથી સંવર્ધન-પસંદગી (clonal selection) તરીકે ‘આર–67–34’ નામની જાત વિકસાવવામાં આવી છે. તે પુષ્કળ પ્રમાણમાં શાખાઓ આપે છે. તેની ઊંચાઈ 1.75 મી.થી 2.00 મી. જેટલી હોય છે અને રેસામાં ગુંદર-દ્રવ્ય લગભગ 21.9 % જેટલું હોય છે, જે અન્ય પ્રમાણિત જાતોની તુલનામાં સૌથી ઓછું છે.
રેમીને અનેક પ્રકારના રોગો અને જીવાતો લાગુ પડે છે. પાનનાં ટપકાં (ercerospora boehmeriae Peck, C. krugiana Muller & Chupp અને Phyllosticta spp) નામની ફૂગ દ્વારા થાય છે. રોપાનો સડો Thanatephorus cucumeris (Frank) Donk, સાંઠાનો સડો Macrophomina phaseolina (Tassi) Goid. Syn. Rhizoctinia bataticola (Taub.), Butler, પર્ણનો સુકારો Alternaria tenuis દ્વારા અને કલિકાનો સડો Myrothecium roridum Tode ex Fr. દ્વારા થતા સૌથી ગંભીર રોગો છે. પાનનાં ટપકાંના રોગનું નિયંત્રણ કૉપર ફૂગનાશકો દ્વારા કરવામાં આવે છે.
પાન કોરી ખાતી ઇયળો (Spodoptera litura Fabr. અને Amasacta moorei Butler) રેમીને તેના સમગ્ર વૃદ્ધિકાળ દરમિયાન ખાય છે અને સમગ્ર છોડનું વિપત્રણ (defoliation) કરે છે. ચૂર્ણિત માંકડ (Phenacoccus hirsutus Green) દ્વારા છોડ વામન બને છે. તેનું આક્રમણ જુલાઈ–ઑક્ટોબર દરમિયાન વધારે પ્રબળ હોય છે. પેરાથિયોન(0.01 %)ના એક છંટકાવથી તેનું નિયંત્રણ થાય છે. કોક્કેફર (cockchafer) ભમરો (Serica lugubris Brenske) રેમીનાં પર્ણોને રાત્રે નુકસાન પહોંચાડે છે.
રેસા માટે ઉગાડેલા રેમીના પાકની લણણી પુષ્પનિર્માણની શરૂઆતમાં કરવામાં આવે છે. જિબ્રેલિનની ચિકિત્સા આપતાં પ્રકાંડની વૃદ્ધિ ઉત્તેજાય છે અને પુષ્પનિર્માણ વહેલું થતું અટકે છે. વાવેતર પછી 75થી 90 દિવસે પ્રકાંડ કે શાખાઓ લણણીયોગ્ય બને છે. વધારે પાકટ શાખાનો રેસો તનન(tensile)-સામર્થ્ય વધારે ધરાવે છે, કારણ કે શાખાનું વધારે લિગ્નીભવન (lignification) થતાં વિવલ્કન (decortication) સહેલાઈથી થઈ શકતું નથી. કાપણી પછી તરત જ શાખાઓની સુકવણી કરવામાં આવે છે, જેથી ફૂગનો ચેપ લાગે નહિ.
ભારતમાં રેમીના રેસાનું ઉત્પાદન મૃદા, આબોહવા અને વરસાદને આધારે લગભગ 500 કિગ્રા.થી 700 કિગ્રા./હેક્ટર જેટલું થાય છે. યુ.એસ., ફિલિપાઇન્સ અને જાપાનમાં ત્રણ કાપણીએ લગભગ 1,000 કિગ્રા.થી 1,800 કિગ્રા./હેક્ટર જેટલું અને પાંચ કાપણીએ 1,800 કિગ્રા. થી 2,800 કિગ્રા./હેક્ટર પ્રતિવર્ષ થાય છે. ‘આર–67–34’ પ્રભેદ દ્વારા 1,600 કિગ્રા. થી 2,000 કિગ્રા./હેક્ટર રેસાનું ઉત્પાદન નોંધાયું છે.
