વિસ્ફોટકો (explosives)

પોતાનામાં ઘણા મોટા જથ્થામાં સંગૃહીત ઊર્જાને એકાએક મુક્ત કરીને મોટા પ્રમાણમાં સંપીડિત (દાબિત, compressed) વાયુઓ ઉત્પન્ન કરતા અથવા તીવ્ર પ્રસારપ્રક્રિયા દ્વારા પોતાની કરચો(fragments)ને મોટા અવાજ સાથે ભારે બળ કે વેગથી ફેંકતા પદાર્થો કે પ્રયુક્તિઓ (devices). વિસ્ફોટ (explosion) એ તીવ્ર પ્રસારપ્રક્રિયા હોઈ તેમાં પદાર્થે પોતે રોકેલા કદ કરતાં અનેકગણા મોટા કદમાં ઉદ્ભવતા વાયુનું પ્રસરણ થાય છે. તેમાં વાયુ પ્રતિરોધિત (confined) સ્થાનમાંથી એકાએક ઝડપી ગતિથી ફેલાય છે. મૂળ કદ(આયતન)માં ઘણી વૃદ્ધિ સાથેનો આ પ્રસાર પ્રકાશ, પ્રઘાત, ઉષ્મા વગેરે સ્વરૂપે પ્રગટ થાય છે. વ્યાપારી વિસ્ફોટકો ખનન (mining), બાંધકામ, ધાતુકર્તન, ભૂભૌતિક અન્વેષણ, ટનેલ તથા બંધ બાંધવા જેવા હેતુઓ માટે ઉપયોગી છે. યુદ્ધમાં વિસ્ફોટકોનો ઉપયોગ મહદ્અંશે વિનાશક હેતુઓ માટે થાય છે.

વિસ્ફોટકોના ત્રણ ભાગ પાડવામાં આવે છે : (i) યાંત્રિક, (ii) નાભિકીય (nuclear) અથવા પારમાણ્વિક (atomic) અને (iii) રાસાયણિક વિસ્ફોટકો.

યાંત્રિક વિસ્ફોટકો : એક પાત્રમાં ઠાંસીને હવા ભરવા જતાં અથવા એમોનિયા કે ઈથર ભરેલા બંધ પાત્રને ગરમી લાગતાં પાત્રનું એકાએક તૂટી જવું એ યાંત્રિક કે ભૌતિક વિસ્ફોટનું ઉદાહરણ છે. આવા વિસ્ફોટકો ખાસ વપરાતા નથી.

નાભિકીય વિસ્ફોટકો : નાભિકીય વિસ્ફોટકો બે પ્રકારના હોય છે : (i) વિખંડન (fission) પ્રકારના વિસ્ફોટકો જેમાં ભારે તત્વોનાં નાભિકો વિખંડન પામે ત્યારે સૂક્ષ્મ માત્રામાં દળ(mass)નો લોપ થાય છે, પણ આઇન્સ્ટાઇનના સમીકરણ E = mc2 (E = ઊર્જા, m = દળ, C = પ્રકાશનો વેગ) મુજબ ખૂબ મોટા પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન થાય છે. દા.ત., યુરેનિયમ –235 (235U) અથવા પ્લુટોનિયમ 239 (239Pu) જેવાં તત્વોનાં નાભિકો ન્યૂટ્રૉન વડે શૃંખલા(chain)પ્રક્રિયા દ્વારા અત્યંત ઝડપથી વિખંડન પામી ઊર્જાનો મોટો જથ્થો ઉત્પન્ન કરે છે. [પારમાણ્વિક દળના એક એકમ(~ 1.66 x 10–27 kg)ના લુપ્ત થવાથી 931 MeV (million electron volt)] જેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે. પરમાણુ બૉંબ આનું ઉદાહરણ છે. નાગાસાકી/હીરોશિમા પરના બૉંબની વિસ્ફોટી માત્રા 20,000 ટન ટ્રાઇનાઇટ્રોટૉલ્યુઇન (TNT) જેટલી હતી.

(ii) સંગલન (સંલયન, fusion) પ્રકારના વિસ્ફોટકો : હાઇડ્રોજન બૉંબ આનું ઉદાહરણ છે. આમાં હલકાં નાભિકોના સંગલનથી ભારે તત્વોનાં નાભિકો ઉત્પન્ન થાય છે અને તે દરમિયાન ખૂબ મોટી માત્રામાં ઊર્જા બહાર ફેંકાય છે.

રાસાયણિક વિસ્ફોટકો : રાસાયણિક પ્રક્રિયા દ્વારા મોટા પ્રમાણમાં વાયુઓ અને ઉષ્મા ઉત્પન્ન કરતાં સંયોજનો અથવા સંયોજનોનાં મિશ્રણોને રાસાયણિક વિસ્ફોટકો કહી શકાય. આવા વિસ્ફોટકોમાં વાયુઓનું ત્વરિત ઉત્પન્ન થવું તથા ભારે દબાણ અને ઉષ્માને કારણે તેમની ઝડપથી વિસ્તરણ પામવાની ઘટના વિનાશક બળમાં (અથવા ઉપયોગી કાર્યમાં) પરિણમે છે. આવા વિસ્ફોટમાં (i) રાસાયણિક પ્રક્રિયા ખૂબ ઝડપથી અને તીવ્રપણે થાય છે. (ii) મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી તાપમાન 3,000°થી 4,000° સે. સુધી પહોંચે છે. (iii) વાયુઓ ઉત્પન્ન થતા હોવાને કારણે મૂળ કદમાં 10,000થી 1,50,000 ગણી વૃદ્ધિ થાય છે તથા વાયુનો પ્રસરણ વેગ 7000થી 8000 મી/ સેકન્ડ હોય છે. (iv) પ્રેરણ વિધિ આઘાત, ઘર્ષણ, ઉચ્ચ તાપ કે સીધી જ્યોતથી શરૂ કરી શકાય છે. વિસ્ફોટની પ્રક્રિયા સેકન્ડના એક અંશમાં પૂરી થઈ જાય છે અને તેનાથી ઉચ્ચ પ્રઘાત, ઉષ્મા અને તીવ્ર ધ્વનિ ઉત્પન્ન થાય છે. આવા વિસ્ફોટકો મિતસ્થાયી (metastable) હોય છે. પ્રક્રિયા દરમિયાન તીવ્ર રાસાયણિક વિઘટન થઈ મૂળ પદાર્થ કરતાં વધુ સ્થાયી એવી નીપજ / નીપજો ઉત્પન્ન થાય છે.

