વૂડવર્થ, રૉબર્ટ એસ. (. 17 ઑક્ટોબર 1869, બેલચરટાઉન, મૅસેચ્યુસેટ્સ, અમેરિકા; . 4 જુલાઈ 1962, ન્યૂયૉર્ક) : વિશ્વપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક. પ્રાયોગિક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં એક પ્રતિભાશાળી સંશોધક, સંયોજક તરીકે તેમની લાંબી કારકિર્દી હતી. પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં થયેલા અનેક સંશોધનલેખો ખંત, ચીવટ અને પ્રમાણભૂત માહિતીથી તૈયાર કરી તેમણે મનોવિજ્ઞાનમાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. તેમણે પ્રારંભિક શિક્ષણ બેલચર ટાઉનમાં અને ઉચ્ચ શિક્ષણ શિકાગોમાં આવેલી હાર્વર્ડ યુનિવર્સિટીમાં લીધું. આ જ યુનિવર્સિટીમાંથી તેમણે ઈ. સ. 1897માં તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન વિષયમાં એમ. એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને ત્યાંના જ પ્રાધ્યાપક જે. એમ. કેટલના માર્ગદર્શન હેઠળ ‘ધી એક્યુરસી ઑવ્ વૉલન્ટરી મૂવમેન્ટ’ વિષયમાં મહાનિબંધ લખી પીએચ.ડી.ની પદવી ઈ. સ. 1899માં મેળવી. અહીં જ તેમણે એફ. બૉસના માર્ગદર્શન હેઠળ મનોવિજ્ઞાનના અભ્યાસમાં સહાયરૂપ જરૂરી માનવનૃવંશશાસ્ત્ર તથા આંકડાશાસ્ત્રનો વ્યવસ્થિત અભ્યાસ પણ કર્યો. માનવવર્તનની સમજૂતી મેળવવા શરીરવિજ્ઞાનનું જ્ઞાન જરૂરી લાગવાથી ન્યૂયૉર્કમાં રહી એફ. બૉવ્ડિચના માર્ગદર્શન હેઠળ શરીરવિજ્ઞાનનો પણ અભ્યાસ કર્યો. આમ, તેમણે જરૂરી સંબંધિત વિદ્યાઓનો અભ્યાસ કરી પોતાના જ્ઞાનનું વિસ્તરણ પણ કર્યું.

ઈ. સ. 1900માં એડિનબર્ગમાં તેમણે શરીર-મનોવૈજ્ઞાનિક શેફર સાથે કામ કર્યું. ત્યાર બાદ 1902માં પ્રખ્યાત શરીર મનોવૈજ્ઞાનિક શેરિંગ્ટનના મદદનીશ તરીકે સેવાઓ આપી. તે સમયે જર્મનીમાં વુઝબર્ગ સંપ્રદાયની બોલબાલા હતી. આ માટે ત્યાંના જાણીતા મનોવૈજ્ઞાનિકોને મળવા 1912માં જર્મનીનો પ્રવાસ ખેડ્યો. બૉનમાં તેઓ મનોવૈજ્ઞાનિક કુલપે(Klpe)ને મળ્યા અને લિપઝિગ યુનિવર્સિટીમાં પ્રોફેસર વિલ્હેમ વુન્ટની પણ તેમણે મુલાકાત લીધી.

ઈ. સ. 1903માં તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં જે. એમ. કેટલના સહાયક તરીકે જોડાયા અને ત્યાંથી 89 વર્ષની ઉંમરે નિવૃત્ત થયા.