વિવલ્કન કર્યા પછી કાપેલા સાંઠાઓમાંથી રેસા અલગ કરવામાં આવે છે. રેમીમાંથી રેસાઓ શણ કે મેસ્ટાની જેમ સહેલાઈથી મળતા નથી. તાજા સાંઠાઓનું વિવલ્કન કરવાથી સારી ગુણવત્તાવાળો રેસો મળે છે. રેસાઓને અલગ કરવા માટે તેની છાલ હાથ દ્વારા કે સ્થાનિક કે વિકસાવેલ સાધનથી કાઢી નાખવામાં આવે છે. છોલવા માટે ચપ્પુ કે છરીનો ઉપયોગ કરવામાં આવે છે અને પછી સૂકવવામાં આવે છે. ત્યારપછી સાંઠાના છેડાઓ ભાંગીને રેસાઓ કાઢવામાં આવે છે. આ રેસાઓની ઝૂડીઓને પછાડવામાં આવે છે અને ધોવામાં આવે છે, કારણ કે તે છાલના અવશેષો, બાહ્યકીય પેશી અને ગુંદર ધરાવે છે અને પછી સૂકવવામાં આવે છે. દોરી બનાવવા માટે હાથ દ્વારા કાંતણ કરવામાં આવ્યું હોય તો તેનું સ્વચ્છન આવશ્યક છે. સ્થાનિક વિવલ્કનિત્ર (decorticator) LASIS J.A.R.I., બરાકપોર (પશ્ચિમ બંગાળ) દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જે 5–50 પ્રકારના જાપાનના વિવલ્કનિત્ર(decorticator)ની સાથે તુલના કરી શકાય તેવું છે.
અશુદ્ધ રેસાઓમાંથી ગુંદર દૂર કરવા સોડિયમ સલ્ફાઇટ જેવા અપચાયક (reducing agent) ધરાવતા કૉસ્ટિક સોડાના દ્રાવણમાં ઉકાળવામાં આવે છે. રેસાના રંગની સુધારણા માટે કેટલીક વાર ઉપચાયક (oxidizing agent) ઉમેરવામાં આવે છે. ગુંદર દૂર કરવા ગરમ પાણી સાથે આલ્કલી રસાયણ ‘ટ્રાઇ પૉલિફૉસ્ફેટ બફર’નો ઉપયોગ કરવામાં આવે છે. ગુંદર દૂર કર્યા પછી આછા પીળા રેસાને સંપૂર્ણપણે ધોવામાં આવે છે અને ક્લૉરીન કે હાઇડ્રોજન પેરૉક્સાઇડ દ્વારા વિરંજિત કરવાથી રેસો સફેદ બને છે. ત્યારપછી સાબુ, તેલ કે ગ્લિસરીન જેવા મૃદુકારી પ્રક્રિયક(softening agent)ની સારવાર આપવામાં આવે છે અને સૂર્યપ્રકાશમાં કે ખુલ્લી હવામાં સૂકવવામાં આવે છે. ત્યારપછી વ્યાપારિક ઉપયોગ માટે ગાંસડીઓ બનાવવામાં આવે છે.
રેમીનો રેસો ખૂબ ચળકતો, જીવાણુરોધી કવકરોધી (antifungal) હોય છે. તે પુષ્કળ પ્રમાણમાં શોષક (absorbent) હોય છે અને ઝડપથી સુકાય છે. સૂર્યપ્રકાશની હાજરીમાં તેનો રંગ બદલાતો નથી. રેસાની લંબાઈ આશરે 150 મિમી. જેટલી હોય છે. આ રેસા દૃઢોતક તંતુ(sclerenchymatous fibre)ના બનેલા હોય છે. આડા છેદમાં તેઓ જાડી દીવાલવાળા અને ચપટા હોય છે અને તેમનો વ્યાસ 25 માઇક્રૉનથી 75 માઇક્રૉન જેટલો હોય છે. તેનું તનનસામર્થ્ય 17થી 20 ગ્રા. જેટલું હોય છે, જ્યારે કપાસના તંતુનું તનનસામર્થ્ય 7 ગ્રા. જેટલું જ હોય છે. તેનું વિશિષ્ટ ગુરુત્વ 1.50થી 1.55 જેટલું હોય છે. તેના ગુંદરરહિત રેસાનું (શુષ્ક દ્રવ્યને આધારે) રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : સેલ્યુલોસ 83.32 %, જલીય નિષ્કર્ષ 6.90 %, લિપિડ અને મીણ 0.22 %, પૅક્ટિન અને અન્ય આંતરકોષીય દ્રવ્ય 7.51 % અને ભસ્મ 2.05 %. રેસો ઝડપથી રંગ ગ્રહણ કરે છે અને તે કપાસ કરતાં વધારે દૃઢ અને અળસી કરતાં મૃદુ હોય છે.
