વૂડવર્ડ, રૉબર્ટ બર્ન્સ (જ. 10 એપ્રિલ 1917, બૉસ્ટન, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 8 જુલાઈ 1979, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : સંકીર્ણ કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે જાણીતા, 1965ના વર્ષના નોબેલ. અમેરિકન રસાયણવિદ. નાની ઉંમરેથી જ તેઓ રસાયણશાસ્ત્ર તરફ આકર્ષાયેલા. 1933માં 16 વર્ષની ઉંમરે તેઓ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં દાખલ થયા પણ ફ્રેશમૅન(પ્રથમ વર્ષ)માં તેઓ નાપાસ થયા; પરંતુ પછીથી સખત અભ્યાસ અને મેધાવી બુદ્ધિપ્રતિભાથી તેમણે 1936માં બી.એસ.(B.S.)ની અને એક વર્ષ બાદ 20 વર્ષની ઉંમરે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તે પછી તેઓ હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં જોડાયા અને ત્યાં જ સ્થાયી થયા. તેમનું મુખ્ય કાર્ય કાર્બનિક રસાયણમાં રહ્યું, પરંતુ તેમનું સૌથી મોટું પ્રદાન સંકીર્ણ કુદરતી સંયોજનોના સંશ્લેષણ અંગેનું છે. કાર્બનિક સંશ્લેષણના સૌથી મોટા સ્થપતિ (architect) તરીકે તેમનું નામ અમર થઈ ગયું ગણાય છે. તેમણે સંશ્લેષણ કરેલાં સંયોજનોમાં ક્વિનાઇન (1944), કોલેસ્ટેરોલ (1951), કોર્ટિસોન (1951), લાઇસર્જિક ઍસિડ (LSD) (1954), સ્ટ્રિકનીન (1954), રેસર્પિન (1956), ક્લૉરોફિલ (1960), ટેટ્રાસાઇક્લિન પ્રતિજૈવિકો (1962) તથા વિટામિન B12 (cyanocobalamin) (1971) મુખ્ય છે. આમાં વિટામિન B12(સાયનોકોબાલેમિન)નું સંશ્લેષણ સ્વિસ રસાયણજ્ઞોના સહકાર દ્વારા 10 વર્ષે સફળતાને પામ્યું.
સંકીર્ણ કુદરતી નીપજોની સંરચના અંગે વૂડવર્ડ સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિઓ ઉપયોગમાં લઈ પેનિસિલીન (1945), પેટ્યુલિન (patulin) (1948), સ્ટ્રિકનીન (1947), ઑક્સિટેટ્રાસાઇક્લીન (1952), સેવાઇન (1954), કાર્બોમાયસિન (1956), ગ્લિયોટૉક્સિન (1958), ઇલિપ્ટિસીન (1959), કેલિકેન્થાઇન (1960), ઓલિયેન્ડોમાયસિન (1960), સ્ટ્રૅપ્ટોનિગ્રિન (1963) અને ટેટ્રોડૉટૉક્સિન(1964)ની સંરચના તારવી.
તેમના દરેક સંશોધનમાં સંશ્લેષણ અંગેની આગવી સૂઝ, કૌશલ્ય અને સુઘડતા દ્વારા મૂળ અટપટા તથા જટિલ સંયોજનોને તેમણે જાણીતાં સાદાં સંયોજનો વાપરી અનેક રાસાયણિક સોપાનો દ્વારા સંશ્લેષિત કરી બતાવ્યાં. સંશ્લેષણની સરળ રીતો અજમાવવામાં તેમની આગવી આવડત દેખાઈ આવે છે; દા. ત., સ્ટ્રિકનીનનું સંશ્લેષણ 50 સોપાનો દ્વારા કરવામાં આવેલું. 1965માં તેમણે રોઆલ્ડ હૉફમૅન સાથે ‘પેરિસાઇક્લિક પ્રક્રિયાઓ’ તથા તેના દ્વારા બનતાં નવાં નવાં યોગશીલ સંયોજનો અંગેના નિયમો રજૂ કર્યા છે, જે વૂડવર્ડ-હૉફમૅન નિયમો તરીકે ઓળખાય છે.
વૂડવર્ડની યાદશક્તિ અદ્ભુત ગણાતી તથા કાર્બનિક રસાયણનું તેમનું જ્ઞાન સંગીન હતું. તેઓ મજાકી સ્વભાવના હતા. હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના રસાયણ વિભાગમાં 1941માં જોડાયા બાદ તેમના સહકાર્યકર વિલિયમ ડૂઅરિંગ (Doering) સાથે તેમણે 1944માં ક્વિનાઇનનું સંશ્લેષણ કરી બતાવ્યું. 1947માં એવું જ બીજું સંશોધન પ્રોટીન સદૃશો (analogs) અંગે કર્યું.
1950માં તેઓ હાર્વર્ડમાં રસાયણના પ્રાધ્યાપક તથા 1960માં ડોન્નર પ્રોફેસર ઑવ્ સાયન્સ બન્યા.
1963માં સિબા (Ciba) કંપનીએ તેમના માનમાં બેઝલ (સ્વિટ્ઝર્લૅન્ડ) ખાતે વૂડવર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરતાં તેમણે કેમ્બ્રિજ અને બેઝલ એમ બંને સ્થળોએ સંશોધન અંગે માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું હતું.
એમના મૃત્યુ અગાઉના છેલ્લા દિવસોમાં તેઓ ઇરિથ્રૉમાઇસીનના સંશ્લેષણમાં મગ્ન હતા. 1967થી 1975 દરમિયાન કૉર્નેલ વિશ્વવિદ્યાલયના તેઓ રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક તથા મૃત્યુ સુધી તેના માનાર્હ (emeritus) પ્રાધ્યાપક રહ્યા. તેમને મળેલી માનદ પદવીઓ, વિવિધ દેશોના રસાયણશાસ્ત્ર અંગે ફેલો તરીકેની યાદી તથા ઉદ્યોગોમાં સલાહકાર તરીકેની યાદી ઘણી વિસ્તૃત છે. કાર્બનિક સંશ્લેષણના કૌશલ્યમાં અતિવિશિષ્ટ પ્રદાન માટે રસાયણનું 1965નું નોબેલ પારિતોષિક તેમને આપવામાં આવેલું.
જ. પો. ત્રિવેદી