વૂડફૉર્ડિયા : દ્વિદળી વર્ગમાં આવેલા લિથ્રેસી કુળની એક પ્રજાતિ. તેની એક જ જાતિ, Woodfordia fruiticosa (ધાવડી, ધાતકી), ભારત, માડાગાસ્કર, શ્રીલંકા, ચીન  અને સુમાત્રાથી ટીમોર સુધીના ઉષ્ણ પ્રદેશોમાં મળી આવે છે. તે નદીની ભેખડો કે રસ્તાની આસપાસ ઊગે છે.

તે મધ્યમ કદનું ક્ષુપ છે. તેનાં પર્ણો સંમુખ, ક્વચિત્ ભ્રમિરૂપ (whorled), અંડાકાર અને રોમમય હોય છે. પુષ્પો કેસરી-લાલ રંગનાં, એકાકી કે 2થી 15ના જૂથમાં કક્ષીય શુકી(spike)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. વજ્ર 6 વજ્રપત્રોનું બનેલું અને નલિકાકાર હોય છે. દલપુંજ 6 દલપત્રોનો બનેલો હોય છે અને દલપુંજના તલભાગે મધુનો સંગ્રહ થાય છે; જેમાં જીવાણુઓ અને યીસ્ટ એકત્રિત થાય છે. પુંકેસરો 12 હોય છે અને વજ્રનલિકા પર ગોઠવાયેલાં હોય છે. બીજાશય દ્વિકોટરીય હોય છે અને તેઓના પ્રત્યેક કોટરમાં ઘણાં અંડકો હોય છે.

પર્ણો અને પુષ્પો ટેનિનયુક્ત હોવાથી રંગકામમાં વપરાય છે. છાલમાં 20.0 %થી 27.0 % ટેનિન હોય છે.

શુષ્ક પુષ્પો આયુર્વેદિક ઔષધ તરીકે વપરાય છે. તેનો આસવ-અરિષ્ટમાં આથવણની પ્રક્રિયા લાવવામાં ઉપયોગ થાય છે. સુથારી સાધનોના હાથા બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તેનો ગુંદર કપડાં પર આર ચઢાવવામાં ઉપયોગી છે.

મીનુ પરબીઆ

દિનાઝ પરબીઆ