રેમીનો રેસો નિશ્ચિત આંકથી વધારે કાંતી શકાતો નથી તેથી ટેબલ-ક્લૉથ, ટૉવેલ, ઍપ્રન અને જાડાં વસ્ત્રો બનાવવામાં ઉપયોગી છે. ભારતમાં તેના રેસામાંથી લપેટવાની દોરી, માછલીની જાળ અને લિનન બનાવવામાં આવે છે. પશ્ચિમના દેશોમાં તે ઔદ્યોગિક સીવવાની દોરી, સંવેષ્ટન (packing) અને કૅન્વાસ, છોડને પાણી પાવાની નળીઓ અને ગળણાં જેવી ચીજો બનાવવામાં; રાચરચીલું સજાવવા માટેનું કાપડ, સઢ, શેતરંજી, ગૅસ મેન્ટલ, વિદ્યુતરોધન માટેની અને અન્ય ઘણી વસ્તુઓ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. તે ઊન, સૂતર, રેયૉન અને કૃત્રિમ રેસાઓ સાથે મિશ્ર થઈ શકે છે અને પ્રતિસંકોચક (antishrink) ગુણધર્મ પ્રાપ્ત કરે છે અને તેમની દૃઢતામાં સુધારણા કરે છે. સુતરાઉ રેસાની અછત દરમિયાન તે પૂર્તિ કરે છે અને સુધારેલા વસ્ત્રતંતુઓના ઉત્પાદન માટે કાચો માલ પૂરો પાડે છે. વિવલ્કન કર્યા પછી અને ગુંદર કાઢી નાખ્યા પછી બાકી રહી જતા અવશેષમાંથી સિગારેટના અને ચલણી નોટોના સુંવાળા કાગળો બનાવવાનો માવો તૈયાર કરવામાં આવે છે.
રેમીનાં પર્ણો અને ટોચો અને રેસાના નિષ્કર્ષણની વધારાની નીપજો ઢોર, સૂવર અને મરઘાં-બતકાંના ઉત્તમ ખોરાક ગણાય છે. તે તાજી કે સૂકવીને (રેમીનું ભૂસું) ઢોરોને ખવડાવવામાં આવે છે. રેમીનો ખોળ લાયસિન અને મિથાયોનીનયુક્ત પ્રોટીન (21 %થી 24 %) કેરોટિનૉઇડો, રાઇબોફ્લેવિન અને કૅલ્શિયમનો સારો સ્રોત છે અને મનુષ્યના ખોરાક માટે તેનો લોટ બનાવી શકાય છે. રેમીના ખોરાકનું રાસાયણિક બંધારણ નીચેની સારણીમાં આપેલ છે.
નિર્જલીકૃત પર્ણના ખોળમાં પ્રજીવકોની હાજરી આ પ્રમાણે છે : થાયેમિન 0.31 મિગ્રા., રાઇબોફ્લેવિન 1.1 મિગ્રા., પૅન્ટૉથેનિક ઍસિડ 2.93 મિગ્રા., નાયેસિન 5.6 મિગ્રા. અને કૅરોટિન 13.3 મિગ્રા./100 ગ્રા., તેની ટોચ (લીલા કુશકા) થાયેમિન 0.72 મિગ્રા., રાઇબોફ્લેવિન 1.65 મિગ્રા., કૅરોટિન 30.5 મિગ્રા. અને કોલાઇન 190 મિગ્રા. / 100 ગ્રા. પ્રજીવકો ધરાવે છે. પર્ણોમાં ફ્લેવોનૉઇડ, રહોઇફોલિન અને ઍસ્કૉર્બિક ઍસિડ (300 મિગ્રા./100 ગ્રા.) હોય છે.
બીજમાં શુષ્ક અને અર્ધશુષ્કની વચ્ચેના પ્રકારનું તેલ હોય છે.
રેમીની અન્ય જાતિઓમાં B. macrophylla Hornem. syn. B. platyphylla D. Don (હિં. ગાર્ગેલા, ગઢવાલ ખાક્ષા, કુમાઉં-ખાગ્શી, લૅપ્ચા. તાકસુર), B. rugulosa Wedd. (બં. સેદાન્ગ, ગઢવાલ અને કુમાઉં-ગેન્ટી, નેપાલ-દાર) અને B. scabrella (Roxb) Gaudich. syn. B. platyphylla D. Don var. scabrella (Gaudich) Wedd.નો સમાવેશ થાય છે.
પરેશ હરિપ્રસાદ ભટ્ટ
સુરેશ યશરાજભાઈ પટેલ
બળદેવભાઈ પટેલ