વિહાર (વિભાવના) : બૌદ્ધ ભિક્ષુઓનું નિવાસસ્થાન. ‘વિહાર’ શબ્દનો એક અર્થ થાય છે ‘એક સ્થળેથી બીજે સ્થળે જવું’ અને બીજો અર્થ થાય છે ‘નિવાસસ્થાન’. આજનું ‘બિહાર’ રાજ્ય એ શબ્દ બૌદ્ધ ‘વિહાર’ સાથે સંબંધિત છે. બુદ્ધપદ પ્રાપ્ત કર્યા પછી ગૌતમબુદ્ધે ધર્મ-ચક્ર-પ્રવર્તનને માટે ઉરૂવેલા (બોધિગયા), ઋષિપત્તન (સારનાથ), રાજગૃહ, કપિલવસ્તુ, શ્રાવસ્તી, વૈશાલી વગેરે સ્થળોએ વિહાર કર્યો. ઘણી જાતક કથાઓના પ્રસ્તાવમાં ‘જ્યારે બુદ્ધ જેતવનમાં વિહાર કરતા હતા ત્યારે’ એવો ઉલ્લેખ આવે છે.
ભગવાન બુદ્ધનો એક મોટો અનુયાયી વર્ગ શ્રેષ્ઠીઓનો હતો. અનાથપિંડિક એનું ઉત્તમ ઉદાહરણ છે. ચુલ્લવગ્ગમાં બુદ્ધ અનાથપિંડિકને કહે છે : ‘વિહાર દાન એ સર્વમાં શ્રેષ્ઠ દાન છે, કારણ કે તેને લીધે ભિક્ષુની સમાધિમાં વરસાદ, તડકો, હિંસક પશુ વગેરે અંતરાયો આવતા નથી. તેથી સુજ્ઞ ઉપાસકે યથાશક્તિ વિહાર કરાવી ત્યાં વિદ્વાન ભિક્ષુઓને રહેવાની સગવડ કરી આપવી અને તેમને યથાશક્તિ અન્નદાન દેવું.’ ઉપર જે જેતવનનો ઉલ્લેખ છે તે શ્રાવસ્તી નગરીમાં દાનવીર અનાથપિંડિકે અઢાર કરોડ સુવર્ણમહોરના ખર્ચે ખરીદેલ જેતવનના ઉપવનમાં બંધાવેલો વિહાર એમ સ્પષ્ટ થાય છે. એવી રીતે રાજગૃહના વેણુવનનો કપિલવસ્તુના ન્યગ્રોધ આરામ(ઉપવન)નો, વૈશાલીના મહાવનનો ને એવા બીજા ઉપવનોના ઉલ્લેખો જોવા મળે છે.
પહેલાં ભગવાન બુદ્ધે ચોમાસામાં ભિક્ષુઓએ એક જ સ્થળે રહેવું એવો નિયમ કર્યો ન હતો. તેથી ભિક્ષુઓ ચોમાસામાં પણ એક સ્થળેથી બીજે સ્થળે ધર્મોપદેશ કરતા ફરતા હતા. આથી લોકો ટીકા કરવા લાગ્યા કે જ્યારે બીજા પરિવ્રાજકો ચોમાસામાં એક સ્થાને રહે છે ત્યારે બૌદ્ધ પરિવ્રાજકો લીલા ઘાસને પગ તળે કચરતાં અને જીવજંતુઓની હિંસા કરતાં વિચરતા રહે છે. આ વાત બુદ્ધના કાને આવી. તેમણે બૌદ્ધ ભિક્ષુઓ માટે પણ વર્ષાઋતુમાં એક સ્થાને જ રહેવાનો નિયમ કર્યો. અષાઢી પૂનમ યા શ્રાવણી પૂનમના બીજા દિવસથી ત્રણ મહિના સુધી યાત્રા, વિચરણનો નિષેધ કરવામાં આવ્યો અને તે દરમિયાન ભિક્ષુએ એક આવાસમાં જ રહેવું એવો આદેશ કર્યો. જોકે એમાં કેટલાક અપવાદો રાખ્યા હતા ખરા.
