રેમિરીઆ : એકદળી વર્ગમાં આવેલા સાયપરેસી કુળની એકલપ્રરૂપી (monotypic) પ્રજાતિ. તે માત્ર Remirea maritima Aubl. નામની જાતિ દ્વારા પ્રતિનિધિત્વ દર્શાવે છે. તેની શોધ બ્રાઝિલ અને ગુયાનાના દરિયાકિનારાના પ્રદેશોમાંથી થઈ હતી. તે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં બધે જ થાય છે. ભારતમાં પશ્ચિમ કિનારાના દરિયાકાંઠે ભરતી વિસ્તારના રેતાળ પ્રદેશોમાં તેનું વિતરણ થયેલું જોવા મળે છે. પૂર્વીય દરિયાકિનારે પણ તેની હાજરી નોંધાઈ છે. ગુજરાતમાંથી ડૉ. સી. કે. શાહે અમદાવાદમાં મેમનગર અને સરખેજ પાસે આ જાતિ મળી આવ્યાનું નોંધ્યું છે.

આ શાકીય જાતિ ભૂમિગત ગાંઠામૂળી ધરાવે છે, જે ઘણી વાર કેટલાક મીટર લાંબી હોય છે. ગાંઠામૂળીની પ્રત્યેક ગાંઠમાંથી નીકળતાં અસ્થાનિક તંતુમય મૂળ રેતીમાં સ્થપાય છે. ગાંઠામૂળીમાંથી 15 સેમી. જેટલી ઊંચાઈ ધરાવતો ટટ્ટાર હવાઈ પ્રરોહ ઉત્પન્ન થાય છે. પર્ણો 2.7 સેમી.થી 7.5 સેમી. લાંબાં, રેખાકાર, દૃઢ (rigid) અને તીખાં હોય છે અને આવરક (sheathing) પર્ણતલ ધરાવે છે. પર્ણકિનારી થોડીક વળેલી હોય છે. પુષ્પવિન્યાસ શૂકિકા (spikelet) પ્રકારનો હોય છે અને પ્રવૃંતની ટોચે મુંડક સ્વરૂપે ગોઠવાયેલો હોય છે. શૂકિકા એકાકી અથવા ત્રણ કે તેથી વધારે શૂકિકાઓ સામૂહિક રીતે ગોઠવાયેલી હોય છે. પ્રત્યેક શૂકિકામાં ચાર તુષનિપત્રો (glumes) આવેલાં હોય છે, તે પૈકી માત્ર એક તુષનિપત્રમાં અપૂર્ણ, અનિયમિત દ્વિલિંગી, અધોજાયી (hypogynous), ત્રિઅવયવી અને પરિપુષ્પવિહીન પુષ્પ હોય છે. પુંકેસરો, 3 મુક્ત અને બહિરાગત હોય છે. પુંકેસરતંતુઓ પહોળા અને ચપટા હોય છે. પરાગાશયો દ્વિખંડી હોય છે અને તેમનું લંબવર્તી સ્ફોટન થાય છે. બીજાશય એક સ્ત્રીકેસરી, એકકોટરીય અને ઊર્ધ્વસ્થ હોય છે અને એક જ અંડક ધરાવે છે. પરાગવાહિની એક અને તલસ્થ ભાગેથી ફૂલેલી હોય છે. પરાગાસનો ત્રણ અને સાદાં હોય છે. ફળ ભૂખરું બદામી કે આછું કાળું, લંબગોળાકાર, બંને છેડેથી સાંકડું અને કાષ્ઠફળ (nut) પ્રકારનું હોય છે. તેની ઉપર સૂક્ષ્મ ઊપસેલાં ટપકાં આવેલાં હોય છે. તે દીર્ઘસ્થાયી તુષનિપત્ર ધરાવે છે. પરાગવાહિનીનો તલસ્થ ફૂલેલો ભાગ ફળ સાથે ચોંટેલો હોય છે.

તે અસરકારક રેતી-બંધક (sand-binder) હોવાથી વનવિભાગ દ્વારા દરિયાકિનારે ઉછેરવામાં આવે છે. તેની ગાંઠામૂળી સંકોચક, મૂત્રલ, સ્વાદે તીખી અને સુરભિત હોય છે. તેનો ઉકાળો સ્વેદજનક (sudorific) અને મૂત્રલ (diuretic) હોય છે. બ્રાઝિલ અને ગુયાનાના કાંઠાના લોકો સુરભિત ગાંઠામૂળીનો આસવ પીએ છે.

જૈમિન વિ. જોશી