રાસાયણિક વિસ્ફોટકો સામાન્ય તાપમાને ત્રણ અવસ્થામાં મળે છે :

(અ) ઘન : દા.ત., ટ્રાઇનાઇટ્રોટૉલ્યુઇન (TNT), મર્ક્યૂરી ફુલ્મીનેટ, આર.ડી.એક્સ.

(બ) પ્રવાહી : ટ્રાઇનાઇટ્રોગ્લિસરીન, પ્રવાહી ઑક્સિજન વગેરે.

(ક) વાયુ : ઓઝોન, ઍસિટિલીન, પેટ્રોલ, બાષ્પ તથા ઑક્સિજનનું મિશ્રણ વગેરે.

આ પૈકી ઘન તથા પ્રવાહી વિસ્ફોટકો વધુ ઉપયોગી છે. અહીં ઇંધન ઉપચયનકારકના ઘનિષ્ઠ સંપર્કમાં હોય છે. દા.ત., ગન પાઉડર(કાળા દારૂ)માં ઇંધન (કોલસો + સલ્ફર) ઉપચયનકારક KNO3ના ઘનિષ્ઠ સંપર્કમાં હોય છે; નાઇટ્રોગ્લિસરીન કે ટીએનટીમાં ઇંધન (C + H) ઑક્સિજનના સીધા સંપર્કમાં હોય છે. કારણ કે સંયોજનના અણુમાં ત્રણેય તત્વો સમાયેલાં હોય છે. ઉપચયનકારકોના ઘનિષ્ઠ સંપર્કને લીધે વિસ્ફોટક અલ્પ ઉદ્દીપનથી તરત વિસ્ફોટ પામે છે. મોટાભાગના વિસ્ફોટકો કાર્બનિક પદાર્થોમાંથી બને છે તથા તેમાં મુખ્યત્વે નાઇટ્રો NO2 સમૂહ હોય છે.

વિસ્ફોટકની સંરચના તથા ઉત્પાદન માટે તેમાં વિસ્ફોટધારક સમૂહ (explosophorous groups) ઉપરાંત ઑક્સોસ્ફોટી (oxoplosive) સમૂહ હોવાં જરૂરી છે.

એક્સપ્લોઝોફોરસ (વિસ્ફોટધારક) સમૂહોમાં નીચેના સમૂહો આવે :

NO2, ONO : દા.ત., નાઇટ્રોગ્લિસરીન

–N3 તથા –N = N– : દા.ત., લેડ એઝાઇડ તથા ટેટ્રાઝીન

C દ્ર N તથા –NCl2 : દા.ત., મર્ક્યૂરીફુલ્મિનેટ તથા નાઇટ્રોજન ટ્રાઇક્લોરાઇડ (NCl3)

–O– તથા –O–O–O– : દા.ત., પેરૉક્સાઇડ તથા ઓઝોનાઇડ જેવાં સંયોજનો

OClO2, OClO3, : દા.ત., ક્લોરેટ તથા પરક્લોરેટ

–C દ્ર C– : દા.ત., કૉપર ઍસિટીલાઇડ

M – C (M = ધાતુ) : દા.ત., લેડ સ્ટીફ્નેટ (લેડ ટ્રાઇનાઇટ્રો રિસોર્સિનેટ)

ઑક્સોપ્લોઝિવ સમૂહો : આમાં ફિનૉલિક, હેલાઇડ, સલ્ફો કાર્બોક્સિલ તથા મુક્ત યુગ્મબંધો આવે. –COOH તથા –SO3H ઋણાત્મક સમૂહો છે, જે વિસ્ફોટકની શક્તિ ઘટાડી દે છે.

મોટાભાગનાં કાર્બનિક વિસ્ફોટકોનું ઑક્સિજન સંતુલન (balance) ઋણાત્મક હોય છે. ઑક્સિજનની આ ખામી પૂરી કરવા ઑક્સિજનપ્રચુર સંયોજનો વિસ્ફોટકમાં મેળવવાં જરૂરી બને છે. કેટલાંક આવાં સંયોજનો નીચે પ્રમાણે છે :

ઑક્સિજનપ્રચુર સંયોજન અણુભાર ઑક્સિજન સંતુલન (%માં)
એમોનિયમ નાઇટ્રેટ 80 + 19.99
બેરિયમ નાઇટ્રેટ 261 + 30.6
પોટૅશિયમ નાઇટ્રેટ 101 + 39.6
સોડિયમ નાઇટ્રેટ 85 + 47.1
પોટૅશિયમ પરક્લોરેટ 138.5 + 46.2

ઑક્સિજન સંતુલન (oxygen balance, O.B.) એટલે વિસ્ફોટક સંયોજન/મિશ્રણમાં ઇંધન-તત્વોના સંપૂર્ણ દહન (CO2, H2O, SO2 વગેરેમાં પરિવર્તિત થવા) માટે જરૂરી એવા જથ્થા કરતાં ઑક્સિજનનું આધિક્ય (excess) (+) અથવા ઘટ (deficiency) (–), દા.ત., એમોનિયમ નાઇટ્રેટની વિઘટન-પ્રક્રિયા નીચે પ્રમાણે છે :

 અથવા 20 %. જો વિસ્ફોટકના પૂર્ણ ઉપચયન માટે જરૂરી ઑક્સિજન ન હોય તો આ વિસ્ફોટકનું O.B. ઋણાત્મક ગણાય. વ્યાવસાયિક ઉદ્દેશો માટે વિસ્ફોટકનું ઑક્સિજન સંતુલન લગભગ શૂન્ય હોવું (વધુ કે ઓછું નહિ) જરૂરી છે, જેથી કાર્બન મોનૉક્સાઇડ તથા નાઇટ્રસ ઑક્સાઇડ જેવા વિષાળુ વાયુ ઓછામાં ઓછા બને.

વિસ્ફોટકોનું વિઘટન : વિસ્ફોટકોનું વિઘટન (i) ઉષ્મીય (thermal), (ii) સામાન્ય દહન (combustion) (iii) ઉદ્દહન (deflagration), (iv) અધિસ્ફોટન (detonation) – એમ ચાર પ્રકારે થઈ શકે છે. વિસ્ફોટકની અસરકારકતા માટે આ વિઘટન માટે અધિસ્ફોટી તરંગ, અધિસ્ફોટી વેગ, અભિક્રિયા ક્ષેત્ર (zone) તથા ક્રાંતિક વ્યાસ (critical diameter) જેવા ઘટકો/કારકો ધ્યાનમાં લેવામાં આવે છે.