ભિક્ષુઓની સંખ્યાવૃદ્ધિ અને વિહારોની સમૃદ્ધિની સાથે ભિક્ષુસંઘના સંગઠનમાં પરિવર્તન આવતું ગયું. તેથી બુદ્ધે જુદા જુદા પ્રસંગોએ ભિક્ષુઓના અનુશાસન માટે નિયમો (શિક્ષાપદો) ઘડ્યા. આ નિયમોનો સંગ્રહ ધર્મવિનય યા વિનય કહેવાય છે. મહાપરિનિર્વાણસૂત્રમાં વજ્જિઓના સાત અત્યાજ્ય ધર્મોનો ઉલ્લેખ છે. ભિક્ષુઓના અત્યાજ્ય ધર્મોમાં એક મહત્ત્વનો ધર્મ છે આરણ્યક શયનાસન. આ ધર્મ એકાન્તવાસનું માહાત્મ્ય દર્શાવે છે. ભિક્ષુસંઘમાં પહેલાં એકાન્તવાસનું પ્રાધાન્ય હતું. પરંતુ પછી ક્રમશ: સહવાસનું પ્રાધાન્ય થતું ગયું. એકાકિતાનું સ્થાન આવાસિકતાએ લઈ લીધું. આ પરિવર્તનના કારણ તરીકે ભગવાન બુદ્ધના સાહચર્યની ઉત્કંઠા તેમજ ભિક્ષુઓની સંખ્યાવૃદ્ધિને ગણાવી શકાય. દર પૂનમે વિહારમાં બધા સાધુઓ એકઠા મળે ને ત્યાં દરેક વારાફરતી સંઘ પાસે આવી એ માસ દરમિયાન થયેલી પોતાની ભૂલો વર્ણવે. પોતાના ધ્યાનબહાર કોઈ દોષ રહી જતા હોય તો સંઘને પણ પૂછે તેવો રિવાજ હતો અને છે. એને ‘ઉપોસથ’ કહે છે. બુદ્ધ પોતે પણ દર પૂનમે, જ્યાં હોય ત્યાં સૌની જેમ સાધુઓ સન્મુખ ઊભા રહેતા ને પૂછતા, ‘સાધુઓ, મારા કહેવામાં ને વર્તવામાં કોઈ દોષ તમારી નજરે છે ખરો ? સંઘે મને કાંઈ કહેવા જેવું છે ખરું ?’ આમ તથાગત પોતે સૌ નાનામોટા સાધુઓ પાસે ઊભા રહીને મુક્તપણે વાત કરતા. બૌદ્ધોની સંઘવ્યવસ્થા સારી હતી. પ્રતિબંધક અને વિધેયક બંને પ્રકારના નિયમોથી સંઘને દૃઢ કરવામાં આવ્યો હતો.
કેટલાક બૌદ્ધ વિહારોએ શિક્ષણકેન્દ્ર તરીકેનું કામ પણ કર્યું છે. કાશ્મીરનો જયેન્દ્રવિહાર બૌદ્ધશિક્ષણનું એક અભ્યાસ માટે મહત્ત્વનું કેન્દ્ર હતું. કુમારજીવ જેવા પ્રસિદ્ધ વિદ્વાનને તથા ભારતમાં આવેલ હ્યુએન-ત્સાંગને આકર્ષેલ. શ્રીલંકામાં વિહારના ઉત્સવમાં અલસંદના સાધુઓ અને શ્રાવકો આવતા હતા. વિક્રમશીલા વિદ્યાપીઠના વિદ્યાર્થી જાવામાં ભણવા જતા હતા. તિબેટનો રાજા નાલંદા વિદ્યાપીઠમાંથી યોગ્ય શિક્ષકોને પોતાના રાજ્યને સંસ્કારી બનાવવા આમંત્રતો હતો. જેમ ઉત્તર ભારતમાં નાલંદા વિદ્યાપીઠે (મહાવિહાર) મહત્ત્વનો ભાગ ભજવ્યો છે, તેવી જ રીતે વાયવ્યમાં આવેલી તક્ષશિલા વિદ્યાપીઠે પણ ઘણો મોટો ભાગ ભજવ્યો છે.
ભિક્ષુસંઘની સ્થાપના અને એનો વિકાસ એ બૌદ્ધ ધર્મનું રસપ્રદ અને મહત્ત્વનું પાસું છે. વિશ્વના ઇતિહાસમાં વિદ્યાપ્રસાર અને જ્ઞાનવિકાસને માટે જે કાર્ય ભિક્ષુસંઘે કર્યું છે તેને માટે સમગ્ર માનવજાત ઋણી રહેશે. ભારતમાંનાં નાલંદા, વલ્લભી, વિક્રમશીલા જગદ્લ, ઉદંતપુરી જેવાં વિશ્વવિદ્યાલયો ઉપરાંત ભિક્ષુસંઘે તુંગ-હુ-આન (ચીન), કલ્યાણી (મ્યાનમાર), શ્રીવિજય (જાવા), સુખોદય (થાઇલૅન્ડ) વગેરે અનેક સુદૂરનાં સ્થળોએ વિદ્યાકેન્દ્રો સ્થાપ્યાં હતાં. બ્રાહ્મણ શિક્ષણપદ્ધતિમાં ગાર્હસ્થ્યના વાતાવરણની આવદૃશ્યકતા હોવાથી ગુરુગૃહો વિસ્તૃત બની મોટાં વિશ્વવિદ્યાલયોનું રૂપ ન લઈ શક્યાં, જ્યારે બૌદ્ધ પદ્ધતિમાં તો ભિક્ષુવિહારો વિશ્વવિદ્યાલયોનું રૂપ સહેલાઈથી લઈ શક્યાં અને શિક્ષણ અનેક શિક્ષકોની સાંઘિક વિદ્યાસેવાની સંસ્થા બની ગયું. મોટાં મોટાં વિહારવિદ્યાલયોમાં હજારો અધ્યાપકો અને વિદ્યાર્થીઓ એકસાથે રહી શકતા હતા.
ચીમનલાલ વલ્લભરામ રાવલ