તેમણે મનોવિજ્ઞાનના વિષયમાં આશરે 400 જેટલા સંશોધનપત્રો અને અનેક ગ્રંથો આપ્યાં છે. તેમણે રચેલા ગ્રંથો આજે પણ દેશવિદેશની વિવિધ યુનિવર્સિટીઓમાં મનોવિજ્ઞાનના આધારગ્રંથ તરીકે સ્થાન પામ્યા છે. 1911માં લેડ જી. ટી. સાથે તેમનું પ્રથમ પુસ્તક ‘એલિમેન્ટસ્ ઑવ્ ફિઝિયૉલૉજિકલ સાઇકૉલોજી’ પ્રગટ થયું હતું. 1918માં તેમનું સ્વતંત્ર પુસ્તક ‘ડાઇનેમિક સાઇકૉલોજી’ અને 1921માં બીજું પુસ્તક, ‘સાઇકૉલોજી : ઇન્ટ્રોડક્ટરી મૅન્યુલ’ પ્રકાશિત થયું, જેની 1947 સુધીમાં પાંચ આવૃત્તિઓ થઈ હતી. 1938માં તેમનું ‘એક્સ્પેરિમેન્ટલ સાઇકૉલોજી’ પ્રકાશિત થયું, જેની પ્રશિષ્ટ સંવર્ધિત આવૃત્તિ શ્ર્લોશબર્ગ હેરોલ્ડની સાથે 1954માં પ્રગટ થઈ. હવે આ પુસ્તકની ભારતીય આવૃત્તિઓ પણ પ્રગટ થઈ છે. તેમનો આ ગ્રંથ પ્રાયોગિક મનોવિજ્ઞાન શીખવતા અધ્યાપકો, સંશોધકો તથા વિદ્યાર્થીઓ માટે આધારગ્રંથ છે.

1950માં તેમણે મનોવિજ્ઞાનના વિવિધ સંપ્રદાયો અને વિચારધારાઓને લક્ષમાં લઈ ‘‘કન્ટેમ્પરરી સ્કૂલ્સ ઑવ્ સાઇકૉલોજી’ નામનો ગ્રંથ રચ્યો; જેની ત્રીજી સંવર્ધિત આવૃત્તિ તેમના અવસાન બાદ તેમની શિષ્યા મેરી શીહન દ્વારા પ્રકાશિત થઈ હતી. 1958માં તેમનો છેલ્લો ગ્રંથ ‘ડાઇનેમિક્સ ઑવ્ બિહેવિયર’ પ્રગટ થયો, ત્યારે તેમની ઉંમર 89 વર્ષની હતી. આ ગ્રંથમાં તેમણે ગતિશીલ મનોવિજ્ઞાનનાં વિશિષ્ટ દૃષ્ટિબિંદુઓ રજૂ કર્યાં છે. તેમના દ્વારા જ કાર્યવાદી વિચારધારામાં ગતિશીલ મનોવિજ્ઞાનનો પ્રવેશ થયો છે. તેમણે રચનાવાદ અને કેટલેક અંશે તો શિકાગોના કાર્યવાદનો વિરોધ કર્યો હતો. તેમના સમયમાં ‘પ્રેરણા’નો અભ્યાસ મનોવિજ્ઞાનમાં કેન્દ્રસ્થાને હતો. ‘માનવીને શું લાગે છે ?’ અથવા ‘તેનું વર્તન કેવું છે ?’ તે વિશેના અભ્યાસ કરતાંયે ‘માનવી અમુક પ્રકારે વર્તન શા માટે કરે છે ?’  તેના મૂળમાં જવાની વાત મહત્વની હતી. તેમણે જ વર્તનની સમજૂતી માટે ઉદ્દીપક-પ્રતિક્રિયાની વચ્ચે રહેલી ખૂટતી કડી પૂરી પાડી હતી. કેવળ ઉદ્દીપક પ્રક્રિયાના યુંગવાદી સૂત્રને સ્થાને તેમણે ઉદ્દીપક-વ્યક્તિ-પ્રતિક્રિયા (ઉ-વ્ય-પ્ર)  એ સૂત્ર વર્તનની ઉચિત સમજૂતી માટે આપ્યું.

તેમણે મનોવિજ્ઞાનના દરેક સંપ્રદાયમાંથી ઉત્તમ સારી બાબતો લઈ તેમાં જરૂરી સંશોધનો કરી નવી સંકલ્પનાઓ આધુનિક સ્વરૂપે રજૂ કરી છે. તેઓ કોઈ એક સંપ્રદાયને વળગી રહ્યા નથી. તેમણે ગતિશીલ મનોવિજ્ઞાનને પોષક એવા વર્તનની સમજૂતીનાં પરિબળો શોધ્યાં.

મનોવિજ્ઞાનમાં તેમની અમૂલ્ય સેવાની કદરરૂપે ઈ. સ. 1956માં અમેરિકન સાઇકોલૉજિકલ ફાઉન્ડેશન તરફથી સૌથી પહેલો સુવર્ણચંદ્રક તેમને એનાયત થયો હતો.

શાંતિલાલ છ. કાનાવાલા