વર્ગીકરણની દૃદૃષ્ટિએ રાસાયણિક વિસ્ફોટકોના બે વિભાગ પાડી શકાય :

1. અધિસ્ફોટી (detonating) અથવા ઉચ્ચ (high) વિસ્ફોટકો, તેના બે ભાગ પાડી શકાય : (અ) પ્રાથમિક અથવા આરંભક (initiating) વિસ્ફોટકો અને (આ) અભિવર્ધક (booster) અથવા દ્વિતીયક વિસ્ફોટકો.

2. ઉદ્દહન અથવા પ્રજ્વાલક (deflagrating) અથવા મંદ (low) વિસ્ફોટકો.

અધિસ્ફોટી અને ઉદ્દહન વિસ્ફોટકો વચ્ચે ઘણો તફાવત છે. ઉચ્ચ વિસ્ફોટકો અતિસંવેદનશીલ, મિતસ્થાયી પદાર્થો છે અને આંશિક ઉદ્દીપનથી પણ ઝડપથી અધિસ્ફોટ થાય છે. આરંભક પદાર્થો સાથે ભેળવી તેમનો ઉપયોગ કરાય છે. તેઓ ઊંચા દરથી પ્રસ્ફોટ પામે છે (2થી 9 x 103 મીટર/સેકન્ડ) અને પ્રક્રિયા-અગ્ર (reaction front) સમગ્ર પદાર્થમાં સક્રિય રીતે ગતિ કરતી પ્રઘાત(shock)ની ઘટના છે. મંદ વિસ્ફોટકો અથવા નોદકો (propellants) સપાટીને સમાંતર સ્તરોમાં ધીમા દરથી (10–2 મી/સેકન્ડ) સળગે છે અને પ્રક્રિયા-અગ્ર તરીકે જ્યોત હોય છે.

આરંભક અથવા પ્રાથમિક વિસ્ફોટકો : આ એવા વિસ્ફોટકો છે, જે પ્રઘાત તથા ગરમી પ્રત્યે સારા એવા સંવેદી હોય છે અને તણખા (spark), જ્યોત (flame), ઘર્ષણ અથવા યોગ્ય પરિમાણના ઉષ્મા સ્રોત વડે તેમનો વિસ્ફોટ કરી શકાય છે. તેમની સાથે કામ પાડવું અત્યંત ભયજનક છે. સામાન્ય રીતે તેઓ ઓછા સંવેદી વિસ્ફોટકોમાં વિસ્ફોટનો પ્રારંભ કરવા પ્રમાણમાં થોડા જથ્થામાં ઉપયોગમાં લેવાય છે. આથી આરંભક વિસ્ફોટકો સામાન્ય રીતે પ્રારંભકો (primers), અધિસ્ફોટકો (detonators) અને પરિતાડન (આઘાત, percussion), આચ્છદો(ટોપી, caps)માં વપરાય છે. સામાન્ય રીતે તે અકાર્બનિક ક્ષારો હોય છે, જ્યારે અભિવર્ધકો અને અન્ય ઉચ્ચ વિસ્ફોટકો તેમજ ઘણા પારંપરિક નોદકો મોટેભાગે કાર્બનિક દ્રવ્યો હોય છે.

પ્રાથમિક વિસ્ફોટકોમાં મર્ક્યૂરી ફુલ્મિનેટ, લેડ એઝાઇડ, બેઝિક લેડ સ્ટીફ્નેટ, ડાઇએઝોડાઇનાઇટ્રોફિનોલ, અને ટેટ્રાઝીન જેવાનો સમાવેશ થાય છે. મોટાભાગના પ્રારંભી (priming) સંઘટનો પ્રાથમિક વિસ્ફોટકોનાં મિશ્રણો હોય છે. (દા.ત., 15 % ઍન્ટિમની સલ્ફાઇડ, 20 % લેડ એઝાઇડ, 40 % બેઝિડ લેડ સ્ટીફ્નેટ, 20 % બેરિયમ નાઇટ્રેટ અને 5 % ટેટ્રાઝીન.) આમાં બંધક (binder) તરીકે ગુંદર તથા આંતરિક ઘર્ષણ વધારવા વાટેલો કાચ ઉમેરી શકાય.

અભિવર્ધક (booster) ઉચ્ચ વિસ્ફોટકો : આ એવા પદાર્થો છે કે જે યાંત્રિક આઘાત અને જ્વાળા પ્રત્યે અસંવેદી હોય છે, પણ વિસ્ફોટી પ્રઘાત (explosive shock) વડે ઉત્તેજિત કરવામાં આવે તો ભારે તીવ્રતા(violence)થી વિસ્ફોટ પામે છે. આમ તે ઊર્જાપ્રવર્ધકો (energy amplifiers) છે. અધિસ્ફોટ દ્વારા વિઘટન આગળ વધે છે અને તેમાં વિસ્ફોટકના સમગ્ર દળમાંના રાસાયણિક બંધો ત્વરાથી તૂટે છે. અધિસ્ફોટને શૃંખલા-પ્રક્રિયા માનવામાં આવે છે અને તે 6,000 મી./સેકન્ડના દરે આગળ વધે છે. અહીં મુક્ત થતી કુલ ઊર્જા કરતાં ઊર્જાનો મુક્ત થવાનો ઊંચો દર પદાર્થને વિસ્ફોટક બનાવે છે. દા.ત., નાઇટ્રોગ્લિસરીન ગૅસોલીન કરતાં આઠમા ભાગની ઊર્જા ધરાવે છે, પણ તે સ્ફોટક છે. અગત્યનાં અભિવર્ધકોમાં RDX અથવા સાઇક્લોનાઇટ (સાઇક્લોટ્રાઇ-મિથીલીન ટ્રાઇનાઇટ્રામાઇન), PETN (પેન્ટાઇરીથ્રિટોલટેટ્રાનાઇટ્રેટ) અને ટેટ્રાઇલ (2, 4, 6 ટ્રાઇનાઇટ્રોફિનાઇલ મિથાઇલ નાઇટ્રામીન) જેવાનો સમાવેશ થાય છે. HMX (સાઇક્લોટેટ્રામિથિલીનટેટ્રાનાઇટ્રામીન) એ ઉષ્મારોધી (heat resistant) અભિવર્ધક છે. સૈનિક કાર્યવાહી તથા વ્યાવસાયિક ઉપયોગ માટે વપરાતાં અન્ય ગૌણ વિસ્ફોટકોમાં ટ્રાઇનાઇટ્રોટૉલ્યુઇન (TNT), ઓક્ટ્રોલ, સાઇક્લોટોલ, પેન્ટોલાઇટ, ટાર્પેક્ષ, ટેટ્રીટોલ, એમાટોલ વગેરેને ગણાવી શકાય.

