કૃષ્ણ–3 (ઈ.સ. 939-967) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી અને પ્રતાપી રાજા. તે અમોઘવર્ષ-3જાનો પુત્ર હતો. અમોઘવર્ષ ધાર્મિક વૃત્તિનો તથા રાજ્યવહીવટમાં રસ નહિ ધરાવતો હોવાથી શક્તિશાળી અને મહત્વાકાંક્ષી યુવરાજ કૃષ્ણે વહીવટ કર્યો. તેણે ગંગવાડી પર ચડાઈ કરી રાજા રાજમલ્લને ઉઠાડી મૂકી, તેના સ્થાને તેના નાનાભાઈ અને પોતાના બનેવી બુતુગને ગાદીએ બેસાડ્યો. કૃષ્ણે ઉત્તર ભારત તરફ વિજયયાત્રા કરીને કાલિંજર તથા ચિત્રકૂટના કિલ્લા કબજે કર્યા. તે પછી પિતાના અવસાન બાદ તે ગાદીએ બેઠો અને તેના બનેવી રાજા બુતુગ સાથે દક્ષિણ ભારતમાં વિજયયાત્રા કરી. તેઓએ ઈ.સ. 943માં કાંચી અને તાંજોર જીતી લીધાં. ઈ.સ. 949માં તક્કોલમ પાસેની લડાઈમાં ચોલ વંશના રાજા રાજાદિત્યને હરાવી મારી નાખ્યો. ત્યાંથી કૃષ્ણ રામેશ્વરમ્ સુધી ગયો અને ત્યાં દરિયાકાંઠે વિજયસ્તંભ ઊભો કર્યો. કૃષ્ણે ટોંડમંડલમ્(હાલનો આરકોટ, ચિંગલપુર અને વેલોર જિલ્લાનો પ્રદેશ)ને પોતાના રાજ્યમાં વિલીન કર્યું. તેણે વેંગીનું ચાલુક્યોનું રાજ્ય પોતાની સત્તા હેઠળ આણ્યું તથા ત્યાંની ગાદી ઉપર ઈ.સ. 956માં, તેના વફાદાર માંડલિક બાડપને બેસાડ્યો.
ઈ.સ. 963માં એણે બીજી વાર ઉત્તર ભારતમાં વિજયયાત્રા કરી. તેમાં ગંગ રાજા બુતુગના વારસ મારસિંહે તેને ઘણી સારી મદદ કરી. તે બુંદેલખંડ સુધી પહોંચી ગયો. ત્યાંથી પરમાર વંશના રાજા સિયકના માળવા પર ચડાઈ કરીને તેને હરાવ્યો અને ઉજ્જૈન જીતી લીધું.
કૃષ્ણ3 રાષ્ટ્રકૂટ વંશના સૌથી શક્તિશાળી રાજાઓમાંનો એક હતો. તે લગભગ આખા દક્ષિણ ભારતનો માલિક હતો. તે ‘સકલ-દક્ષિણ-દિગ્-અધિપતિ’ કહેવાતો હતો. તેણે રામેશ્વરમ્ પાસે કૃષ્ણેશ્વર તથા ગંડમાર્તંડાદિત્યનાં મંદિરો બંધાવ્યાં હતાં, તે સાબિત કરે છે કે દ્વીપકલ્પના દક્ષિણ છેડા પર્યંત તેણે વિજયો મેળવ્યા હતા. કૃષ્ણ3 રાષ્ટ્રકૂટ વંશનો છેલ્લો મહાન શાસક હતો.
રસેશ જમીનદાર
જયકુમાર ર. શુક્લ