રુદ્રકૂપ : તળાવ સ્થાપત્યનું એક અંગ. માનવસર્જિત તળાવોમાં વરસાદનું પાણી લાવવા માટે નીક બનાવવામાં આવતી. આ પાણીમાં ઘન કચરો પુષ્કળ પ્રમાણમાં રહેતો. આવા ઘન કચરાવાળું પાણી તળાવમાં જો સીધું જ ઠલવાય તો તળાવના તળિયે કચરાનો જમાવ થતો. ધીમે ધીમે આ કચરાનો જમાવ વધી જાય તો તળાવનું તળ ઊંચું આવવાથી તેની પાણી સંઘરવાની શક્તિ ઘટી જતી. આ સમસ્યા દૂર કરવા માટે નીક કે નહેર અને તળાવના કાંઠા પાસે રુદ્રકૂપની રચના કરવામાં આવતી. રુદ્રકૂપને નાગધરા પણ કહે છે.

રુદ્રકૂપ

પાટણના સોલંકીકાલીન સહસ્રલિંગ સરોવર અને અમદાવાદના સલ્તનતકાલીન કાંકરિયા તળાવ તથા સરખેજના રોજા પાસેના અહમદસર નામના તળાવ સાથે સંકળાયેલા રુદ્રકૂપ જોવા મળે છે. પાટણના તળાવમાં નહેર અને સરોવરની વચ્ચે ત્રણ રુદ્રકૂપ(નાગધરા)ની રચના હતી. હેમચંદ્રાચાર્યરચિત ‘દ્વયાશ્રય’ અને સ્થાનિક ‘સરસ્વતીપુરાણ’માં સહસ્રલિંગ સરોવરનું વર્ણન કરવામાં આવ્યું છે. સરોવરમાં પાણી કેવી રીતે લાવવામાં આવતું હતું તેની વાત તેમાં કરી છે. નદી તરફના નહેરના મુખભાગે પથ્થરની જાળીવાળાં ગરનાળાંની યોજના હતી. નદીનું પાણી નહેરમાં થઈને ગરનાળામાં દાખલ થતું અને પાણી ગળાઈને ચોખ્ખું થયા પછી રુદ્રકૂપમાં આવતું. પાણીમાંનો કચરો રુદ્રકૂપના તળિયે ઠરી જતો. એ પછી કચરા વિનાનું પાણી બીજા રુદ્રકૂપમાં જતું. અહીં પણ રહ્યોસહ્યો કચરો ઠરતો. તે પછી ત્રીજા રુદ્રકૂપમાં થઈને પાણી ગરનાળાની મારફત સરોવરમાં પ્રવેશતું. આ રીતે ચોખ્ખું થયેલું પાણી સરોવરમાં ભરાતું. પાણીના નિકાલ માટે પણ આવી જ વ્યવસ્થા સરોવરના બીજા છેડે રાખવામાં આવી હતી. કાંકરિયા તળાવમાં બાલવાટિકા તરફના કિનારાએ અલંકૃત રુદ્રકૂપ આવેલો છે. બે પડભીંત(buttress)ની વચ્ચે ત્રણ વર્તુળાકાર માર્ગ બનાવેલા છે. બંને પડભીંતો મસ્જિદમાં જોવા મળતા મિનારા ઘાટની છે. તેમાં બે બે ગવાક્ષોની રચના છે અને તેમાં ચિરાગનાં અલંકૃત સુશોભનો મૂકેલાં છે. પડભીંતોની ટોચે અને ત્રણે માર્ગની ઉપર અલંકૃત કક્ષાસન(પીઠ ટેકવીને બેસી શકાય તેવી પથ્થરની બેઠક)ની રચના છે. તળાવ તરફની રુદ્રકૂપની બાજુ સૂક્ષ્મ કોતરણીથી સુશોભિત છે. સરખેજના રોજાના અહમદ-સર તળાવનો રુદ્રકૂપ પણ આ જ પ્રકારનો છે. પરંતુ તેમાં અલંકરણ ઓછું જોવા મળે છે.

પ્રવીણચંદ્ર પરીખ

થૉમસ પરમાર