પ્રાથમિક વિસ્ફોટકો

મર્ક્યૂરી ફુલ્મીનેટ [Hg(ONC)2] : ફુલ્મીનિક ઍસિડ HONCનું લવણ (ક્ષાર) છે તથા ભૂખરા રંગનો ઘનસ્ફટિકી પદાર્થ છે. તેનો ઉદ્દહનાંક 165° સે તથા વિસ્ફારી ઉષ્મા 355 કિકે./કિલો, ઑક્સિજન સંતુલન – 11.2 % તે સામાન્ય તાપમાને સ્થિર છે, પણ ગરમ જળવાયુમાં ધીમું અપઘટન (વિઘટન) પામે છે.

Hg (ONC) 2 →Hg + 2CO + N2 + 118.5 કિકે.

આ વિસ્ફોટક 50° સે. તાપમાને 10 મહિનામાં નિષ્ક્રિય થઈ જાય છે તથા 35° સે. તાપમાને 3 વર્ષમાં નિષ્ક્રિય બની જાય છે. તે વિષાળુ છે અને પાણીની નીચે સંઘરવામાં આવે છે અથવા પાણી + આલ્કોહૉલ નીચે રખાય છે. સ્ફોટી ટોપચાંઓ તથા આઘાત ટોપચાંઓમાં તેનો ઉપયોગ થાય છે.

લેડ એઝાઇડ [Pb(N3) 2] : તેનાં α, β, γ, δ – એમ ચાર રૂપ હોય છે. વ્યાવસાયિક રીતે તે હાઇડ્રેઝીન સાથે નાઇટ્રાઇટ કે સોડામાઇડ તથા નાઇટ્રસ ઑક્સાઇડમાંથી બનાવાય છે. તેનો ઉદ્દહનાંક 320°થી 360° સે. વિસ્ફોટી-ઉષ્મા 367 કિ.કે./કિગ્રા. ઑક્સિજન-સંતુલન 55% તે જલદી આગ પકડતું નથી.

સિલ્વર એઝાઇડ (AgN3) : શ્રેષ્ઠ પ્રેરક પ્રભાવી છે. પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ, ઘર્ષણ પ્રતિ અતિ સંવેદનશીલ, પાણીમાં અદ્રાવ્ય, પરંતુ એમોનિયામાં દ્રાવ્ય છે.

લેડ સ્ટીફનેટ(લેડટ્રાઇનાઇટ્રોરિસોર્સિનેટ)નો ઉદ્દહનાંક 275°થી 280° સે., વિસ્ફોટી ઉષ્મા 370 કિકે./કિગ્રા., ઑક્સિજન સંતુલન  22.2 % પાણી, એસિટોન આલ્કોહૉલમાં દ્રાવ્ય.

હેક્ઝામિથિલીન ટ્રાઇપેરૉક્સાઇડ ડાયામીન (H.M.T.D.)

હેક્ઝામીન તથા હાઇડ્રોજન પેરૉક્સાઇડમાંથી મેળવાય છે. તેનો ઉદ્દહનાંક 200° સે, વિસ્ફોટી ઉષ્મા 950 કિકે./કિગ્રા., અધિસ્ફોટી વેગ 4500 મી./સેકન્ડ છે.

ગૌણ ઉચ્ચ વિસ્ફોટકોમાં નાઇટ્રોસંયોજનો, નાઇટ્રોએસ્ટર અને નાઇટ્રામીન જેવાં સંયોજનો તથા નાઇટ્રિક ઍસિડ, ક્લોરિક ઍસિડ તથા પરક્લોરિક ઍસિડના ક્ષાર વપરાય છે.

નાઇટ્રોસંયોજનો : નાઇટ્રોમિથેન્સ, નાઇટ્રોઍરોમેટિક્સ જેવાં કે ટી. એન. ટી., પિક્રિક ઍસિડ, પિક્રાઇલ ક્લૉરાઇડ, એમોનિયમ પિક્રેટ, પિક્રામાઇડ વગેરે.

નાઇટ્રેટ એસ્ટર : ઇથિલીન ગ્લાયકોલ ડાઇનાઇટ્રેટ (EGDN), ડાઇઇથિલીન ગ્લાયકોલ ડાઇનાઇટ્રેટ (DEGN), ટ્રાઇ-ઇથિલીન ગ્લાયકોલ ડાઇનાઇટ્રેટ (TEGN); પ્રોપીલીન તથા બ્યુટીલીનના ગ્લાયકોલ ડાઇનાઇટ્રેટ, નાઇટ્રોગ્લિસરીન, ક્લોરહાઇડ્રીન ડાઇનાઇટ્રેટ, ઍરિથ્રીટોલ ટેટ્રાનાઇટ્રેટ તથા પેન્ટાએરિથ્રીટોલ ટેટ્રાનાઇટ્રેટ (PETN), મેનિટોલ હેક્ઝાનાઇટ્રેટ (MHN), સેલ્યુલોઝ નાઇટ્રેટ (નાઇટ્રો-સેલ્યુલોઝ)

નાઇટ્રામીન : ઇથિલીન ડાઇનાઇટ્રામીન (EDNA), ટેટ્રીલ, આરડીએક્સ તથા એચએમએક્સ (ટેટ્રાએઝાસાઇક્લોઑક્ટેન) – આ પદાર્થો શુદ્ધ સ્વરૂપમાં વપરાય છે. તે ઉપરાંત જુદાં-જુદાં નામે જાણીતાં તેમનાં મિશ્રણો પણ વપરાય છે. દા.ત.,

ANFO : એમોનિયમ નાઇટ્રેટ + ફ્યુઅલ ઓઇલ

ઑક્ટોલ : (TNT + HMX); એમેટોલ (TNT + NH4NO3)

ઍમોનલ : (TNT + NH4NO3 + Al પાઉડર)

ટારપેક્ષ : (TNT + RDX + Al પાઉડર)

ડાયનેમાઇટ : (નાઇટ્રોગ્લિસરીન + નાઇટ્રોસેલ્યુલોઝ અથવા NH4NO3

પેન્ટોલાઇટ : (TNT + PETN)

મંદ (low) અથવા પ્રજ્વલન (deflagrating) વિસ્ફોટકો : તેઓ ઉદ્દહન દ્વારા રાસાયણિક ઊર્જા મુક્ત કરે છે. ઉચ્ચ વિસ્ફોટકો માફક તેઓ અધિસ્ફોટ નથી પામતા. આ વિસ્ફોટકો ઇંધન તથા ઉપચયનકારકનું મિશ્રણ હોય છે. મંદ વિસ્ફોટકોમાં વાયુ ઉત્પન્ન કરવાવાળા નોદકો (propellents) તથા પ્રજ્વાલક મિશ્રણ વગેરે આવે. બ્લૅક પાઉડર (ગન પાઉડર), ધૂમરહિત નોદક, રૉકેટ નોદક, પ્રવાહી નોદક વગેરે તેનાં ઉદાહરણો છે. નોદકોનું ક્ષેત્ર બહુ વિશાળ છે.

