રેમીઝૉવ, ઍલેક્સી મિખાઇલોવિચ

January, 2004

રેમીઝૉવ, ઍલેક્સી મિખાઇલોવિચ (જ. 6 જુલાઈ 1877; અ. 28 નવેમ્બર 1957) : રશિયન કવિ. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં જ તેમની ગણના રશિયાના એક સૌથી મૌલિક કવિ તરીકે થઈ ચૂકી હતી. તેઓ પ્રતીકવાદી ઝુંબેશના વારસદાર હતા. કવિતાની બાનીમાં તેમણે વીસરાઈ ગયેલી ભાષા-અભિવ્યક્તિ તેમજ નવતર શબ્દપ્રયોગો પુનર્જીવિત કર્યાં.

1917માં સામ્યવાદીઓએ સત્તાસૂત્રો સંભાળી લીધાં એ હકીકતને તેમણે દુર્ઘટના લેખી છે. આ અભિપ્રાય તેમના કાવ્યસંગ્રહ ‘ધ લૅ ઑન ધ ડિસ્ટ્રક્શન ઑવ્ ધ રશિયન લૅન્ડ’(1918)માં વ્યક્ત થયો છે; આ ઉપરાંત ‘રશિયા ઇન ટર્મોઇલ’(1921)માં પણ આ પ્રતિભાવ ઝિલાયો છે. વળી તેમાં રશિયન ક્રાંતિનું વેધક શબ્દચિત્ર આલેખાયું છે. 1921માં તેઓ સ્થળાંતર કરીને પૅરિસ ગયા. તેમનું લેખનકાર્ય તો ચાલુ જ રહ્યું; પરંતુ શૈલી અઘરી હોવાને કારણે તેમની કૃતિઓનું વિશાળ પાયે ભાષાંતર ઠીક ઠીક મોડેથી થવા પામ્યું.

મહેશ ચોકસી