રુદ્ર : વેદોમાં નિરૂપાયેલા દેવ. રુદ્ર અંતરીક્ષસ્થાનના દેવ છે. ઋગ્વેદના રુદ્ર પાછલા સમયના રુદ્રદેવ કરતાં જુદી જ પદવી ધરાવનાર દેવ છે. ઋગ્વેદમાં માત્ર ત્રણ જ સૂક્તોમાં (1.114, 2.33, 7.46) તેમની સ્તુતિ મળે છે, જ્યારે તેમનો નામોલ્લેખ લગભગ 75 વાર પ્રાપ્ત થાય છે.

રુદ્રદેવ પ્રકૃતિના કયા પદાર્થનું પ્રતિનિધિત્વ કરે છે તે સ્પષ્ટ નથી, પરંતુ रुद्—રડવું ઉપરથી ऱुद्र શબ્દ નિષ્પન્ન થતો દર્શાવાય છે તથા પ્રજાપતિએ ઉત્પન્ન કરેલ કુમાર જન્મથી જ રડવા લાગ્યો તેથી ‘રુદ્ર’ નામ પડ્યું એમ સમજાવાય છે. વેબરના મતે તે ‘તોફાનનો દેવ’ તથા હિલેબ્રાન્ટને મતે ‘ગ્રીષ્મકાળનો દેવ’ છે, જ્યારે શ્રૉડરની દૃષ્ટિએ મૃતાત્માઓમાં પ્રધાન વ્યક્તિને રુદ્રદેવ કહે છે.

ઋગ્વેદમાં રુદ્ર અગ્નિનું પ્રતીક છે. અગ્નિની ઉપર જતી જ્યોતના આધારે રુદ્રના ઊર્ધ્વ લિંગની તથા અગ્નિને વેદીમાં રાખી ઘીની આહુતિ અપાય છે, તે પરથી જલાધારીની વચ્ચે રહેલ રુદ્ર પરના જલાભિષેકની કલ્પના કરી હોવાનું શક્ય છે. અન્ય વેદોમાં તો રુદ્રનું સ્પષ્ટત: અગ્નિરૂપે વર્ણન મળે છે.

રુદ્રના દૈહિક ગુણોમાંના વર્ણનમાં સુદૃઢ હાથપગ, સુંદર હોઠ, વેણીયુક્ત સુંદર કેશ, ભૂરો વર્ણ, બળવાન શરીર, સુવર્ણસમાન પ્રદીપ્ત ને સૂર્યસમાન જાજ્વલ્યમાન તેજસ્વી રૂપના નિર્દેશો મળે છે. પછીના સાહિત્યમાં તેમને સહસ્રનેત્ર, કૃષ્ણવર્ણના પેટવાળા, રક્તવર્ણની પીઠવાળા, નીલગ્રીવ, નીલકેશ, તામ્રવર્ણ તથા દેદીપ્યમાન આકૃતિવાળા કહ્યા છે.

રુદ્રદેવને મહાઅસુર પણ કહ્યા છે. તેઓ ભયંકર હિંસક વનના પશુ જેવા વિકરાળ ને વિનાશક છે. તેઓ મહાન શક્તિશાળી વૃષભ છે. તેઓ દ્રુતગામી, અધૃષ્ય, યુવાન ને અજર છે તથા બુદ્ધિમાન, મેધાવી ને ઉદાર છે.

મરુતોના પિતા તરીકે તથા ત્ર્યમ્બક, શિવરૂપે તેમનો નિર્દેશ અનેક વાર મળે છે. આ ‘શિવ’ નામ પછીથી તો ‘રુદ્ર’ના જ નામ તરીકે રૂઢ થયું છે. તે ઉપરાંત, પાછળથી તો તેમને માટે ‘શર્વ’, ‘ભવ’, ‘પશુપતિ’ જેવાં નામ પણ પ્રયોજાયાં છે.

તેમનાં આયુધોમાં વજ્ર, વિદ્યુત, ધનુષ, શીઘ્રગામી ને શક્તિશાળી એવાં અનેક બાણ, શસ્ત્ર, ગદા વગેરેનો નિર્દેશ છે. તેમનો એક ધનુર્ધર તરીકે ઉલ્લેખ પણ મળે છે. દેવો પણ તેમનાં ધનુષબાણથી ભયભીત થતા હોવાનું નિરૂપાયું છે.

તેમનાં કાર્યો અનેકવિધ છે. તેઓ યોદ્ધાઓ પર શાસન કરે છે. ગર્જના કરતાં તેઓ સર્વ પદાર્થોને ભીંજવે છે. પર્વતોમાં રહેલ નદીના જલનો પ્રવાહ તેઓ ઉત્પન્ન કરે છે. તેઓ ઉપકારી ને કલ્યાણકારી છે અને ભક્તોને વિપત્તિમાંથી ઉગારી તેમનું મંગલ કરે છે. તેઓ પોતાની ઉપાસના કરનારાઓનું સર્વદા કલ્યાણ સાધે છે, પરંતુ પોતાને ન માનનારાઓને તેઓ બાણોથી છિન્નભિન્ન કરે છે.

તેમને કરાતી પ્રાર્થનાઓમાં તેમના ભયંકર બાણના ભયમાંથી તથા તેમના ઉગ્ર કોપમાંથી બચવાની ઇચ્છા, તેમના ક્રોધને ઓછો કરવાની ભાવના, દુ:ખમાંથી ઉગારવાની વિનંતી અને સુખ આપવાની વિનવણી તથા ક્રોધવશ થઈને તેઓ તેમની ગદાથી પ્રહાર ન કરે તે માટેની અપેક્ષા વ્યક્ત થઈ છે.

આમ અગ્નિ–ઇન્દ્ર વગેરે દેવો કરતાં અતિ અલ્પ મહત્વ ધરાવનાર રુદ્ર આમ તો ઋગ્વેદમાં એક ગૌણ દેવતા છે, પરંતુ ઋગ્વેદ પછી યજુર્વેદ, અથર્વવેદમાં તેમનું સ્થાન મહત્વપૂર્ણ બનેલું જોઈ શકાય છે.

જાગૃતિ પંડ્યા