આતશબાજી માટેનું સંઘટન (pyrotechnique composition) : આમાં ઘન દાહ્ય ઇંધનો તથા ઘન ઉપચયનકારકોનું મિશ્રણ હોય છે. આ પદાર્થો ઉષ્મા તથા ઘર્ષણ પ્રત્યે સંવેદનશીલ હોય છે. ખુલ્લી હવામાં તે ખૂબ ઝડપથી બળે છે. તેથી સ્થિર દહન મેળવવા તેમને દાબીને ભરવા પડે છે.

વિસ્ફોટક પસંદ કરવા માટે તેની ઉપલબ્ધતા, સ્થિરતા, જલપ્રતિરોધકતા, ઘનતા, સુસંગતતા (compatibility), બાષ્પશીલતા, ગલનાંક, ધૂમ્ર (fumes) તથા વિષાળુતા ધ્યાનમાં રખાય છે.

કેટલાંક વિસ્ફોટક સંયોજનોની વિગતો નીચે દર્શાવી છે :

ઉદ્દહનાંક 300° સે., વિસ્ફોટી તાપમાન 3630° સે., વિસ્ફોટી ઉષ્મા 1085 કિ.કે./કિલો, ઑક્સિજન સંતુલન – 73.9 %, અધિસ્ફોટી વેગ 1.6 ગ્રા/સેમી3 ઉપર 6900 મીટર/સેકન્ડ.

નાઇટ્રૉગ્લિસરીન (Ng) : અણુભાર 227.1, ઘનતા 1.6 ગ્રા./સેમી.3, નિયત કદે વિસ્ફોટન. ઉષ્મા 6389 J/કિગ્રા., વિસ્ફોટન તાપમાન 3360° સે., વિશિષ્ટ દબાણ (વિસ્ફોટન તાપમાને 1 કિગ્રા. દ્વારા 1 લિટર કદમાં) 9.835 કિગ્રા./સેમી.2 (અથવા 253 કિલોબાર), અધિસ્ફોટી તરંગનો વેગ 7.6 કિમી./સેકન્ડ, વિસ્ફોટન ઊર્જા = 1480 કૅલરી/ગ્રા.

નાઇટ્રોસેલ્યુલોઝ (NC) : વિસ્ફોટી ઉષ્મા 1025 કિ.કે./કિલો; વિસ્ફોટી તાપમાન 3100° સે.; વિસ્ફોટથી ઉત્પન્ન વાયુ 765 લિટર/કિલો; અધિસ્ફોટી વેગ 1.3 ગ્રા/સેમી.3 ઉપર 6300 મી./સે.; ઑક્સિજન સંતુલન 28.7 %.

P.E.T.N. (O2NOCH2) 4 C : ઉદ્દહનાંક 202° સે.; વિસ્ફોટી ઉષ્મા 1530 કિ.કે./કિગ્રા.; વિસ્ફોટથી ઉત્પન્ન વાયુ 763 લિ./કિગ્રા.; અધિસ્ફોટી વેગ 1.7 ગ્રા/સેમી.3 ઉપર 8400 મી./સે.

ટેટ્રિલ (2, 4, 6 – ટ્રાઇનાઇટ્રો ફિનાઇલ મિથાઇલ નાઇટ્રામીન) ડાઇમિથાઇલ એનિલીનમાંથી બને છે. વિસ્ફોટી ઉષ્મા 1140 કિ.કે./કિગ્રા.; વિસ્ફોટી તાપમાન 3339° સે.; વિસ્ફોટી વાયુ 800 લિ./કિગ્રા.; અધિસ્ફોટી વેગ 1.71 ગ્રા./સેમી.3 ઉપર 7540 મી./સે. ઑક્સિજન સંતુલન 47.4 %.

RDX : C3H6N3 (NO2) : સાઇક્લો 1, 3, 5 ટ્રાઇમિથિલીન – 2, 4, 6 – ટ્રાઇનાઇટ્રામીન (સાઇક્લોનાઇટ, હેક્ઝોજન, T4) TNT કરતાં 1.5 ગણો વધુ શક્તિશાળી. અણુભાર 222.1; ઘનતા 1.6 ગ્રા./ઘ. સેમી.; અધિસ્ફોટ વેગ 8.0 કિમી./સેકન્ડ; અધિસ્ફોટ દબાણ 347 કિ.બાર; વિસ્ફોટન ઊર્જા 1320 કેલરી/ગ્રા.; નાઇટ્રોગ્વાનીડીન પિક્રાઇટ વિસ્ફોટી ઉષ્મા 728 કિ.કૅ./કિગ્રા.; અધિસ્ફોટી વેગ 8200 મી./સે.; ઑક્સિજન સંતુલન – 30.7 %.

ભાવિ વિસ્ફોટક : 2000ની સાલમાં શિકાગો યુનિવર્સિટીના ફિલિપ ઇટન અને સાથી કાર્બનિક રસાયણવિદોએ ઑક્ટાનાઇટ્રોક્યુબેન (C8[NO2]8) નામના સંયોજનનું સંશ્લેષણ કર્યું હોવાનું જાહેર કર્યું છે. જે કદાચ વિશ્વનો સૌથી વધુ શક્તિશાળી રાસાયણિક વિસ્ફોટક સાબિત થઈ શકે. વાસ્તવિક કસોટી કરવા જેટલો તેનો જથ્થો હજુ બનાવી શકાયો નથી, પણ તેની સંરચનામાં રહેલાં આઠ નાઇટ્રોસમૂહો અને એકબીજાને કાટખૂણે રહેલાં તણાવપૂર્ણ બંધો તેને વિસ્ફોટક શક્તિ આપી શકે તેમ છે. TNTની 1.53 ગ્રા./સેમી.3 અને HMXની 1.89 ગ્રા./સેમી.3 ઘનતાની સરખામણીમાં C8(NO2)8ની 2.0 ગ્રા./સેમી.3 ઘનતા પણ તેને અસાધારણ પ્રભાવશાળી હોવાનું માનવાને પ્રેરે છે.

