રુદ્રટ (નવમી સદી) : સંસ્કૃત અલંકારશાસ્ત્રના લેખક. તેમના નામને આધારે તેઓ કાશ્મીરના વતની જણાય છે. તેમનું બીજું નામ શતાનંદ હતું. તેમના પિતાનું નામ ભટ્ટ વામુક હતું. રુદ્રટ પોતે સામવેદના જ્ઞાની હોવાનો ઉલ્લેખ કરે છે. તેમણે પોતાના ગ્રંથ ‘કાવ્યાલંકાર’ના આરંભમાં ગણેશ અને ગૌરીની અને અંતમાં ભવાની, મુરારિ અને ગણેશની સ્તુતિ કરી છે; તેથી તેઓ શૈવ સંપ્રદાયના અનુયાયી હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે.

તેઓ આચાર્ય ભામહ, દંડી અને વામન પછી થયા હોવાથી 750 પછીનો સમયગાળો તેમનો હોવાનું મનાય છે. વળી આચાર્ય ઉદભટના ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ પર ટીકા લખનાર અને અભિનવગુપ્તાચાર્યના ગુરુ પ્રતિહારેન્દુરાજ રુદ્રટમાંથી ઉદ્ધરણો આપે છે. તેથી તેમનો સમય 950 પહેલાં હોવાનું નિશ્ચિત છે. આમ તેમનો સમય નવમી સદીનો હોવાનું સિદ્ધ થાય છે.

કવિ કાવ્યમાં વાસ્તવવાદી વર્ણનો કરે તેવા અભિગમના તેઓ પક્ષકાર રહ્યા છે. આ અભિગમ આધુનિક ભારતમાં પ્રચલિત છે, પરંતુ તેના પ્રથમ હિમાયતી આચાર્ય રુદ્રટ જણાય છે. તેમણે સૂચવ્યું છે કે કાવ્યમાં કવિએ મનુષ્યો, સમુદ્રો, સપ્તદ્વીપો અને કુલપર્વતોને ઓળંગી જાય તેવું વર્ણન ન કરવું. દેવો પાસે વિમાન વગેરે હોય તેવું વર્ણન કરવું. ગરીબાઈ, રોગ, વૃદ્ધાવસ્થા, ઠંડી અને ગરમીના કારણે નીપજતાં દુ:ખો તથા બીભત્સ વસ્તુ વગેરે ફક્ત ભારતવર્ષમાં જ વર્ણવવાં; એ સિવાય બીજા કોઈ પ્રદેશમાં વર્ણવવાં નહિ. ભારતવર્ષને બાદ કરીને બીજા પ્રદેશોમાં મણિ અને સોનાની બનેલી ભૂમિ, સુલભ હિત, આધિ, વ્યાધિ અને વૃદ્ધાવસ્થા વગરનું લાખ વર્ષનું આયુષ્ય ભોગવનારા લોકો વર્ણવવા. આ સૂચનો રુદ્રટની વિલક્ષણ વિચારસરણીનાં દ્યોતક છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કાવ્યના અલંકારોનું શાસ્ત્રીય વર્ગીકરણ કરવાનો યશ આચાર્ય રુદ્રટને ફાળે જાય છે.

પ્ર. ઉ. શાસ્ત્રી