ક્ષેપકો તથા નોદકો (અપક્ષેપકો propellants) : મંદ વિસ્ફોટી દહનશીલ પદાર્થો. તેના જ્વલન માટે જરૂરી ઑક્સિજન તેમાં હોવાથી જ્વલન માટે બહારના ઑક્સિજનની આવદૃશ્યકતા હોતી નથી. નોદક સળગતાં જ ઝડપથી બળે છે તથા બળવાની આ ક્રિયા ઉદ્દહન કહેવાય છે, જેનો દહનદર નિયંત્રિત (10–2 મી/સેકન્ડ જોઈએ)

હોય છે.

નોદકોમાં રાસાયણિક પ્રક્રિયા જ્વાળા, તણખા અથવા અન્ય યોગ્ય ઉદ્દીપકથી શરૂ કરાય છે તથા ઉદ્દહન દ્વારા નિયંત્રિત દરથી નીપજતા વાયુને જુદાં જુદાં કાર્યો માટે વાપરી શકાય છે. રાઇફલની નાની ગોળીથી માંડીને તોપના મોટા ગોળા, મિસાઇલ (પ્રક્ષેપાસ્ત્ર) વગેરે ફેંકવા વપરાય છે.

નોદકો માટેની આવદૃશ્યકતાઓમાં નીચેનાંને ગણાવી શકાય :

(i) તેના કણોના આકાર તથા પરિમાણ (આયામ), (ii) સંઘટન તથા તેમાંથી બનતા બાષ્પીય પદાર્થો, (iii) ક્લૉરીમેટ્રિક મૂલ્ય, (iv) પ્રાક્ષેપિક ગુણ, (v) ઘનત્વ વગેરે.

ઘન નોદકો : નોદક છોડવા માટે વપરાતાં યંત્રો (તંત્રો) ત્રણ પ્રકારના હોય છે : (અ) ગન કે તોપ, (બ) જેટ એંજિન તથા (ક) રૉકેટ.

સદીઓથી ઘન નોદક તરીકે બારૂદ (ગન-પાઉડર, બ્લૅક પાઉડર) વપરાતો આવ્યો છે.

એક વિશિષ્ટ નિમ્નતાપીય એકાધાર (single-base) નોદકમાં આ પદાર્થો હોય છે : નાઇટ્રોસેલ્યુલોઝ (N 12.6 %), ઈથર, આલ્કોહૉલ, ઇથાઈલ સેન્ટ્રાલાઇટ, બ્યુટાઇલ સ્ટિયરેટ, પોટૅશિયમ સલ્ફેટ, બેઝિક લેડ કાર્બોનેટ. દ્વિઆધાર (double-base) નોદકોમાં નાઇટ્રોસેલ્યુલોઝ (NC) તથા નાઇટ્રોગ્લિસરીન (NG) મુખ્ય હોય છે. દા.ત., બૈલિસ્ટાઇટમાં NC + NG + કાર્બામેટ + પોટૅશિયમ નાઇટ્રેટ + ચૉક.

કૉર્ડાઇટમાં 58 %, NG + 37 %, ગનકૉટન + 5 %, મિનરલ જેલી

એક વિશિષ્ટ સંરૂપણ (formulation) તરીકે નીચેના ઘટકો કોર્ડાઇટ જેવા નોદકમાં હોય છે :

નાઇટ્રોસેલ્યુલોઝ 5 %થી 25 %

સુઘટ્યતાકારક 20 %થી 60 %

ઉપચયનકારક 0 %થી 70 %

ધાતુ ઇંધન 0 %થી 30 %

સ્થાયીકારક 1 %થી 2 %

તિર્યક્બંધકકારક (cross-linking agent) : જરૂર મુજબ આમાં સુઘટ્યતાકારકો તરીકે ગ્લાયકોલ નાઇટ્રેટ એસ્ટર, નાઇટ્રોગ્લિસરીન, બ્યૂટેન ટ્રાયોલ ટ્રાઇનાઇટ્રેટ, ડાઇ-ઇથિલીન ગ્લાયકોલ ડાઇનાઇટ્રેટ; ટેટ્રાઇથિલીન ગ્લાયકોલ ડાઇનાઇટ્રેટ; ટ્રાઇમિથીલોલ ઇથેન ટ્રાઇનાઇટ્રેટ વપરાય છે.

ધાતુ ઇંધન તરીકે ઍલ્યુમિનિયમ, મૅગ્નેશિયમ, લિથિયમ હાઇડ્રાઇડ, ઍલ્યુ-હાઇડ્રાઇડ તેમજ પૉલિઇથિલીનથી લેપિત લિથિયમ વપરાય છે.

ઉપચયનકારક તરીકે : એમોનિયમ પરક્લોરેટ, એમોનિયમ નાઇટ્રેટ, હાઇડ્રેઝીન પરક્લોરેટ, મિથાઇલ ઍમાઇન પરક્લોરેટ, એમિનોટેટ્રાઝોલનાઇટ્રેટ RDX, HMX, PETN વપરાય છે.

સ્થાયીકારકોમાં કાર્બામાઇડ, રિસોર્સિનોલ, 2 નાઇટ્રોડાઇફિનાઇલ એમાઇનને ગણાવી શકાય.

તિર્યક્ બંધક કારક (cross linker) તરીકે ટૉલ્યુઇન ડાઇઆઇસોસાયનેટ (TDI); હેક્ઝામિથિલીન ડાઇઆઇસોસાયનેટ(HMDI)નો સમાવેશ થાય છે.

ત્રિ-આધાર નોદકોમાં

યોજક (binder) : નાઇટ્રોસેલ્યુલોઝ (12.6 %)

ઉપચયનકારક : RDX, ટ્રાઇઍમિનોગ્વાનિડીન નાઇટ્રેટ

સુઘટ્યતાકારક : ટ્રાઇમિથીલોલ ઇથેન ટ્રાઇનાઇટ્રેટ, ટ્રાઇઇથિલીન ગ્લાયકોલ ડાઇનાઇટ્રેટ હોય છે.

આ ઉપરાંત સંકર નોદકો (hybrid propellants) પણ વાપરવામાં આવે છે, જેમાં

હાઇડ્રોજન પેરૉક્સાઇડ + ઍલ્યુમિનિયમ + પ્લાસ્ટિક,

નાઇટ્રિક ઍસિડ + ઍલ્યુમિનિયમ + પ્લાસ્ટિક,

નાઇટ્રોનીય પરક્લોરેટ + હાઇડ્રેઝીન,

હાઇડ્રોજન પેરૉક્સાઇડ + બેરિયમ હાઇડ્રાઇડ વપરાય છે.

આતશબાજી અથવા અગ્નિશિલ્પ (pyrotechnic) : આતશબાજી માટે વપરાતા પદાર્થો કેવી જ્વાળા ઉત્પન્ન કરે છે, તે મુજબ તેમનું વર્ગીકરણ કરાય છે. દા.ત.,

(ક) જ્વાલાસંઘટન (flame composition) : શ્વેત કે રંગીન જ્વાળા ઉત્પન્ન કરતા.

(ખ) થરમાઇટ સંઘટન (thermite composition) : આગ લગાડનાર કે ટાઇમફ્યૂઝ તરીકે વપરાતા.

(ગ) ધૂમ-સંઘટન (smoke composition) : શ્વેત, કાળો કે ભૂરો ધુમાડો ઉત્પન્ન કરનાર.

સંઘટનના વિભાગો

1. દાહ્યપદાર્થ અથવા ઇંધન તરીકે અકાર્બનિક : Li, Be, Mg, Ca, Al, Ti, Zr ધાતુનો વપરાશ વધુ થાય છે.

અધાતુ : H2, B, C, P, Si

મિશ્રધાતુ : Mg-Al; Mg-Si; Al-Si

કાર્બનિક : ટૉલ્યુઇન, બેન્ઝિન, નેપ્થેલીન, સ્ટાર્ચ, શર્કરા, પૅરેફિન. પેટ્રોલિયમ, કેરોસીન. આ ઉપરાંત યુરોટ્રોપીન, સ્ટિયરિક ઍસિડ, ડાઇસાયનોડાઇએમાઇડ, મેટાલ્ડિહાઇડ પણ વપરાય છે.

2. ઉપચયનકારક (oxidizer) તરીકે NaNO3, KNO3, Sr(NO3)2, Ba(NO3)3, KClO3, પોટેશિયમ પરક્લોરેટ KClO4, સોડિયમ પરક્લોરેટ NaClO4, બેરિયમ પેરૉક્સાઇડ, ફેરિક ઑક્સાઇડ, મગેનીઝ તથા લેડ પેરૉક્સાઇડ બેરિયમ ક્રોમેટ, પોટૅશિયમ પરમેંગેનેટ, લેડ ક્રોમેટ, પોટૅશિયમ ડાઇક્રોમેટ વગેરે વપરાય છે.

નીચે કેટલાંક વિશિષ્ટ સંઘટનોનાં ઉદાહરણ દર્શાવ્યાં છે :

ધૂમ્રકારી સંઘટનમાંના ઘટકો

KClO3 20 %થી 30 %

NH4Cl 50 %

નેલ્થેલીન કે એન્થ્રેસીન 20 %

વૂડ ચારકોલ 010 %

રંગીન ધૂમ્રકારી સંઘટનમાંના ઘટકો

(i) કાર્બનિક રંજક 51 %                (ii) KClO3 35 %

        શર્કરા 18 %                             લૅક્ટોન 25 %

        KClO3 23 %                          સંશ્લેષિત ઇન્ડિગો 40 %

        NaHCO3 8 %

થરમાઇટ અથવા અગ્નિકારી સંઘટન

આગ લગાડનારા હવાઈ બૉમ્બમાં

બેરિયમ નાઇટ્રેટ 26 %

લોખંડની કરચો 50 %

ઍલ્યુમિનિયમ 24  % હોય છે.

મિસાઇલો(ક્ષેપકાસ્ત્રો)માં (અગ્નિશિલ્પમાં) વપરાતું મિશ્રણ ઘન સ્થિતિમાં હોય છે તથા તેમાં દાહ્ય ઉદ્દીપનકારક હોય છે. યોજક તરીકે રબર, વિવિધ રેઝિન (ફિનોલિક, પૉલિયેસ્ટર, ઇપૉક્સી) તથા વિવિધ બહુલકો (પૉલિસલ્ફાઇડ, પૉલિયુરિધેન, પૉલિએક્રિલેટ, પૉલિએમાઇડ, પૉલિબ્યુટાડાઇન વપરાય છે.)

ફૂગ, વાયરસ તથા બૅક્ટેરિયા મારવા માટે વપરાતાં ક્ષેપકોમાં ડાઇક્લોરોનેપ્થાક્વીનોન (58 %)

પોટૅશિયમ પરક્લોરેટ (22 %)

એમોનિયમ ક્લોરાઇડ (10 %)

ડાઇસાયન ડાઇએમાઇડ (5 %)

એન્થ્રાસીન (5 %) હોય છે.

આતશબાજી દરમિયાન લાલ પ્રકાશ ઉત્પન્ન કરવા માટે SrCO3 (20 %), લીલા પ્રકાશ માટે બેરિયમ નાઇટ્રેટ (54 %), જ્યારે વાદળી પ્રકાશ ઉત્પન્ન કરવા માટે Ba(ClO4)2 (55 %) વપરાય છે.

દિવાળીમાં વેચાતાં જુદા જુદા ફટાકડાઓ, ભોંય ચકરડાઓ, કોઠી વગેરેમાંના કેટલાકના ઘટકો નીચે મુજબ હોય છે :

રૉકેટ : KNO3 (62 %), કોલસો (150 મૅશ) (32 %), ગંધક (6 %)

ફૂલઝરી : KClO3 (60 %), Al (30 %), ડેક્સ્ટ્રિન (10 %) અથવા Ba(NO3)2 (50 %), Al (8 %), ડેક્સ્ટ્રિન (10 %), લોહપાઉડર (30 %), કોલસો (0.5 %), ઉદાસીનીકારક (1.5 %)

ભોંયચકરડી : ગન પાઉડર ચૂર્ણ (88 %), કોલસો (12 %) અથવા ગન પાઉડર ચૂર્ણ (70 %), લોહભૂકો (30 %).

મશાલ (torch) : Ba(NO3)2 (76 %), સલ્ફર (4 %), પેટ્રોલ (2 %), Al (18 %)

લાલ મશાલમાં Sr(NO3)2 (45 %); KClO3 (25 %), લાખ

(14 %), PVC (6 %), Mg (0.9 %), અળસીનું તેલ (1 %).

વિસ્ફોટકોના શાંતિપૂર્ણ ઉદ્દેશ માટે ઉપયોગ : ગન પાઉડર, ડાયનેમાઇટ, જિલેટિનસ ડાયનેમાઇટ, જલીય જેલ (gel) વિસ્ફોટક, કોલસા-ખનન (blasting), ધાતુ-ખનન, બુગદા-ખનન.

રાસાયણિક વિસ્ફોટકોનો ઇતિહાસ તથા વિકાસ

ઈ. પૂ. 400 :   સુશ્રુત સંહિતામાં સાવરકલા નામે અગ્નિચૂર્ણ(ગન પાઉડર)નો ઉલ્લેખ છે; જે પોટૅશિયમ નાઇટ્રેટ (KNO3, નાઇટર, શોરા) ગંધક તથા કોલસામાંથી બનાવાય છે. નાગાર્જુને પણ તેનો ઉલ્લેખ કર્યો છે.

ઈ. પૂ. 300 :   ભારતમાં સિકંદરને સ્ફોટકાસ્ત્રો દ્વારા હરાવવામાં આવેલ.

ઈ. પૂ. 200 :   ચીનમાં અગ્નિચૂર્ણ વપરાયું હોવાનું નોંધાયું છે.

ઈ. સ. 608-682 :  ‘તાનચિંગ’ નામના ગ્રંથમાં પણ આ પાઉડરનો ઉલ્લેખ છે.

ઈ. સ. 900-1000 : દરમિયાન ચીનમાં ગન પાઉડર વિકસાવવામાં આવ્યો.

ઈ. સ. 1040 : ચીનની સરકારે સૌપ્રથમ ગન પાઉડરની ફૅક્ટરી બનાવી.

ઈ. સ. 1214    :       ચીનમાંથી આની જાણકારી મોંગોલો પાસે થઈને આરબ દેશો દ્વારા યુરોપ પહોંચી.

ઈ. સ. 1249    :       અંગ્રેજ સાધુ રોજર બૅકને નાઇટર, ગંધક, કોલસાના 7 : 5 : 5 પ્રમાણનો ઉપયોગ કરી ગન પાઉડર બનાવ્યાનું વર્ણન કર્યું છે.

~ 1250        :       જર્મન કીમિયાગર (alchemist) બર્થોલ્ડ શ્વાર્ઝે ગન પાઉડર ફરીથી શોધ્યાનો દાવો કર્યો.

1338   :       ફ્રાંસમાં ગન પાઉડર[નાઇટર (50 %), ગંધક (25 %) ચારકોલ (25 %)]નો વિકાસ થયો.

14મી   :       સદીમાં ગન પાઉડરનું જર્મનીમાં ઉત્પાદન શરૂ થયું.

15મી   :       સદીમાં ભારતમાં લખાયેલાં પુસ્તકો ‘આકાશ ભૈરવકલ્પ’, ‘કૌતુક ચિંતામણિ’માં ગન પાઉડરનો ઉલ્લેખ જોવા મળે છે.

16મી   :       સદીમાં લખાયેલ ‘શુક્રનીતિ’માં પણ આ પાઉડરનો ઉલ્લેખ છે.

1771   :       ફ્રેંચ રસાયણવિદ પિયરી વુલ્ફે પિક્રિક ઍસિડ શોધ્યો (મૂળ તે પીળા રંગક તરીકે વપરાયેલો.)

1807   :       સ્કૉટિશ પાદરી ઍલેક્ઝાંડર ફોર્સિથે મર્ક્યૂરી ફુલ્મીનેટની શોધ કરી.

1883   :       ફ્રેંચ રસાયણવિદ હેન્રી બ્રેકોનોટે સ્ટાર્ચનું નાઇટ્રીકરણ કરી, અપરિષ્કૃત નાઇટ્રોસેલ્યુલોઝ જેવું અત્યંત પ્રજ્વલનશીલ સંયોજન બનાવ્યું.

1838   :       ફ્રેંચ રસાયણવિદ થિયૉફિલ પેલૂઝે પણ કાગળનું નાઇટ્રીકરણ કરી અપરિષ્કૃત નાઇટ્રોસેલ્યુલોઝ બનાવ્યું.

1845   :       જર્મન રસાયણવિદ્ શોનબેઈને રૂમાંથી નાઇટ્રોસેલ્યુલોઝ બનાવ્યું.

1846   :       ઇટાલિયન રસાયણવિદ્ અસ્કાનિયા સોબ્રેરોએ નાઇટ્રોગ્લિસરીનની શોધ કરી.

1863   :       સ્વીડીશ રસાયણવિદ્ જે. વિલ્બ્રાન્ડે TNTની શોધ કરી. સ્વીડિશ રસાયણવિદ્ આલ્ફ્રેડ નોબેલે મર્ક્યૂરી ફુલ્મીનેટ આધારિત વિસ્ફોટી ટોટી(cap)ની શોધ કરી.

1867   :       આલ્ફ્રેડ નોબેલ નાઇટ્રોગ્લિસરીન અને કીસલગુર(Kieselguhr)ને મિશ્ર કરી ડાયનેમાઇટની શોધ કરી.

1871   :       જર્મન રસાયણવિદ્ હરમાન સ્પ્રેન્ગલે પિક્રિક ઍસિડ વિસ્ફોટક તરીકે વાપરી શકાય તેમ દર્શાવ્યું.

1875   :       આલ્ફ્રેડ નોબેલે નાઇટ્રોગ્લિસરીનને નાઇટ્રોસેલ્યુલોઝ સાથે મિશ્ર કરી વિસ્ફોટી જિલેટીન શોધ્યું.

1885   :       ફ્રેંચ રસાયણવિદ્ યુજિન તુર્પિન દ્વારા એમોનિયમ પિક્રેટ(મેલિનાઇટ)ની શોધ.

1888   :       આલ્ફ્રેડ નોબેલે નાઇટ્રોગ્લિસરીન અને નાઇટ્રો-સેલ્યુલોઝમાંથી (બેલિસ્ટાઇટ) નોદકની શોધ કરી.

1889   :       બ્રિટિશ વૈજ્ઞાનિક ફ્રેડરિક એબેલ અને જેમ્સ દેવારે (બેલિસ્ટાઇટ જેવું) કોર્ડાઇટ નોદક શોધ્યું.

1891   :       જર્મન બર્નહાર્ડ ટોલેન્સે PETNની શોધ કરી.

1899   :       હેનિન્ગ દ્વારા RDXની શોધ.

1905   :       યુ.એસ. સૈન્યના અફસર બી. ડબ્લ્યૂ. ડુન દ્વારા ડુનાઇટ નામના એમોનિયમ પિક્રેટ વિસ્ફોટકની શોધ.

1915   :       બ્રિટિશ વૈજ્ઞાનિકોએ એમેટોલ(TNT + એમોનિયમ નાઇટ્રેટ)ની શોધ કરી.

1955   :       યુ.એસ. વૈજ્ઞાનિકોએ ANFO(એમોનિયમ નાઇટ્રેટ + ફ્યુઅલ ઑઇલનું મિશ્રણ)ને ઔદ્યોગિક વિસ્ફોટક તરીકે વિકસાવ્યું.

જ. પો. ત્રિવેદી

કિન્નરી મહેતા